ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મનીષ સિસોદિયાને મોટો ઝટકો, જામીન અરજીની વધુ એક સુનાવણી ટળી ગઈ

Text To Speech
  • વચગાળાની જામીન અરજી પર હવે 20 એપ્રિલે થશે સુનાવણી
  • કોર્ટે અરજી પર જવાબ દાખલ કરવા માટે CBI-EDને એક સપ્તાહનો સમય આપ્યો

નવી દિલ્હી, 12 એપ્રિલ: દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. મનીષ સિસોદિયાએ વચગાળાના જામીન માટે અરજી કરી હતી, જેની સુનાવણી મોકૂફ રાખવામાં આવી છે. દિલ્હી દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા મનીષ સિસોદિયાએ લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે વચગાળાના જામીનની માગણી કરી હતી. જેમાં રાઉઝ એવન્યુ કોર્ટે આજે શુક્રવારે તેની અરજી પર સુનાવણી કરી હતી. જેમાં કોર્ટના વિશેષ ન્યાયાધીશે મનીષ સિસોદિયાની અરજી પર જવાબ દાખલ કરવા માટે તપાસ એજન્સીઓ જેવી કે CBI અને EDને એક સપ્તાહનો સમય આપ્યો છે. જેથી હવે મનીષ સિસોદિયાની વચગાળાની જામીન અરજી પર 20 એપ્રિલે સુનાવણી થશે. ઉલ્લેખનીય છે કે, મનીષ સિસોદિયાએ હાલમાં જ પોતાના સંબંધીના લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે પણ જામીનની માગણી કરી હતી, જેને સ્વીકારવામાં આવી હતી. હવે ફરી એકવાર તેણે વચગાળાના જામીનની માગણી કરી છે.

 

ભત્રીજીના લગ્નમાં મનીષ સિસોદિયાએ હાજરી આપી હતી

મનીષ સિસોદિયાએ પોતાની ભત્રીજીના લગ્નમાં હાજરી આપવા માટે વચગાળાના જામીનની માગણી સાથે રાઉઝ એવન્યુ કોર્ટમાં અરજી કરી હતી. મનીષ સિસોદિયા અને તપાસ એજન્સીઓની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે AAPના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાને ત્રણ દિવસના જામીન મંજૂર કર્યા હતા. તત્કાલિન વિશેષ ન્યાયાધીશ એમ. નાગપાલે મનીષ સિસોદિયાને રૂ. 2 લાખના અંગત બોન્ડ અને જામીન તરીકે એટલી જ રકમ જમા કરાવવાનો આદેશ આપ્યો હતો. મનીષ સિસોદિયાની ગયા વર્ષે 26 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી, ત્યારથી તે જેલમાં છે. જોકે, આ દરમિયાન તેણે અનેક આધારો પર જામીનની માગણી કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી.

આ પણ જુઓ: જમ્મુ-કાશ્મીર અંગે PM મોદીની મોટી જાહેરાત, જાણો શું કહ્યું

Back to top button