દહેગામમાં કોરોના મૃત્યુ સહાયમાં મોટા કૌભાંડનો પર્દાફાશ, 30 વારસદારો સામે ફરિયાદ, જાણો સમગ્ર મામલો
ગાંધીનગરના દહેગામમાં કોરોના મૃત્યુ સહાયમાં મસમોટું કૌભાંડ ઝડપાયું છે. દહેગામમાં ખોટા દસ્તાવેજો રજૂ કરી વારસદારોએ કોરોના સહાય લીધી હોવાનું કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ મામલામાં 30 જેટલા વારસદારો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
દહેગામમાં કોરોના મૃત્યુ સહાયમાં કૌભાંડ
પ્રાપ્ત વિગતો મુજબ દહેગામમાં કોરોના મૃત્યુ સહાયમાં મોટું કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે. જેમાં ખોટા દસ્તાવેજોરજૂ કરી વારસદારોએ કોરોના સહાય લીધી હોવાનું સામે આવ્યું છે. જાણકારી મુજબ દહેગામના 30 જેટલા વારસદારોએ પોતાના સગા કોરોના મૃત્યુ પામ્યા હોવાના ખોટા દસ્તાવેજ બનાવ્યા હતા અને ખોટા પ્રમાણપત્ર આધારે કોરોના સહાય મેળવી હતી. આ મામલો સામે આવતા નાયબ મામલતદારે 30 જેટલા વારસદારો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.જે બાદ પોલીસ દ્વારા 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
30 લોકો સામે ફરિયાદ, 13ની ધરપકડ
ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે કોરોનાકાળમાં જે પરિવારના સ્વજનો મૃત્યુ પામ્યા હોય તેમના માટે રૂપિયા 50 હજારની સહાયની જાહેરાત કરી હતી.ત્યારે આ સહાય મેળવવા માટે જેમના કોરોનાને બદલે અન્ય બીમારીઓથી મૃત્યુ થયા હોય તેવા મૃતકોના પરિવારજનોએ ખોટા પ્રમાણપત્રો રજૂ કરી સહાય માટે અરજી કરી હતી. આ અંગે જાણ થતા મામલતદારે વારસદારો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રમાણપત્રોની ખરાઈ કરાવી હતી. જેમાં 30 જેટલા મૃત્યુ પામેલા વ્યક્તિના વારસદારોએ ખોટા સહી સિક્કાવાળા પ્રમાણપત્રો રજૂ કરી સહાય મેળવી હોવાનું કૌભાંડ બહાર આવ્યું હતું.જે બાદ 30 જેટલા વારસદારો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાંથી 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ખોટા દસ્તાવેજો રજૂ કરી 30 જેટલા અરજદારોએ સહાય મેળવી
આ કૌભાંડ સામે આવતા નાયબ મામલતદાર કૌશલકુમાર ચૌધરીએ દહેગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ કરતા મેડિકલ સર્ટિફિકેટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાણોદાનું હોવાનું સામે આવ્યું હતું.જેથી પોલીસની ટીમ મેડીકલ ઓફિસર પાસે પહોંચી હતી. અને મેડિકલ ઓફિસર દ્વારા મૃતકોના નામ સાથેની વિગતો તપાસ કરવામા આવી હતી જેમાં આવા કોઈ સર્ટિફિકેટ ઈસ્યૂ કરવામાં આવ્યા ન હોવાનું સામે આવ્યું હતું.જે બાદ નકલી સર્ટિફેકટ બનાવી સહાય મેળવનારા વારસદારો સામે કાર્યવાહી કરવા તૈયારી તેજ કરી દેવામાં આવી છે. તેમજ આ મામલે રાજ્ય સરકારે તપાસનો આદેશ આપ્યો હતો.
આ પણ વાંચો : યાત્રીગણ કૃપયા ધ્યાન દે! અમદાવાદ ડિવિઝનની 10 ટ્રેન રદ, 4 ટ્રેનના રૂટ ડાઇવર્ટ કરાયા