આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસવર્લ્ડસાયન્સ એન્ડ ટેકનોલોજી

ગૂગલને મોટો આંચકોઃ Pixel સ્માર્ટફોન ઉપર પ્રતિબંધ, iPhone16 પણ પ્રતિબંધિત

જાકાર્તા, 2 નવેમ્બર, 2024: એપલ પછી હવે ગૂગલને પણ મોટો આંચકો લાગ્યો છે. ઈન્ડોનેશિયાની સરકારે આકરું વલણ અખત્યાર કરીને ગૂગલના પિક્સલ સ્માર્ટ ફોનને પ્રતિબંધિત કરી દીધો છે. ઇન્ડોનેશિયાએ iPhone 16 પછી Google Pixel ફોન પર પણ પ્રતિબંધ મૂક્યો છે. ઈન્ડોનેશિયાની સરકારે Google Pixel સ્માર્ટફોનના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. ઈન્ડોનેશિયાનું કહેવું છે કે એપલની જેમ ગૂગલે પણ લોકલ મેન્યુફેક્ચરિંગ નિયમોનું પાલન કર્યું નથી. iPhone 16 પર પ્રતિબંધ બાદ Google Pixel ફોન પર પ્રતિબંધને કારણે ઈન્ડોનેશિયા જતા ભારતીય પ્રવાસીઓને પણ અસર થઈ શકે છે.

ઈન્ડોનેશિયાની સરકારનું કહેવું છે કે ગૂગલ અને એપલ જેવી મોટી કંપનીઓ પર સ્થાનિક ઉત્પાદન નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. અમે દેશમાં કામ કરતા તમામ રોકાણકારોને આ નિયમનું પાલન કરવા કહીએ છીએ, જેથી તે દરેક માટે ન્યાયી બની શકે. ગૂગલની પ્રોડક્ટ્સ આ નિયમનું પાલન કરતી નથી, જેના કારણે તેને અહીં વેચી શકાતી નથી.

ગૂગલે કહ્યું કે હાલમાં ઈન્ડોનેશિયામાં Pixel સ્માર્ટફોનનું વેચાણ થઈ રહ્યું નથી. જો કોઈ વપરાશકર્તા ઇન્ડોનેશિયાની બહાર Google Pixel ફોન ખરીદે છે, તો જ્યાં સુધી તે જરૂરી ટેક્સ ચૂકવે નહીં ત્યાં સુધી તેનો ફોન ગેરકાયદે ગણવામાં આવશે. ઈન્ડોનેશિયા સરકારનો આ નિર્ણય iPhone 16 પર પ્રતિબંધ લગાવ્યાના એક સપ્તાહ બાદ આવ્યો છે. ઈન્ડોનેશિયાની સરકારે ત્યાં ફોનના વેચાણ માટે નિયમો અને શરતો નક્કી કરી છે, જેથી સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપી શકાય. સરકારે સ્માર્ટફોન કંપનીઓને તેમના ઉપકરણોમાં 40 ટકા સ્થાનિક ઘટકોનો ઉપયોગ કરવાનો નિર્દેશ આપ્યો છે.

જો કે, ગૂગલ અને એપલ ઇન્ડોનેશિયામાં ટોચના સ્માર્ટફોન ઉત્પાદકો નથી. સેમસંગ અને ઓપ્પોના ફોન ઈન્ડોનેશિયાના માર્કેટમાં સૌથી વધુ વેચાઈ રહ્યા છે. ભારત ઉપરાંત દક્ષિણ એશિયામાં ઈન્ડોનેશિયા પણ એક મહત્વપૂર્ણ સ્માર્ટફોન માર્કેટ છે. અહીંની મોટાભાગની વસ્તી 30 વર્ષથી ઓછી વયની છે, જેના કારણે તેને ટેક સેવી રાષ્ટ્ર કહેવામાં આવે છે. ઈન્ડોનેશિયા સરકારના આ પ્રતિબંધથી ભારતમાંથી ઈન્ડોનેશિયા જતા પ્રવાસીઓને પણ અસર થશે. જો તેઓ ઈન્ડોનેશિયા જઈ રહ્યા છે, તો આઈફોન 16 અને ગૂગલ પિક્સેલ ફોન સિવાય, તેઓએ તેમની સાથે સેકન્ડરી ફોન પણ રાખવો પડશે.

આ પણ વાંચોઃ સાવધાન! સાધુબાવાના વેશમાં ફરતા આ લોકો કોણ છે જાણો છો? જૂઓ વીડિયો

Back to top button