બિપરજોયની ભારે અસર: દ્વારકાધીશ મંદિરની ધજા થઈ ખંડિત, વર્ષો જૂની પરંપરા પણ તૂટી
દ્વારકા જિલ્લામાં એક તરફ બિપરજોય વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. વાવાઝોડાની અસરને પગલે દ્વારકામાં ભારે પવન અને વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે આ વચ્ચે દ્વારકાથી મોટા સમાચાર સામે આવ્યા છે.તેજ પવન અને વરસાદના કારણે દ્વારકાધીશ જગત મંદિર પરની ધજા ખંડિત થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
દ્વારકામાં મંદિરની એક ધજા થઈ ખંડિત
બિપોરજોય વાવાઝોડાના કારણે દ્વારકામાંથી ઇતિહાસ બદલતી ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં પહેલા દ્વારકાધીશમાં પટરાણી રૂક્ષ્મણી માતાજીના મંદિરની ધજા ક્ષતિગ્રસ્ત થઈ હતી. ત્યારે આજે દ્વારકાના જગત મંદિર પરની ધ્વજા ક્ષતિગ્રસ્ત થઇ હોવાના સમાચાર સામે આવ્યા છે. જાણકારી મુજબ ભારે પવન અને વરસાદના કારણે દ્વારકાધીશ જગત મંદિર પરની ધજા ખંડિત થઈ છે.દ્વારકામાં વહેલી સવારથી જ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે દ્વારકાધીશ મંદિર પરની 52 ગજની ધજા ખંડિત થઈ ગઈ છે.
ઈતિહાસમાં સતત બીજા દિવસે પણ મંદિરે ધજા નહીં ચડે
મહત્વનું છે કે ભારે પવન અને વરસાદના કારણે 2 દિવસથી હાલ કોઈ નવી ધજા મંદિરના શિખર પર ચડી નથી, ગઈકાલે પણ ભારે પવન અને વરસાદના કારણે ધજા ચડાવવામાં આવી નહોતી. ત્યારે આજે પણ શિખર પર લેહરાતી ધજા ક્ષતિગ્રસ્ત થઈ છે. જેથી ઈતિહાસમાં સતત બીજા દિવસે પણ દ્વારકાધીશના મંદિરે ધજા ચડાવવામાં આવશે નહી. પૌરાણિક માન્યતા મુજબ ધજા ખંડિત થાય તે કોઈ મહત્વનું સૂચન હોઈ શકે છે. જોકે ઘણા ભક્તો એમ પણ માને છે કે ધજા ખંડિત થવાનો અર્થ છે કે કાળિયા ઠાકરે સંકટ પોતાના માથે લઈ લીધું.
બે દિવસ પહેલા મંદિરે બે ધજા ચડાવામાં આવી હતી
ઉલ્લેખનીય છે કે દ્વારકાધીશ મંદિરે બે દિવસ અગાઉ એક સાથે બે ધજા ચડાવામાં આવી હતી.બે ધજા સાથે ચડાવવાથી દ્વારકા પરથી સંકટ ટળી જશે એવી લોક માન્યતા છે જેના કારણે એક સાથે બે ધજા ચડાવવામા આવી હતી. તમને જણાવી દઈએ કે દ્વારકાધીશના મંદિર શિખર ઉપર દરરોજ પાંચ ધ્વજા ચઢાવવામાં આવે છે. જેમાં સવારે 3 અને સાંજે 2 ધ્વજા ચડાવાય છે.
આ પણ વાંચો : મણિપુરમાં ફરી ભડકી હિંસા, ફાયરિંગમાં મહિલા સહિત 9 લોકોના મોત,અનેક ઘાયલ