બેંગલુરુ ટેસ્ટમાં હાર બાદ ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર… આ ઓલરાઉન્ડરની થઈ એન્ટ્રી

બેંગલુરુ, 20 ઓક્ટોબર : ભારત અને ન્યુઝિલેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ બેંગલુરુના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમને આઠ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ન્યુઝિલેન્ડે 36 વર્ષ બાદ ભારતીય ધરતી પર ટેસ્ટ જીત હાંસલ કરી છે. હવે બંને દેશો વચ્ચે શ્રેણીની બીજી મેચ 24 ઓક્ટોબર (ગુરુવાર)થી પુણેમાં રમાશે.
હવે બીજી ટેસ્ટ પહેલા ભારતીય ટીમમાં એક ફેરફાર જોવા મળ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની પસંદગી સમિતિએ આ શ્રેણીની બાકીની બે મેચો માટે ટીમમાં ડાબોડી ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરનો સમાવેશ કર્યો છે. સુંદર બીજી ટેસ્ટની શરૂઆત પહેલા પુણેમાં ભારતીય ટીમ સાથે જોડાશે. સુંદરે રણજી ટ્રોફીમાં તમિલનાડુ માટે 152 રનની ઇનિંગ રમી હતી.
બીજી અને ત્રીજી ટેસ્ટ માટે 16 સભ્યોની ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, ઋષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, વોશિંગ્ટન સુંદર.
જોકે, BCCIએ એ વાતનો ખુલાસો કર્યો નથી કે 25 વર્ષીય વોશિંગ્ટન સુંદરને વધારાના ઓલરાઉન્ડર વિકલ્પ તરીકે ભારતીય ટીમમાં શા માટે સામેલ કરવામાં આવ્યો. જ્યારે ભારતીય ટીમમાં પહેલાથી જ રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ જેવા ખેલાડીઓ છે. ભારત હવે 16 સભ્યોની ટીમ સાથે પુણે અને મુંબઈ ટેસ્ટ માટે રવાના થશે.
સુંદરનો આંતરરાષ્ટ્રીય રેકોર્ડ આવો છે
વોશિંગ્ટન સુંદરે 2020-21ના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક ટેસ્ટ શ્રેણી જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ગાબા ટેસ્ટના પ્રથમ દાવમાં શાર્દુલ ઠાકુર સાથે મહત્વપૂર્ણ ભાગીદારી કરીને ભારતને મુશ્કેલીમાંથી ઉગારી લીધું હતું. સુંદરે અત્યાર સુધી ભારત માટે ચાર ટેસ્ટ, 22 વનડે અને 52 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.
તેની ટેસ્ટ કારકિર્દીમાં સુંદરે 66.25ની સરેરાશથી 265 રન બનાવ્યા છે, જેમાં ત્રણ અડધી સદી નોંધાઈ છે. સુંદરે ક્રિકેટના આ સૌથી મોટા ફોર્મેટમાં અત્યાર સુધીમાં 6 વિકેટ ઝડપી છે. જ્યારે સુંદરના ઓડીઆઈ ઈન્ટરનેશનલમાં 24.23ની એવરેજથી 315 અને ટી20 ઈન્ટરનેશનલમાં 13.41ની એવરેજથી 161 રન છે. તમિલનાડુના આ ક્રિકેટરે T20 ઈન્ટરનેશનલમાં 47 અને ODI ઈન્ટરનેશનલમાં 23 વિકેટ ઝડપી છે.
આ પણ વાંચો :- જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલો, 3 પ્રવાસી મજૂરોની હત્યા