EPS Pensionersને મોટી રાહત: આ તારીખથી દેશમાં કોઈપણ બેંકની શાખામાંથી મળશે પેન્શન
નવી દિલ્હી, 04 સપ્ટેમ્બર: કર્મચારી પેન્શન યોજના(Employee Pension Scheme) હેઠળ પેન્શન મેળવતા પેન્શનરો માટે સારા સમાચાર છે. 1 જાન્યુઆરી, 2025 થી, EPS પેન્શનરો દેશના કોઈપણ ખૂણામાં કોઈપણ બેંકની કોઈપણ શાખામાંથી પેન્શન મેળવી શકે છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ આ માહિતી આપી છે. આ નિર્ણયથી લગભગ 78 લાખ EPS પેન્શનરોને ફાયદો થશે.
78 લાખ EPS પેન્શનરોને લાભ
શ્રમ અને રોજગાર મંત્રાલયે એક અખબારી યાદીમાં આ નિર્ણય વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે શ્રમ અને રોજગાર મંત્રી અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી, EPFના અધ્યક્ષ મનસુખ માંડવિયાએ કર્મચારી પેન્શન યોજના 1995(Employees Pension Scheme 1995) માટે સેન્ટ્રલાઈઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમને(Centralized Pension Payment System) મંજૂરી આપી છે. સેન્ટ્રલાઈઝ પેન્શન પેમેન્ટ સિસ્ટમની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. રાષ્ટ્રીય સ્તરે સેન્ટ્રલાઈઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમની રચના સાથે, ભારતના કોઈપણ ખૂણામાં કોઈપણ બેંકની કોઈપણ શાખામાંથી પેન્શનધારકોને પેન્શન આપી શકાય છે. EPFOના 78 લાખ EPS પેન્શનરોને સેન્ટ્રલાઈઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમનો લાભ મળશે.
પેન્શનધારકોની સમસ્યાઓમાં ઘટાડો થશે
આ ઐતિહાસિક નિર્ણય પર શ્રમ અને રોજગાર મંત્રીએ કહ્યું કે, સેન્ટ્રલાઇઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમની મંજૂરી EPFOના આધુનિકીકરણમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થશે. દેશમાં કોઈપણ બેંકની કોઈપણ શાખામાંથી પેન્શનધારકોને પેન્શન આપવાથી પેન્શનધારકોની સમસ્યાઓ હલ કરવામાં મદદ મળશે જેનો તેઓ લાંબા સમયથી સામનો કરી રહ્યા હતા.
પેન્શન પેમેન્ટ ઓર્ડરની જરૂર રહેશે નહીં
સેન્ટ્રલાઈઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમ દેશમાં પેન્શન વિતરણમાં મદદ કરશે અને આ માટે પેન્શન પેમેન્ટ ઓર્ડર (Pension Payment Orders) ટ્રાન્સફર કરવાની જરૂર રહેશે નહીં. અગાઉ, જ્યારે પેન્શનરો એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા અથવા બેંકો અથવા શાખાઓ બદલતા ત્યારે પેન્શન પેમેન્ટ ઓર્ડર જારી કરવા પડતા હતા. નિવૃત્તિ પછી વતન જતા આવા પેન્શનરોને આનાથી મોટી રાહત મળશે. આગામી તબક્કામાં કેન્દ્રીયકૃત પેન્શન પેમેન્ટ સિસ્ટમને આધાર આધારિત પેમેન્ટ સિસ્ટમ(Aadhaar-based payment system) સાથે લિંક કરવામાં આવશે.
આ પણ વાંચો :વિધાનસભા ચૂંટણી માટે ભાજપની ખાસ વ્યૂહરચના ; નવા અને યુવા ચહેરાઓ પર લગાવી શકે છે દાવ