મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં EDને મોટી સફળતા, માલિકની દુબઈમાં ધરપકડ
- EDના અધિકારીઓ એપના માલિકને ભારત લાવવા માટે દુબઈના અધિકારીઓ સાથે સંપર્કમાં
- છત્તીસગઢ અને મુંબઈ પોલીસ પણ માલિક વિરુદ્ધ કરી રહી છે તપાસ
નવી દિલ્હી,13 ડિસેમ્બર : મહાદેવ સટ્ટાબાજી એપ કેસના બે મુખ્ય આરોપીઓમાંથી એક રવિ ઉપ્પલની દુબઈમાં ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, દુબઈ પોલીસે EDની અપીલ પર ઈન્ટરપોલ દ્વારા જારી કરાયેલી રેડ નોટિસના આધારે આ કાર્યવાહી કરી હતી અને મહાદેવ સટ્ટાબાજી એપના માલિક રવિ ઉપ્પલની ગત સપ્તાહે દુબઈમાંથી અટકાયત કરી હતી. EDના અધિકારીઓ તેને ભારત મોકલવા માટે દુબઈના અધિકારીઓના સંપર્કમાં છે. ભારતમાં છત્તીસગઢ અને મુંબઈ પોલીસ ઉપ્પલ વિરુદ્ધ તપાસ કરી રહી છે. જ્યારે ED મહાદેવ સટ્ટાબાજીની એપથી સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહી છે. રવિ મહાદેવ એપ કેસના મુખ્ય આરોપી સૌરવ ચંદ્રાકરનો સહયોગી છે.
STORY | Mahadev app owner Ravi Uppal detained in Dubai
READ: https://t.co/ihel8aqtLA pic.twitter.com/9SIXTUkbAx
— Press Trust of India (@PTI_News) December 13, 2023
મહાદેવ એપ સટ્ટાબાજી માટે ઓનલાઈન પ્લેટફોર્મ પૂરું પાડે છે. ભારતમાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરંતુ અન્ય દેશોમાં આ ચાલી રહ્યું છે. છત્તીસગઢના રહેવાસી ચંદ્રાકર અને તેના સહયોગી રવિ ઉપ્પલ દુબઈથી આ એપને ચલાવે છે. જેથી બંને વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યો હતો.
સૌરવ અને રવિ જ્યુસ સેન્ટર ચલાવતા હતા
સૌરવ ચંદ્રાકર અગાઉ રાયપુરમાં જ્યુસ સેન્ટર ચલાવતા હતા. આ પછી તે સટ્ટાબાજીમાં સામેલ થઈ ગયો હતો. સૌરવ અને રવિ પાસે 6000 કરોડથી વધુની સંપત્તિ હોવાની આશંકા છે. જેમાં હવાલા મારફતે મોટી રકમ દુબઈ મોકલવામાં આવી છે. દાઉદ ઈબ્રાહિમની ગેંગે દુબઈથી મહાદેવ એપને આટલા મોટા પાયે ઓપરેટ કરવામાં મદદ કરી હોવાની એજન્સીઓને આશંકા છે.
EDની તપાસમાં જાણવા મળ્યું કે, મહાદેવ ઓનલાઈન બુક પોકર, કાર્ડ ગેમ્સ, ચાન્સ ગેમ્સ, ક્રિકેટ, બેડમિન્ટન, ટેનિસ, ફૂટબોલ વગેરે જેવી લાઈવ ગેમ્સ પર સટ્ટાબાજી માટે ઓનલાઈન પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ એપ તીન પત્તી, પોકર જેવી ઘણી કાર્ડ ગેમ રમવાની સુવિધા પણ પૂરી પાડે છે. ડ્રેગન ટાઇગર, કાર્ડ વગેરેનો ઉપયોગ કરીને વર્ચ્યુઅલ ક્રિકેટ ગેમ, ભારતમાં યોજાનારી વિવિધ ચૂંટણીઓ પર સટ્ટાબાજીની પણ મંજૂરી આપે છે.
છત્તીસગઢના પૂર્વ CM પર ગંભીર આરોપો
મહાદેવ એપ કેસમાં છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલ પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. ED મહાદેવ બુક વિરુદ્ધ તપાસ કરી રહી છે. આ દરમિયાન, 2 નવેમ્બરના રોજ, EDને બાતમી મળી હતી કે 7 અને 17 નવેમ્બર 2023ના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહાદેવ એપના પ્રમોટરો દ્વારા મોટી માત્રામાં રોકડ છત્તીસગઢ લઈ જવામાં આવી રહી છે. જેને આધારે ઇડીએ હોટેલ ટ્રાઇટન અને અન્ય સ્થળો પર સર્ચ હાથ ધર્યું હતું અને 5 કરોડ રૂપિયાની વસૂલાત કરી તેમજ અસીમ દાસ નામના શખ્સની ધરપકડ કરી હતી. અસીમ દાસે સ્વીકાર્યું હતું કે જપ્ત કરાયેલું ભંડોળ મહાદેવ એપ પ્રમોટર્સ દ્વારા એક રાજકારણી ‘બઘેલ’ને છત્તીસગઢ રાજ્યમાં આગામી ચૂંટણી ખર્ચ માટે આપવા માટે ગોઠવવામાં આવ્યું હતું. EDએ મહાદેવ એપના કેટલાક બેનામી બેંક ખાતા પણ શોધી કાઢ્યા છે જેમાં 15.59 કરોડ રૂપિયાની બાકી રકમ ફ્રીઝ કરવામાં આવી છે.
આ પણ જુઓ :લોન ફ્રોડ કેસમાં ચંદા કોચર અને તેના પતિની જામીન અરજી ઉપર 3 જાન્યુઆરીએ સુનાવણી