અદાણીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, હિંડનબર્ગ કેસ SITને નહીં સોંપાય
03 જાન્યુઆરી, 2024ઃ અદાણી-હિંડનબર્ગ કેસ પર દેશની સર્વોચ્ચ અદાલતે પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલાની તપાસ માટે સેબીને વધુ 3 મહિનાનો સમય આપ્યો છે. 24 કેસમાંથી 22માં તપાસ પૂરી થઈ ગઈ છે અને બાકીના 2 કેસ માટે સુપ્રીમ કોર્ટે સેબીને વધુ 3 મહિનાનો સમય આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે અત્યાર સુધી સેબીની તપાસમાં કોઈ ખામી જોવા મળી નથી. એટલે કે પ્રશાંત ભૂષણ સહિત અન્ય અરજીકર્તાઓની દલીલો ફગાવી દેવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટમાં શું કહ્યું?
અદાણી કેસમાં કોર્ટે કહ્યું કે સેબીની તપાસમાં FPIના નિયમોને લગતી કોઈ અનિયમિતતા મળી નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કેસમાં સીમિત સત્તાઓ છે જેના આધારે તપાસ કરવામાં આવી છે. સેબીના નિયમનકારી માળખામાં પ્રવેશવાની આ કોર્ટની સત્તા મર્યાદિત છે, એટલે કે, કોર્ટ સેબીના અધિકારક્ષેત્રમાં દખલ કરશે નહીં. કોર્ટે એમ પણ કહ્યું કે સેબીના તપાસના નિયમોમાં કોઈ ખામી નથી અને આ કેસની તપાસ સેબીને બદલે એસઆઈટીને સોંપવામાં આવશે નહીં.
અદાણી ગ્રુપ પર શું હતા આરોપ?
હિંડનબર્ગ રિપોર્ટમાં એવા આક્ષેપો થયા હતા કે ગૌતમ અદાણી અને તેમના અદાણી જૂથે ખોટી રીતે અદાણીના શેરમાં નાણાંનું રોકાણ કર્યું હતું. તેના દ્વારા શેરના ભાવમાં હેરાફેરી કરીને શેરધારકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. અરજીકર્તાના વકીલ પ્રશાંત ભૂષણે માંગ કરી હતી કે અદાણી કંપનીઓના શેરમાં રોકાણની તપાસ સાથે એ પણ જોવામાં આવે કે કોને શું ફાયદો થયો.