ગુજરાત ATS અને વડોદરા SOGની મોટી સફળતા : 200 કિગ્રાનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું
ગુજરાતમાં એક બાદ એક અલગ-અલગ સ્થળેથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાવવાનો સિલસિલો યથાવત છે. ડ્રગ્સના દૂષણને ડામવા માટે ગુજરાત ATS અને વડોદરા SOGએ એક મોટું સંયુકત ઓપરેશન પાર પાડ્યું છે. વડોદરા ગ્રામ્ય સાવલી તાલુકાના મોક્ષી ગામની સીમમાં આવેલી નેક્ટર કેમ નામની કેમિકલ ફેક્ટરીમાંથી મોટા પ્રમાણમાં એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું. આ ફેક્ટરીમાં કેમિકલ નહિ પરંતુ દેશની નસલને બરબાદ કરતા એમડી ડ્રગ્સની લેબોરેટરી ધમધમતી હતી.
ગઈકાલ રાતથી આ સર્ચ ઓપરેશન ચાલુ હતુ જેમાં સાવલી મોક્સી રોડ પર આવેલ GK માર્બલ કંપનીમાં દરોડા પાડતા જાણવા મળ્યુ કે, આ કંપનીમાં માર્બલના ભૂકાની આડમાં ડ્રગ્સનો કારોબાર થતો હતો. મેગા ઓપરેશનમાં MD ડ્રગ્સ સાથે કરોડો રુપિયાનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યુ છે. પ્રાપ્ત માહિતી અનુસાર 200 કિલો ગ્રામ એમડી ડ્રગ્સ પકડી પાડવામાં સફળતા મળી હોવાનુ જાણવા મળી રહ્યું છે. વડોદરા પોલીસ દ્વારા આટલા મોટા પ્રમાણમાં પ્રથમ વખત ડ્રગ્સનો જથ્થો પકડવામાં આવ્યો છે.
ગુજરાત ATS,વડોદરા SOGનું સંયુક્ત ઓપરેશન
મળતી માહિતી પ્રમાણે ગુજરાત ATS(Gujarat Anti Terror Squad)ની રેડમાં સ્થળ પરથી અંદાજિત રૂ. 1000 કરોડનું એમડી ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે. આ ડ્રગ્સની ચોક્કસ કિંમત કેટલી છે તે ફોરેન્સીક તપાસ બાદ જાણી શકાશે.
હાલ પોલીસ દ્વારા આ મામલામાં કયા મોટા માથા સંડોવાયેલા છે, ડ્રગ્સનો કાચો માલ ક્યાંથી આવતો હતો, તેને બનાવીને ક્યાં મોકલવામાં આવતો હતો, સહિતના મુદ્દે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. પ્રાથમિક સુત્રોના જણાવ્યા પ્રમાણે, કંપનીનું નામ નેક્ટર કેમ છે, તે સાંકરદા-ભાદરવા રોડ, મોક્સી ગામ, સાવલી ખાતે આવેલી છે.