અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ઉત્તરવહી કૌભાંડ અટકાવવા ગુજરાત યુનિવર્સિટીનો મોટો નિર્ણય, જાણો હવે ઉત્તરવહી ચકાસણીની જવાબદારી કોને સોંપાશે

  • ઉત્તરવહીકાંડ અટકાવવા યુનિવર્સિટીનો મોટો નિર્ણય
  • ગુજરાત યુનિવર્સિટીના દરેક ડિપાર્ટમેન્ટમાં હશે સ્ટ્રોંગ રૂમ
  • ફેકલ્ટી અને કો-ઓર્ડિનેટરની દેખરેખ હેઠળ જ ઉત્તરવહીઓની તપાસ થશે

ગુજરાત યુનિવર્સિટી વારંવાર વિવાદોમાં સપડાઈ રહી છે. યુનિવર્સિટીમાં BSC નર્સિંગમાં ઉત્તરવહી કૌભાંડ સામે આવ્યું હતું. જે મામલે NSUIએ હોબાળો કર્યો હતો. આ મામલે યુનિવર્સિટી સફાળી જાગી છે અને ફરીથી આ પ્રકારે કૌભાંડ ના થાય તે માટે નિર્ણય કર્યો છે. યુનિવર્સિટીમાં હવેથી જે ફેકલ્ટીની પરીક્ષા લેવાઈ હશે તેને જ ઉત્તરવહી ચકાસણી તથા સ્ટ્રોંગ રૂમની જવાબદારી સોંપાશે.

પ્રાપ્ત વિગતો અનુસાર, થોડા દિવસ પહેલાં ગુજરાત યુનિવર્સિટીમાં બીએસસી નર્સિંગની પરીક્ષાની ઉત્તરવહી ગુમ થયા અંગે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યાર બાદ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ દ્વારા ખુલાસો કરાયો હતો કે, વિદ્યાર્થીઓ દ્વારા એજન્ટને પેપર અને પુરવણી પર કોઈ ચોક્કસ નિશાની આપવામાં આવતી હતી. ત્યાર બાદ રાત્રે વિદ્યાર્થીઓને ભેગા કરીને પેપર લખાવાતા હતાં અને વહેલી સવારે તમામ પુરવણીનું નંબરિંગ થાય તે પહેલાં જ એસેસમેન્ટ વિભાગમાં જમા કરાવી દેવાતી હતી. આ કૌભાંડમાં વિદ્યાર્થીઓ પાસેથી દોઢ લાખ રૂપિયા જેટલી રકમ એક પેપર દીઠ લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ થયો હતો.

યુનિવર્સિટીનો મોટો નિર્ણય
જોકે, આ ઘટના સાબિત થઈ છે ત્યારે હવે દોઢ મહિના બાદ યુનિવર્સિટી જાગી છે. આ પ્રકારની ઘટના બીજીવાર ન બને તેને લઇને ગુજરાત યુનિવર્સિટી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. કુલપતિ નીરજા ગુપ્તાએ મીડિયાને જણાવ્યું હતું કે, અત્યાર સુધી એવું થતું હતું કે, યુનિવર્સિટી પરીક્ષા બાદ કેમ્પસમાં જ બધી ઉત્તરવહીઓ રાખતા હતા. યુનિવર્સિટીના જ ફેકલ્ટી અને કો-ઓર્ડિનેટરને જવાબદારી સોંપવામાં આવતી હતી. મુશ્કેલી ત્યારે થાય છે કે, જ્યારે મેડિકલ ફેકલ્ટીની ઉત્તરવહીઓ આવે અને જ્યારે કોઈ બીજી ફેકલ્ટીના સિનિયર પ્રોફેસર કો-ઓર્ડિનેટર હોય ત્યારે સ્વાભાવિક છે કે જેઓ ઉત્તરવહીઓ તપાસવા માટે આવે છે તેમને તેઓ સીધી રીતે ઓળખતા ન હોય. તેમજ જ્યારે તેઓ તપાસ માટે આવે ત્યારે કો-ઓર્ડિનેટર ક્લાર્કને કે ગાર્ડને કહીને જતા હોય કે જે વ્યકિત આવે તેમને ઉત્તરવહીઓ તપાસવા માટે આપવી, તેમાં કદાચ ભૂલ થવાની શક્યતાઓ વધી જાય છે.

ઉત્તરવહી ચકાસણી તથા સ્ટ્રોંગ રૂમની જવાબદારી સોંપાશે
વધુમાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ જણાવ્યું હતું કે, પરીક્ષા બાદ કેમ્પસમાં જ બધી ઉત્તરવહીઓ રાખવામાં આવતી હતી. તેની જવાબદારી પણ યુનિવર્સિટીના ફેકલ્ટી અને કો.ઓર્ડિનેટરને સોંપાતી હતી. હવેથી કોઈપણ પ્રકારની ઘટના ના બને તે માટે યુનિવર્સિટીમાં હવેથી જે ફેકલ્ટીની પરીક્ષા લેવાઈ હશે તેને જ ઉત્તરવહી ચકાસણી તથા સ્ટ્રોંગ રૂમની જવાબદારી સોંપાશે.

આ પણ વાંચો : અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીમાં ઉત્તરવહી કૌભાંડમાં થયો ચોંકાવનારો ખુલાસો 

Back to top button