ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

બાંગ્લાદેશમાં શેખ હસીનાની પાર્ટીને મોટો ઝટકો: સ્ટુડન્ટ વિંગ પર લાગ્યો પ્રતિબંધ, જાણો શું છે કારણ

  • મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં કામ કરતી વચગાળાની સરકારે બુધવારે એક ગેઝેટ જારી કરીને આની જાહેરાત કરી

ઢાકા, 24 ઓકટોબર: બાંગ્લાદેશમાં ફરી એકવાર દેખાવો શરૂ થઈ ગયા છે. આ વિરોધ પ્રદર્શન વચ્ચે બાંગ્લાદેશમાં એક મોટો રાજકીય નિર્ણય લેવામાં આવ્યો છે.  વચગાળાની સરકારે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની પાર્ટી અવામી લીગને મોટો ઝટકો આપ્યો છે. સરકારે અવામી લીગની સ્ટુડન્ટ વિંગ ‘બાંગ્લાદેશ સ્ટુડન્ટ લીગ’ પર પ્રતિબંધ લગાવી દીધો છે. મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં કામ કરતી વચગાળાની સરકારે બુધવારે એક ગેઝેટ જારી કરીને આની જાહેરાત કરી હતી. 2009ના આતંકવાદ વિરોધી(Anti-Terror ) કાયદાની જોગવાઈઓ હેઠળ ‘સ્ટુડન્ટ લીગ’ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

 

જાણો શું કહેવામાં આવ્યું?

ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર, બાંગ્લાદેશ સ્ટુડન્ટ લીગ જાહેર સુરક્ષા માટે ખતરો ઉભી કરતી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે. આ પ્રવૃત્તિઓમાં હત્યા, ત્રાસ, કોલેજ કેમ્પસમાં ઉત્પીડન, વિદ્યાર્થીઓના શયનગૃહમાં સીટ ટ્રેડિંગ, ટેન્ડરની છેડછાડ, દુષ્કર્મ અને જાતીય સતામણી જેવી ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.

નિર્દોષ લોકો માર્યા ગયા

નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, એ વાત પૂરતા પુરાવા છે કે, વિદ્યાર્થી સંગઠન અવામી લીગ સરકારના પતન પછી પણ રાજ્ય વિરુદ્ધ ષડયંત્ર અને વિધ્વંસક પ્રવૃત્તિઓમાં સંકળાયેલી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ભેદભાવ વિરોધી આંદોલન દરમિયાન, બાંગ્લાદેશ સ્ટુડન્ટ લીગના નેતાઓ અને કાર્યકરોએ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો પર હથિયારો વડે હુમલો કર્યો હતો, જેમાં સેંકડો નિર્દોષ લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકોના જીવનને જોખમમાં મૂક્યું હતું.

બાંગ્લાદેશમાં દેખાવો ફરી શરૂ 

બાંગ્લાદેશની વચગાળાની સરકારે આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે પ્રદર્શનકારીઓએ પ્રમુખ મોહમ્મદ શહાબુદ્દીનના સત્તાવાર નિવાસસ્થાન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો અને શેખ હસીનાના રાજીનામા પર સવાલ ઉઠાવતી તેમની ટિપ્પણી પર તેમનું પદ છોડવાની માંગ કરી હતી. અવામી લીગ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયથી બાંગ્લાદેશના રાજકારણમાં મોટા ફેરફારો થવાની સંભાવના છે. હવે અહીં અવામી લીગના નિશાન ભૂંસાઈ રહ્યા છે. વિરોધીઓ આ સંગઠન પર હિંસક ગતિવિધિઓમાં સામેલ હોવાનો આરોપ લગાવી રહ્યાં છે.

પ્રમુખ મોહમ્મદ શહાબુદ્દીને શું કહ્યું?

અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, પ્રમુખ મોહમ્મદ શહાબુદ્દીને ગયા અઠવાડિયે બંગાળી દૈનિક ‘મનાબ જમીન’ સાથેની મુલાકાતમાં કહ્યું હતું કે, તેમની પાસે કોઈ દસ્તાવેજી પુરાવા નથી કે શેખ હસીનાએ ઓગસ્ટમાં વિદ્યાર્થીઓની આગેવાની હેઠળ મોટા પાયે થયેલા વિરોધ પ્રદર્શન વચ્ચે દેશ છોડીને ચાલ્યા જતાં પહેલા પ્રધાનમંત્રી પદ પરથી રાજીનામુ આપ્યું હતું. તેના વિરોધમાં પ્રદર્શનકારીઓએ પ્રમુખના સત્તાવાર નિવાસસ્થાન બંગભવન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો અને શહાબુદ્દીનના રાજીનામાની માંગ કરી રહ્યા છે.

આ પણ જૂઓ: ટ્રુડોની વિદાય પર ‘રાષ્ટ્રીય રજા’ જાહેર કરવી જોઈએ, કેનેડિયનોએ પોતાના જ વડાપ્રધાનની કરી મજાક

Back to top button