અમદાવાદ, 2 જાન્યુઆરી 2024, ગુજરાત યુનિવર્સિટીમાં અવનવા કોર્સની શરૂઆત થતી રહે છે. અભિનય કલામાં આગળ વધવા માંગતા વિદ્યાર્થીઓ માટે હવે વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. દિલ્હી સ્થિત દેશની પ્રતિષ્ઠિત નાટ્ય શિક્ષણ સંસ્થા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા(NSD) પ્રથમ વાર તેના કેમ્પસ બહાર એટલે કે અમદાવાદમાં રેપર્ટરીનું આયોજન કરવાની તૈયારીમાં છે. સુત્રો તરફથી જાણવા મળ્યું હતું કે, રેપર્ટરીના આયોજન માટે NSD તરફથી ગુજરાત યુનિવર્સિટી સાથે મંત્રણા ચાલી રહી છે. આ રેપર્ટરી ગુજરાતના સ્થાનિક કલાકારોને મહત્વપૂર્ણ તક પૂરી પાડશે.
કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રાલયની મંજુરી બાદ બધુ નક્કી થશે
પ્રાપ્ત માહિતી પ્રમાણે NSD પ્રસાશને તાજેતરમાં દિલ્હી કેમ્પસની બહાર પ્રથમ NSD રેપર્ટરી શરૂ કરવા અંગે પ્રથમ બેઠક યોજી હતી અને ગુજરાત યુનિવર્સિટી કેમ્પસની પસંદગી કરવામાં આવી હોવાનું યુનિવર્સિટીના અધિકારી સુત્રોમાં ચર્ચાઈ રહ્યું છે. આ અંગે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નિરજા ગુપ્તાએ હમ દેખેંગે ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ અંગે હજી વિચારણા ચાલી રહી છે. કશું જ ફાઈનલ થયું નથી. કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રાલય ગુજરાત યુનિવર્સિટી ખાતે આ રેપર્ટરી સ્થાપવાની પરવાનગી આપશે પછી બધુ નક્કી થશે. સુત્રોએ જણાવ્યું હતું કે,NSD ડિરેક્ટર સહિત વિવિધ હિસ્સેદારોની હાજરીમાં થયેલી પ્રથમ બેઠક ફળદાયી નીવડી હતી. રેપર્ટરીના આયોજન માટે પહેલેથી ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં એક બિલ્ડિંગની પસંદગી કરી દેવામાં આવી છે.
રાજ્યના સ્થાનિક કલાકારોને મહત્વપૂર્ણ તક મળી શકે છે
NSD તેની રેપર્ટરીને એક મહત્વપૂર્ણ ઘટક ગણાવે છે. આ રેપર્ટરી પ્રોફેશનલ થિયેટર પ્રોડક્શન અને સતત પ્રયોગો માટે સમર્પિત હોય છે. રેપર્ટરીની શરૂઆત મૂળભૂત રીતે NSD સ્નાતકોને થિયેટર પ્રોડક્શન સાથે જોડાવા માટે કરવામાં આવી હતી. હવે રેપર્ટરી સમગ્ર દેશના કલાકારો સાથે આધુનિક અને પ્રાયોગિક નાટકોનો પ્રયોગ કરે છે. દિલ્હીમાં તેનું નિયમિત પ્રદર્શન થતું રહે છે. આ ઉપરાંત દેશના અન્ય શહેરોમાં પણ પ્રયોગો થતા રહે છે. હવે જો ગુજરાત યુનિવર્સિટીમાં રેપર્ટરી શરૂ થાય તો રાજ્યના સ્થાનિક કલાકારોને મહત્વપૂર્ણ તક મળી શકે છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં ઔડા દ્વારા આ વિસ્તારોમાં પ્લોટનું ફરી ઇ-ઓક્શન કરાશે