ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હીમાં મોટો રાજકીય ખેલ: AAPના પૂર્વ મંત્રી રાજકુમાર આનંદ સહિત ઘણા નેતાઓ ભાજપમાં જોડાયા

  • રાજકુમાર આનંદે લોકસભા ચૂંટણી પહેલા દારૂ નીતિ કેસના કારણે AAPના મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને બસપામાં જોડાયા હતા

નવી દિલ્હી, 10 જુલાઇ: આમ આદમી પાર્ટી (AAP)ના પૂર્વ નેતા અને મંત્રી રાજકુમાર આનંદ આજે બુધવારે ભાજપમાં જોડાયા છે. તેમણે લોકસભા ચૂંટણી પહેલા મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને બસપામાં જોડાયા હતા. હવે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. તેમની સાથે AAPના વર્તમાન ધારાસભ્ય કરતાર સિંહ તંવર, રત્નેશ ગુપ્તા, સચિન રાય, પૂર્વ ધારાસભ્ય વીણા આનંદ અને AAP કાઉન્સિલર ઉમેદ સિંહ ફોગાટ પણ ભાજપમાં જોડાયા છે. આ નેતાઓ દિલ્હી ભાજપના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા અને રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહની હાજરીમાં પાર્ટીમાં જોડાયા હતા.

 

તાજેતરમાં એપ્રિલ મહિના દરમિયાન રાજકુમાર આનંદે ભ્રષ્ટાચાર અંગેની પાર્ટીની નીતિ પર અસંતોષ વ્યક્ત કરીને કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું હતું. તેમનું રાજીનામું સીધું દારૂ નીતિ કેસ સાથે જોડાયેલું હતું, જેમાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા સહિતના અગ્રણી નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી.

લોકસભા ચૂંટણીમાં કારમી હાર

મહત્ત્વપૂર્ણ છે કે, રાજકુમાર આનંદે BSPની ટિકિટ પર નવી દિલ્હી સીટ પરથી તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણી લડી હતી. ચૂંટણી જંગમાં તેમને માત્ર 5629 વોટ મળ્યા હતા. BJPના બાંસુરી સ્વરાજે આ સીટ પર 78,370 વોટથી જીત મેળવી હતી. તેમને 453,185 મત મળ્યા હતા. આમ આદમી પાર્ટીના સોમનાથ ભારતી 374,815 મતો સાથે બીજા ક્રમે છે.

પટેલ નગરના ભૂતપૂર્વ ધારાસભ્ય રાજ​​કુમાર આનંદ અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની દિલ્હી કેબિનેટમાં સમાજ કલ્યાણ અને SC/ST મંત્રી હતા. આનંદે કહ્યું કે, તેમણે રાજીનામું એટલા માટે આપ્યું કારણ કે તેઓ પોતાનું નામ ચાલી રહેલા ‘ભ્રષ્ટાચાર’ સાથે જોડાવા માંગતા ન હતા.

AAP ધારાસભ્યના ઘરે ઈન્કમટેક્સ દ્વારા પાડવામાં આવ્યા હતા દરોડા

જુલાઈ 2016માં ઈન્કમ ટેક્સની ટીમે કરતાર સિંહ તંવરના ઘરે દરોડા પાડ્યા હતા. આવકવેરા અધિકારીઓએ 27 જુલાઈની સવારે દક્ષિણ દિલ્હીના છતરપુરથી AAP ધારાસભ્ય કરતાર સિંહ તંવરના ફાર્મ હાઉસ અને ઓફિસ પર દરોડા પાડ્યા હતા.

મળતી માહિતી મુજબ, આવકવેરા અધિકારીઓ સવારે સાડા આઠ વાગ્યે ધારાસભ્યના નિવાસસ્થાને પહોંચ્યા હતા. આવકવેરા વિભાગે દિલ્હીમાં 11 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં 100થી વધુ અધિકારીઓ સામેલ હતા. તે સમયે કરતાર સિંહ તંવરની 20 કંપનીઓ તપાસ હેઠળ હતી.

ફરિયાદ બાદ કાર્યવાહી કરવામાં આવી હતી

આવકવેરા વિભાગને ફરિયાદ મળી હતી કે, સરકારી નોકરીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS) લીધા બાદ કરતાર સિંહ તંવરે પ્રોપર્ટીના કામમાં કરોડો રૂપિયાની કમાણી કરી હતી. દરોડાના સમાચાર મળતાની સાથે જ આસપાસના ગામોના લોકો અને ઘણા ‘AAP’ કાર્યકર્તાઓ તેમના ઘરની બહાર એકઠા થયા હતા અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

આ પણ જુઓ: શરાબ કૌભાંડમાં કેજરીવાલ જ મુખ્ય કાવતરાબાજ હોવાનો ઈડીની ચાર્જશિટમાં દાવો

Back to top button