સંદેશખલી કાંડ પર મમતા સરકારને SCની મોટી રાહત, લોકસભા સચિવાલય પાસે માંગ્યો જવાબ
- આ કેવી રીતે વિશેષાધિકારનો ભંગ છે?: સુપ્રીમ કોર્ટે વિશેષાધિકાર સમિતિની કાર્યવાહી પર રોક લગાવી
નવી દિલ્હી, 19 ફેબ્રુઆરી: સંદેશખલી કેસમાં પશ્ચિમ બંગાળ સરકારને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે સંસદની વિશેષાધિકાર સમિતિની નોટિસ પર સ્ટે મુક્યો છે. હકીકતમાં, બીજેપી સાંસદ સાથે થયેલી ગેરરીતિના મામલે વિશેષાધિકાર સમિતિએ પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ ભગવતીપ્રસાદ ગોપાલિકા, DGP રાજીવ કુમાર, ઉત્તર 24 પરગણા જિલ્લા મેજિસ્ટ્રેટ શરદકુમાર દ્વિવેદી, બશીરહાટના પોલીસ અધિક્ષક હુસૈન મેહદી રહેમાન અને વધારાના અધિકારીઓને સમન્સ જારી કર્યા છે. પોલીસ અધિક્ષક પાર્થ ઘોષને 19મી ફેબ્રુઆરીએ હાજર થવાનો આદેશ કરાયો હતો. આ નોટિસને પડકારતાં પશ્ચિમ બંગાળ સરકાર વતી અરજી દાખલ કરવામાં આવી હતી.
SC issues notice, stays Parliament Ethics Committee summon to WB senior officials in Sandeshkhali matter
Read @ANI Story | https://t.co/J9VNhlXztJ#SupremeCourt #Sandeshkhali #Parliament pic.twitter.com/qum9iU367j
— ANI Digital (@ani_digital) February 19, 2024
પશ્ચિમ બંગાળ સરકાર વતી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવીએ સોમવારે સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડની બેંચ સમક્ષ આ મામલો ઉઠાવ્યો હતો. સિબ્બલે કહ્યું હતું કે, ‘સંદેશખલી વિસ્તાર કલમ 144 હેઠળ હતો. આવી સ્થિતિમાં કલમ 144નું ઉલ્લંઘન કરીને કરવામાં આવતી રાજકીય ગતિવિધિ વિશેષાધિકારનું ઉલ્લંઘન ન હોઈ શકે.”
સિબ્બલ અને સિંઘવીએ શું-શું દલીલો આપી?
કોર્ટે કહ્યું કે, “અમે અરજી વાંચી નથી, તેથી અમે તેને પછીથી સૂચિબદ્ધ કરીશું.” જો કે, સિબ્બલે કહ્યું કે, “નોટિસ પર અધિકારીઓને આજે જ હાજર થવા માટે બોલાવવામાં આવ્યા છે.” આવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટે આ અરજી પર સુનાવણી ચાલુ રાખી.
આ બાદ, મમતા બેનર્જી સરકાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, “મુખ્ય સચિવ, DM અને પોલીસ કમિશનર સ્થળ પર હાજર ન હતા, પરંતુ તેમ છતાં વિશેષાધિકાર સમિતિએ તેમને બોલાવ્યા છે. આવો જ એક મામલો ઝારખંડનો હતો, જ્યાં કોર્ટે રાહત આપી હતી.” બંગાળ સરકાર વતી હાજર રહેલા બંને વકીલોની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે વિશેષાધિકાર સમિતિની નોટિસ પર આગામી સુનાવણી સુધી સ્ટે આપ્યો હતો. કોર્ટે આ મામલે લોકસભા સચિવાલયને નોટિસ પાઠવીને ચાર સપ્તાહમાં જવાબ માંગ્યો છે.
સંદેશખલી કાંડનો સમગ્ર મામલો શું છે?
ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળના ભાજપના લોકસભા સાંસદ અને બંગાળના બીજેપી અધ્યક્ષ સુકાંત મજુમદારે વિશેષાધિકાર સમિતિને પત્ર લખીને મમતા બેનર્જી સરકારમાં રહેલા પોલીસ અને સુરક્ષા દળો પર તેમની(સુકાંત મજુમદાર) સાથે દુર્વ્યવહાર, નિર્દયતા અને જીવલેણ ઈજાઓ પહોંચાડવાનો આરોપ લગાવીને સાંસદ તરીકેના વિશેષાધિકારોનું ઉલ્લંઘન અને પ્રોટોકોલના નિયમોના ભંગ બદલ ફરિયાદ કરી હતી.
મજુમદારની ફરિયાદને ગંભીરતાથી લેતા લોકસભાની વિશેષાધિકાર સમિતિએ ગયા અઠવાડિયે 15 ફેબ્રુઆરીને ગુરુવારે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ અને DGP સહિત આ અધિકારીઓને 19 ફેબ્રુઆરીએ સમિતિ સમક્ષ હાજર થવા અને પોતાનો ખુલાસો રજૂ કરવા જણાવ્યું હતું.
સંદેશખલીમાં TMC નેતા પર શું છે આરોપ?
પશ્ચિમ બંગાળના 24 ઉત્તર પરગણા જિલ્લામાં સ્થિત સંદેશખલી વિસ્તાર વિતેલા દિવસોમાં સતત ચર્ચામાં રહ્યો છે. અહીં ઘણી મહિલાઓએ TMC નેતા શાહજહાં શેખ અને તેમના નજીકના સહયોગ શિબુ હજારા તેમજ ઉત્તમ સરકાર પર યૌન શોષણ અને તેમની જમીન પર ગેરકાયદે કબજો કરવાનો આરોપ લગાવ્યો છે.
અહીં પ્રદર્શનકારીઓ સતત પ્રશાસન પાસે તેમની ધરપકડની માંગ કરી રહ્યા છે. સંદેશખલીની મહિલાઓએ મીડિયાને જણાવ્યું હતું કે, શાહજહાં શેખના માણસોએ માત્ર તેમને ત્રાસ જ નહીં પરંતુ તેમની માછલીના પાલનની જમીન પણ કબજે કરી લીધી છે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું હતું કે, શાહજહાં શેખ, શિબુ હજારા અને ઉત્તમ સરકારના લોકોએ સગીર બાળકોને પણ છોડ્યા નથી. તેઓ તેમણે દારૂ સાથે હથિયારો આપી દેતાં હતા. જો કે, રાજ્ય સરકારે આ મામલે ભાજપ પર રાયનો પર્વત બનાવવાનો આરોપ લગાવ્યો છે.
આ પણ જુઓ: CJI ચંદ્રચૂડની કારનો ફોટો વાયરલ, નંબર પ્લેટ જોઈને ઉદ્યોગપતિએ કહ્યું…