બાબા રામદેવને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, લેખિત માફી માંગ્યા બાદ બંધ થયો કેસ
- ભવિષ્યમાં પતંજલિ ઉત્પાદનોને લઈને ભ્રામક જાહેરાતો અને ભ્રામક દાવા કરવામાં આવશે નહીં: બાબા રામદેવ
નવી દિલ્હી, 13 ઑગસ્ટ: સુપ્રીમ કોર્ટે યોગગુરુ બાબા રામદેવ અને પતંજલિ આયુર્વેદના આચાર્ય બાલકૃષ્ણ સામેના અવમાનના કેસને બંધ કરીને તેમને મોટી રાહત આપી છે. રામદેવ અને બાલકૃષ્ણએ લેખિતમાં માફી માંગી હતી અને કહ્યું હતું કે, “ભવિષ્યમાં પતંજલિ ઉત્પાદનોને લઈને ભ્રામક જાહેરાતો અને ભ્રામક દાવા કરવામાં આવશે નહીં.” સુપ્રીમ કોર્ટે 14 મેના રોજ ભ્રામક જાહેરાતના કેસમાં યોગગુરુ બાબા રામદેવ, તેમના સહયોગી આચાર્ય બાલકૃષ્ણ અને પતંજલિ આયુર્વેદ લિમિટેડને આપવામાં આવેલી અવમાનની નોટિસ પર પોતાનો આદેશ સુરક્ષિત રાખ્યો હતો.
#BREAKING: Supreme Court closes contempt case against Baba Ramdev, Acharya Balkrishna in misleading ads case
Closes all proceedings against them. pic.twitter.com/QA7WCSFJ5Q
— Bar and Bench (@barandbench) August 13, 2024
અગાઉ આ કેસમાં શું થયું હતું?
અગાઉ, પતંજલિ આયુર્વેદ લિમિટેડે સુપ્રીમ કોર્ટને જાણ કરી હતી કે, તેમણે 14 ઉત્પાદનોનું વેચાણ અટકાવ્યું હતું, જેનાં ઉત્પાદન લાયસન્સ એપ્રિલમાં ઉત્તરાખંડ રાજ્ય લાયસન્સિંગ ઓથોરિટી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. કંપનીએ જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠને કહ્યું હતું કે, તેમણે 5,606 ફ્રેન્ચાઈઝી સ્ટોર્સને આ પ્રોડક્ટ્સ પાછી ખેંચી લેવાનો નિર્દેશ આપ્યો છે. આ પછી બેંચે પતંજલિ આયુર્વેદને એફિડેવિટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, એક સોગંદનામું દાખલ કરીને કહેવું પડશે કે, જાહેરાતો દૂર કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ થકી કરવામાં આવેલી વિનંતીઓનો અમલ કરવામાં આવ્યો છે અને આ 14 ઉત્પાદનોની જાહેરાતો પાછી ખેંચી લેવામાં આવી છે.
ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા કરવામાં આવી હતી અરજી
સુપ્રીમ કોર્ટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં પતંજલિ પર કોવિડ રસીકરણ અભિયાન અને આધુનિક તબીબી પ્રણાલીઓ વિરુદ્ધ ખોટા માહિતી અભિયાન ચલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ઉત્તરાખંડ રાજ્ય લાઇસન્સિંગ ઓથોરિટીએ કોર્ટને જણાવ્યું હતું કે, પતંજલિ આયુર્વેદ લિમિટેડ અને દિવ્યા ફાર્મસીના 14 ઉત્પાદનોના ઉત્પાદન લાયસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ પણ જૂઓ: જમ્મુ-કાશ્મીરમાં સેનાને મળી મોટી સફળતા, આતંકવાદીઓના સૌથી મહત્વપૂર્ણ મોડ્યુલ કર્યું ખત્મ, 8ની ધરપકડ