ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ગુરમીત રામ રહીમને મોટી રાહત: રણજીત સિંહ હત્યાકાંડમાં નિર્દોષ જાહેર

Text To Speech

ચંદીગઢ, 28 મે: ગુરમીત રામ રહીમને પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાંથી આજે મંગળવારે મોટી રાહત મળી છે. હાઇકોર્ટે બહુચર્ચિત રણજીત સિંહ હત્યાકાંડના કેસમાં ગુરમીત રામ રહીમને નિર્દોષ જાહેર કર્યા છે. જુલાઈ 2002માં ડેરા સચ્ચા સૌદાના મેનેજર રણજીત સિંહની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં ગુરમીત રામ રહીમને સજા સંભળાવવામાં આવી હતી. આ કેસમાં સીબીઆઈ કોર્ટે રામ રહીમને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી હતી.

શું છે સમગ્ર મામલો ?

22 વર્ષ પહેલા 10 જુલાઈ 2002ના રોજ સિરસા ડેરાના મેનેજર રણજીત સિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસની તપાસ 2003માં સીબીઆઈને સોંપવામાં આવી હતી. સીબીઆઈએ તેની તપાસમાં શોધી કાઢ્યું હતું કે ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સહિત પાંચ લોકોએ આ હત્યાને અંજામ આપ્યો હતો. જે બાદ CBI કોર્ટે રામ રહીમ સહિત 5 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા અને તેમને આજીવન કેદની સજા ફટકારી હતી. રામ રહીમે સીબીઆઈ કોર્ટના નિર્ણય સામે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં અપીલ કરી હતી. જેના પર જસ્ટિસ સુરેશ્વર ઠાકુર અને જસ્ટિસ લલિત બત્રાની બનેલી હાઈકોર્ટની બે સભ્યોની ડિવિઝન બેન્ચે અરજી સ્વીકારી હતી. કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે આ હત્યા કેસમાં રામ રહીમ સહિત પાંચેય આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.

જેલમાંથી બહાર આવી શકશે નહીં

રામ રહીમ પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યા અને બળાત્કારના કેસમાં દોષી છે. આ સિવાય તેની સામે ઘણા કેસ પેન્ડિંગ છે. રામ રહીમે બળાત્કાર અને છત્રપતિ હત્યા કેસ પર નીચલી કોર્ટના નિર્ણયને પણ હાઈકોર્ટમાં પડકાર્યો છે અને આ મામલો હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. આવી સ્થિતિમાં તે જેલમાંથી બહાર નહીં આવી શકે તે સ્પષ્ટ છે. રામ રહીમ હાલ રોહતકની સુનારિયા જેલમાં બંધ છે.

18 ઓક્ટોબર, 2021ના રોજ પંચકુલાની વિશેષ સીબીઆઈ કોર્ટે ડેરા પ્રમુખ ગુરમીત રામ રહીમ અને અન્ય ચારને આજીવન કેદની સજા સંભળાવી હતી. આ કેસમાં અન્ય આરોપીઓ અવતાર સિંહ, કૃષ્ણ લાલ, જસબીર સિંહ અને સબદિલ સિંહ હતા. કેસની સુનાવણી દરમિયાન એક આરોપીનું મૃત્યુ થયું હતું. સીબીઆઈ જજે રામ રહીમ પર 31 લાખ રૂપિયા, સબદીલ પર 1.50 લાખ રૂપિયા અને જસબીર અને કૃષ્ણા પર 1.25-1.25 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

આ પણ વાંચો..કેજરીવાલના વચગાળાના જામીન વધારવાની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો SCનો ઇનકાર

Back to top button