ગુજરાતટોપ ન્યૂઝ

ગ્રાહક કોર્ટનો મોટો ચુકાદો: મેડિક્લેમની રકમ મેળવવા હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી

Text To Speech

ગુજરાતના વડોદરા શહેરની એક ગ્રાહક કોર્ટે મેડિક્લેમ વિમાના એક પ્રકરણમાં મોટો નિર્ણય જાહેર કર્યો છે. ગ્રાહક કોર્ટે આપેલા આ નિર્ણય મુજબ મેડિક્લેમની રકમ મેળવવા માટે વ્યક્તિને દવાખાનામાં દાખલ કરવો પડશે કે પછી 24 કલાક સુધી એ દર્દી હોસ્પિટલમાં દેખરેખમાં હોવો જોઇએ તેવું જરૂરી નથી. આવા જ એક કિસ્સામાં ગ્રાહક કોર્ટે મેડિક્લેમ કરનારી કંપનીને દર્દીને પૈસા આપવા માટે આદેશ આપ્યો છે.

સારવાર બાદ તેમની પત્નીને બીજા દિવસે રજા આપવામાં આવી

વડોદરાના રમેશચંદ્ર જોશીએ 2017માં કન્ઝુમર ફોરમમાં એક મેડિક્લેમ કરી આપતી કંપનીના વિરોધમાં ફરિયાદ કરી હતી. જોશીએ એવો દાવો કર્યો હતો કે તેમની પત્નીને 2016માં ડર્મેટોમાયોસાઇટિસ થયો હતો. તેમને અમદાવાદના લાઇફકેર ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર બાદ તેમની પત્નીને બીજા દિવસે રજા આપવામાં આવી હતી.

કંપની પાસે 44 હજાર 468 રૂપિયાનું બિલ રજૂ કર્યુ

માહિતી મુજબ જોશીએ કંપની પાસે 44 હજાર 468 રૂપિયાનું બિલ રજૂ કર્યુ હતું. જોકે વિમા કંપની દ્વારા જોશી દ્વારા કરવામાં આવેલ દાવો ફગાવી દેવામાં આવ્યો હતો. કંપનીએ આ અંગે એવું કારણ આપ્યું હતું કે દર્દીને સળંગ 24 કલાક સુધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ન હતા. કંપનીએ દાવો ફગાવી દેતા જોશીએ વિમા કંપનીના વિરોધમાં કન્ઝ્યુમર ફોરમમાં ફરિયાદ કરી હતી. ગ્રાહક કોર્ટે એ વાત સ્વીકારી હતી કે દર્દીને 24 કલાક કરતા ઓછા સમય માટે દાખલ કરવામાં આવ્યા હતા. છતાં તેઓ વિમાની રકમ મેળવવા પાત્ર છે. હાલમાં સારવાર પદ્ધત્તિ ખૂબ વિકસીત થઇ ગઇ છે. તબીબો એ પ્રમાણે જ સારવાર કરે છે. આવું નિરિક્ષણ કોર્ટ દ્વારા નોંધવામાં આવ્યું હતું.

વિમા કંપનીને કારણે થયેલા માનસિક ત્રાસ માટે 3 હજાર રૂપિયા ચૂકવવાનો આદેશ

કોર્ટે વિમા કંપનીને ક્લેમના 44 હજાર 468 રુપિયા આપવાનો આદેશ કર્યો હતો. સાથે સાથે જે તારીખે ક્લેમ ફગાવી દેવામાં આવ્યો હતો એ તારીખથી આજ સુધી એના પર 9 ટકા લેખે વ્યાજ ચૂકવવાનો પણ આદેશ આપ્યો હતો. એટલું જ નહીં પણ વિમા કંપનીને કારણે થયેલા માનસિક ત્રાસ માટે 3 હજાર રૂપિયા અને કેસ ચલાવવા માટે 2 હજાર રૂપિયા એમ કુલ 5 હજાર રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

Back to top button