મુંબઇ: ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના સેન્ટ્રસ પ્રોસેસિંગ સિસ્ટમ દ્વારા સુરત સહિત દેશભરમાં મોટી સંખ્યામાં વેપારીઓને આકારણી વર્ષ 2021-22 માટે ડિમાન્ડ નોટિસો મોકલવામા આવી રહી છે. જેમાં કેટલાક કેસોમાં સોફ્ટવેરની ભૂલને લીધે નોટિસો મોકલાતા વેપારીઓ પરેશાન થઇ ગયા છે.
આયકર વિભાગના સુત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ સેન્ટ્રલ પ્રોસેસિંગ સિસ્ટમ દ્વારા હાલ ડિમાન્ડ નોટિસો મોકલવામાં આવી રહી છે. જેમાં ઓડિટ કરનારી પેઢીઓના સંચાલકોની વેપાર સિવાય અન્ય કોઇ પણ પ્રકારની આવક હોય તો તેના પર ટેક્સ ચુકવવા માટે સુચના આપવામાં આવી છે.
જોકે સીએ અને વેપારીઓનું કહેવુ છે કે વેપાર સિવાયના અલગ સોર્સના માધ્યમથી જે આવક થાય છે તેને અલગથી બતાવીને તેને વેપારની આવકના ટેક્સ સાથે ચુકવી દેવામાં આવે છે. હવે સોફ્ટવેયર દ્વારા વેપારીઓએ વેપાર સિવાયના અલગ સોર્સના માધ્યમ જેમ કે એફડીનું વ્યાજ, ભાડૂ અથવા શેરબજારમાં કમાણી કરી હોય તેના પર અલગથી ટેક્સ ચુકવવા માટે નોટિસો મોકલાઈ રહી છે. જેને લીધે વેપારીઓ પરેશાન છે.
વેપારીઓએ તેમના સીએ અને આયકર વિભાગના અધિકારીઓને આ સમસ્યાઓ જણાવી ઉકેલ માટેનો રસ્તો પુછી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સુરત સાથે દેશભરમાં આ રીતે વેપારીઓને નોટિસો મળતા વેપારીઓ દ્દારા આ અંગે આયકર વિભાગમાં રજૂઆતો પણ કરવામાં આવી છે.