- ATSના તમામ સિનિયર અધિકારીઓના પોરબંદરમાં ધામા
- DIG દીપન ભદ્રનની અધ્યક્ષતામાં SP સુનિલ જોષી સહિતનાઓ પોરબંદરમાં તપાસ
- અનેક દિવસોથી પોરબંદર પંથકમાં સક્રિય છે ટીમ
- એક વિદેશી નાગરિકોની અટકાયતના અહેવાલ
એક તરફ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં બિપરજોય વવાઝોડાનો ખતરો મંડરાયેલો છે ત્યારે બીજી તરફ સૌરાષ્ટ્રના સૌથી મોટા પોરબંદર દરિયાઈ પંથકમાં કેટલીક આતંકી પ્રવૃત્તિ ચાલતી હોવાની શક્યતા વચ્ચે ગુજરાત એટીએસની ટીમ પોરબંદરમાં ધામા નાખીને બેઠી છે. છેલ્લા કેટલાક દિવસોથી આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હોવાના અહેવાલ મળી રહ્યા છે. સૂત્રોનું માનીએ તો આ અત્યારસુધીનું સૌથી મોટું ઓપરેશન ચાલી રહ્યું છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર માહિતી હાલ પ્રાપ્ત થઈ શકી નથી.
ઉચ્ચ અધિકારીઓ પોરબંદર પહોંચ્યા
સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર પોરબંદરના હાલમાં જ ઓપરેશન ચાલી રહ્યું છે તેમાં લગભગ તમામ સિનિયર અધિકારીઓ જોડાયા છે. જેમાં DIG દીપન ભદ્રનની અધ્યક્ષતામાં SP સુનિલ જોષી, DYSP કે.કે.પટેલ, DYSP શંકર ચૌધરી સહિતના અધિકારીઓ અને તેઓના તાબાના ચુનંદા અધિકારીઓનો સ્ટાફ પોરબંદરમાં તપાસ માટે પહોંચ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ATSની વિશેષ ટિમ છેલ્લા કેટલાક દિવસોથી પોરબંદર તથા આસપાસના વિસ્તારોમાં ખાસ ઓપરેશન માટે સક્રિય હતી.
વિદેશી નાગરિકની અટકાયતના અહેવાલ
હાલ એટીએસના કેટલાક સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ પોરબંદર પંથકમાંથી આતંકી સંગઠન સાથે સંકળાયેલા વિદેશી નાગરિકની અટકાયતના અહેવાલ મળી રહ્યા છે તેમજ વિદેશી નાગરિક સાથે સંકળાયેલી સ્થાનિક વ્યક્તિઓ અંગે તપાસ તેજ કરવામાં આવી છે. આ ઉપરાંત ઝાડપાયેલ વ્યક્તિ સાથે અન્ય રાજ્યની વ્યક્તિઓની ભૂમિકાની પણ તપાસ ચાલી રહી છે. જો કે હાલ ATS ના અધિકારીઓનું મૌન સેવી રહ્યા છે અને કોઈપણ બાબત જણાવવાનો ઇન્કાર કરી રહ્યા છે. હાલ ઓપરેશન જારી હોવાથી કોઈ માહિતી જાહેર નહીં કરવામાં આવે તેવું જાણવા મળી રહ્યું છે. સંભવતઃ આવતીકાલે ATS અથવા ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સમગ્ર ઓપરેશન અંગે જાહેરાત કરી શકે છે.