ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

નવાબ મલિકને મોટી રાહત, મની લોન્ડરિંગ કેસમાં જામીન લંબાયા

Text To Speech
  • સુપ્રીમ કોર્ટ દ્વારા વચગાળાના જામીન 3 મહિના માટે લંબાવવામાં આવ્યા
  • કિડનીની બિમારીથી પીડિત મલિકની સ્થિતિમાં કોઈ સુધારો ન આવતા લેવાયો નિર્ણય  

સુપ્રીમ કોર્ટ દ્વારા ગુરુવારે(12 ઓક્ટોબરે) મની લોન્ડરિંગ કેસમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રી અને નેશનલ કોંગ્રેસ પાર્ટી(NCP)ના વડા નવાબ મલિકના વચગાળાના જામીન ત્રણ મહિના માટે લંબાવવામાં આવ્યા છે. નવાબ મલિકે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તપાસ કરી રહેલા કેસમાં તબીબી આધાર પર જામીન નકારતા બોમ્બે હાઈકોર્ટના 13 જુલાઈના આદેશ સામે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી હતી. જેને લઈને સુપ્રીમ કોર્ટ ગુરુવારે નિર્ણય આપ્યો હતો.

NCP વડા નવાબ મલિક કિડનીની બિમારીથી પીડિત

સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ બેલા એમ. ત્રિવેદી અને દીપાંકર દત્તાની બેન્ચે નોંધ્યું હતું કે, NCP વડા નવાબ મલિક કિડનીની બિમારીથી પીડિત છે અને 11 ઓગસ્ટથી જ્યારે તેમને બે મહિના માટે વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા ત્યારથી તેમની સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. જેથી નવાબ મલિકના વચગાળાના જામીનમાં ત્રણ મહિનાનો વધારો કરવામાં આવ્યો છે. એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી.રાજુએ આ વચગાળાના જામીનના વિસ્તરણનો વિરોધ કર્યો ન હતો.

 

દાઉદ ઈબ્રાહિમ સાથે કથિત જોડાયેલા કેસમાં નવાબ મલિકની થઈ હતી ધરપકડ

ભાગેડુ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ અને તેના સહયોગીઓની પ્રવૃત્તિઓ સાથે કથિત રીતે જોડાયેલા કેસમાં ઈડીએ ફેબ્રુઆરી 2022માં નવાબ મલિકની ધરપકડ કરી હતી. ત્યારબાદ નવાબ મલિકે હાઈકોર્ટ પાસેથી રાહત માંગી હતી અને દાવો કર્યો હતો કે, તે અન્ય વિવિધ બિમારીઓ સિવાય ક્રોનિક કિડની રોગથી પીડિત છે. તેણે મેરિટના આધારે જામીન પણ માંગ્યા હતા.

મલિક વિરુદ્ધ EDનો કેસ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા નિયુક્ત વૈશ્વિક આતંકવાદી અને 1993ના મુંબઈ સિરિયલ બોમ્બ વિસ્ફોટોના મુખ્ય આરોપી દાઉદ ઈબ્રાહિમ અને તેના સહયોગીઓ વિરુદ્ધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ હેઠળ દાખલ કરવામાં આવેલી FIR પર આધારિત છે.

 

આ પણ જાણો :ઈઝરાયેલની મુલાકાત દરમિયાન બ્રિટનના વિદેશ મંત્રી માંડ-માંડ બચ્યા, જાણો એવું તે શું થયું ?

Back to top button