સુપ્રીમ કોર્ટ તરફથી રણવીર અલ્લાહાબાદીયાને મોટી રાહત, આ એક શરતે શોને પ્રસારિત કરવાની મળી મંજૂરી


નવી દિલ્હી, 3 માર્ચ : ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ કેસમાં ચર્ચામાં આવેલા યુટ્યુબર અને પોડકાસ્ટ હોસ્ટ રણવીર અલ્લાહબાદીયાને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. કોર્ટે ‘ધ રણવીર શો’ ચાલુ રાખવાની પરવાનગી આપી છે. આ સાથે, સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો છે કે તેઓ શો પ્રકાશિત કરતી વખતે મર્યાદાઓને ધ્યાનમાં રાખે. કોર્ટે એક શરત મૂકી છે કે રણવીરે એક બાંયધરી આપવી પડશે, જેમાં તે સુનિશ્ચિત કરશે કે તેના શોમાં નૈતિકતાનું સ્તર જાળવવામાં આવે, જેથી તમામ ઉંમરના દર્શકો તેને જોઈ શકે.
સુનાવણી દરમિયાન કોર્ટે ટિપ્પણી કરી હતી કે આ રાહત એટલા માટે આપવામાં આવી છે કારણ કે 280 લોકોની આજીવિકા આ શો સાથે જોડાયેલી છે. જોકે, સુપ્રીમ કોર્ટે વિદેશ યાત્રાના મુદ્દે હાલ કોઈ છૂટછાટ આપી નથી. કોર્ટે કહ્યું કે તપાસમાં સંપૂર્ણ સહયોગ આપ્યા બાદ આ માંગ પર વિચાર કરી શકાય છે.
કેન્દ્ર સરકારને પણ મહત્વપૂર્ણ સૂચનાઓ મળી છે
આ વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવીને મોટો આદેશ આપ્યો છે. કોર્ટે કેન્દ્રને ઓનલાઈન કન્ટેન્ટનું નિયમન કરવા કહ્યું છે અને આ માટે કોર્ટે સંબંધિત લોકો પાસેથી અભિપ્રાય લેવા કહ્યું છે. મહત્વનું છે કે રણવીર અલ્લાહબાદીયાએ કોમેડિયન અને યુટ્યુબર સમય રૈનાના શો ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં અશ્લીલ ટિપ્પણી કરી હતી, જેના પછી શોને લઈને ઘણો વિવાદ થયો હતો અને તેના પર ઘણા નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. હવે કોર્ટના આ નિર્ણયથી તેમને રાહત મળી છે.
આ પણ વાંચો :- ભાજપ શાસિત આ રાજ્યમાં પેટ્રોલ થશે સસ્તું, સરકારે બજેટમાં કરી રાહતની જાહેરાત