- 127 બાળકોના પ્રવેશ રદ કરાવવા ડીઈઓ કચેરીમાં રજૂઆત
- ડીઈઓ દ્વારા આઈટી રિર્ટનની જાણકારી માગી
- મોટી સંખ્યામાં ખોટા ડોક્યુમેન્ટસ રજુ કરવાનું કાવતરું
રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ખાનગી સ્કૂલોમાં 25 ટકા પ્રમાણે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને પ્રવેશ આપવાનો નિયમ હોવા છતાં અમદાવાદ શહેરની અનેક નામાંકિત ખાનગી સ્કૂલોમાં રિઝર્વ બેઠકની સામે 50 ટકા જેટલા અને એનાથી પણ ઓછા બાળકોના પ્રવેશ થાય છે અથવા તો ભણે છે. આ વખતે સરકારે ઈન્કમટેક્સ રિટર્નની જોગવાઈ કરતાં ખાનગી સ્કૂલોએ તેને હથિયાર બનાવી ચાલુ વર્ષ તો દૂર પાછલા પાંચ-સાત વર્ષમાં જે બાળકોના પ્રવેશ થયા છે અને ભણી રહ્યાં છે તેઓના પ્રવેશ રદ કરવા માટે કારસો ઘડી કાઢયો છે.
અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારની ઉદ્ગમ સ્કૂલે તો એક સાથે 127 બાળકોના પ્રવેશ રદ કરાવવા માટે શહેર ડીઈઓ કચેરીમાં રજૂઆત કરી છે. આ સિવાય આનંદ નિકેતન સ્કૂલે પણ 12 જેટલા બાળકોના પ્રવેશ રદ કરાવવા દરખાસ્ત કરી છે. મહત્વની વાત એ છે કે, આ વાલીઓએ ખોટા ડોક્યુમેન્ટ્સ ઉભા કર્યાં હોય તો તેઓને સજા મળવી જોઈએ પરંતુ ખાનગી સ્કૂલોમાં જે 25 ટકા રિઝર્વ બેઠકો છે તેમાં કોઈપણ ભોગે લાયક બાળકને જ પ્રવેશ મળવો જોઈએ તેવી સરકારે કાર્યવાહી કરવી જોઈએ તેવી માગ ઉઠી છે.
આરટીઈના એડમિશનમાં ગરીબ બાળકોને પ્રાથમિકતા મળે તે માટે સરકાર આઈટી રિટર્ન નિયમ લાવી તે તેમાં પણ લાભ ખાટવા માટે ખાનગી સ્કૂલ સંચાલકો હવાતિયા મારી રહ્યાં છે. શહેરના થલતેજ વિસ્તારમાં આવેલી ઉદ્ગમ સ્કૂલમાં આરટીઈ અંતર્ગત કુલ 247 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. છેલ્લા પાંચ વર્ષની વાત કરવામાં આવે તો વર્ષ-2019માં 29, 2020માં 29, વર્ષ-2021માં 32, વર્ષ-2022માં 79 અને વર્ષ-2023માં 53 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે.
ચાલુ વર્ષે આ સ્કૂલમાં 25 ટકા મુજબ રિઝર્વ 107 બેઠક છે પરંતુ પ્રવેશ માત્ર 53 બાળકોએ મેળવ્યો છે. તેમ છતાં આ સ્કૂલ દ્વારા નિયત કરતાં વધુ આઈટી રિટર્ન વાલીઓએ ભર્યું હોવાના પુરાવા એકત્ર કરી 127 બાળકોના પ્રવેશ રદ કરવા માટે અમદાવાદ શહેર ડીઈઓ કચેરીમા ફાઈલ રજૂ કરી છે. આ સિવાય સેટેલાઈટ વિસ્તારની આનંદ નિકેતન સ્કૂલ દ્વારા પણ 12 જેટલા બાળકોના પ્રવેશ રદ કરવા માટે રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે. આ સ્કૂલમાં ચાલુ વર્ષે 24 બેઠક સામે માત્ર 8 જ બાળકોએ પ્રવેશ મેળવ્યો છે. આ પહેલાની વાત કરીએ તો વર્ષ-2022માં 10, વર્ષ-2021માં 9, વર્ષ-2020માં 13 અને વર્ષ-2019માં 9 બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો.