ભારતીય નૌકાદળને મોટું નુકસાન, બંગાળની ખાડીમાં ક્રેશ થયું આ ઘાતક ડ્રોન
- 2020માં ભારતીય નૌસેનાએ હિન્દ મહાસાગરમાં દેખરેખ માટે અમેરિકા પાસેથી બે MQ-9B સી ગાર્ડિયન ડ્રોન લીઝ પર લીધા હતા
HD ન્યૂઝ ડેસ્ક, 19 સપ્ટેમ્બર: ભારતીય નૌકાદળને મોટું નુકસાન થયું છે. બુધવારે, નેવી દ્વારા US પાસેથી લીઝ પર લેવામાં આવેલ MQ-9B સી ગાર્ડિયન ડ્રોન ચેન્નાઈ નજીક બંગાળની ખાડીમાં પડ્યું હતું. તે વિશ્વનું સૌથી ખતરનાક મિલિટરી ડ્રોન હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ, આ ઘટના ટેકનિકલ ખામીના કારણે બની હતી. ભારતીય નૌસેનાએ કહ્યું છે કે, આ ડ્રોન ચેન્નાઈ નજીક અરક્કોણમમાં નૌકાદળના હવાઈ મથક આઈએનએસ રાજલી પરથી ઉડાન ભરી રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020માં ભારતીય નૌસેનાએ હિન્દ મહાસાગરમાં દેખરેખ માટે અમેરિકન કંપની જનરલ એટોમિક્સ પાસેથી બે MQ-9B સી ગાર્ડિયન ડ્રોન એક વર્ષના સમયગાળા માટે લીઝ પર લીધા હતા. જોકે, બાદમાં આ લીઝની મુદત લંબાવવામાં આવી હતી.
ભારતીય નૌકાદળનો રિપોર્ટ માંગ્યો
ભારતીય નૌકાદળ દ્વારા ભાડે લીધેલ અને અરક્કોણમના INS રાજાલીથી સંચાલિત ડ્રોનને નિયમિત સર્વેલન્સ મિશન દરમિયાન લગભગ 2 વાગ્યે તકનીકી નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હતો, જે ઉડાન દરમિયાન રીસેટ થઈ શક્યો નહીં તેમ ભારતીય નૌકાદળે જણાવ્યું હતું. તેના ડ્રોનને સુરક્ષિત વિસ્તારમાં લઈ જવામાં આવ્યું હતું અને ચેન્નાઈ નજીક સમુદ્રમાં નિયંત્રિત ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. નેવીએ ડ્રોન કંપની પાસેથી આ સંબંધમાં રિપોર્ટ માંગ્યો છે.
ડ્રોન કેટલો ખાસ છે?
MQ-9B સી ગાર્ડિયનને સામાન્ય રીતે વિશ્વનું સૌથી ખતરનાક મિલિટરી ડ્રોન માનવામાં આવે છે. આ ડ્રોન અત્યંત આધુનિક ટેક્નોલોજીથી સજ્જ છે. MQ-9B સી ગાર્ડિયન 40,000 ફૂટથી વધુની ઊંચાઈએ 40 કલાક સુધી ઉડી શકે છે. આ સાથે આ ડ્રોન હેલફાયર એર ટુ ગ્રાઉન્ડ મિસાઈલ અને સ્માર્ટ બોંબથી સજ્જ છે. આ લડાયક ડ્રોન ઓવર-ધ-હોરિઝન ISR (ઇન્ટેલિજન્સ, સર્વેલન્સ અને રિકોનિસન્સ) મિશનમાં નિષ્ણાત છે.
ભારત 31 ડ્રોન ખરીદી રહ્યું છે
ભારતે આ વર્ષે અમેરિકા પાસેથી 31 MQ-9B સી ગાર્ડિયન ડ્રોન ખરીદવાના સોદા પર હસ્તાક્ષર કર્યા છે. આ ડીલની કિંમત લગભગ 4 અબજ ડોલર છે. પ્રસ્તાવિત ડીલમાં નેવી માટે 15 સી ગાર્ડિયન ડ્રોન, આર્મી અને એર ફોર્સ માટે 16 સ્કાય ગાર્ડિયનનો સમાવેશ થાય છે. આ ડ્રોન મળ્યા બાદ દેશની સંરક્ષણ ક્ષમતા વધુ મજબૂત થશે.
આ પણ જૂઓ: લેબનોનમાં પેજર બ્લાસ્ટ બાદ હવે વોકી-ટોકી વિસ્ફોટ! બેથી વધુના મૃત્યુ, ઘણા ઘાયલ