AAP ને મોટો ફટકો, વિસાવદરથી ચૂંટાયેલા ભૂપત ભાયાણી બપોરે 2 કલાકે કરશે કેસરીયા
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક જીત મેળવી છે. આ વખતે કોંગ્રેસને આમ આદમી પાર્ટી નડી જતા ભાજપ 156 સીટ ઉપર વિજેતા બન્યું છે. જેના કારણે કોંગ્રેસનો મોટો રકાસ થયો છે. ત્યારે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કે જે સરકાર રચવાના દાવાઓ કરતી હતી તેને માત્ર 6 સીટ મળી હતી અને આજે તેમાંથી પણ એક સીટમાં તેને ફટકો પડયો છે. વિસાવદરથી ચૂંટાઈને આવેલા ભૂપત ભાયાણી આપનો સાથ છોડી ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. તેઓ આજે બપોરે 2 કલાકે કેસરીયા કરી રહ્યા છે.
અન્ય ચાર ધારાસભ્ય પણ ભાજપના સંપર્કમાં
વિસાવદરથી ચૂંટાઈને આવેલા ભૂપત ભાયાણી ભાજપમાં જોડાવવા જઈ રહ્યા છે ત્યારે સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે અન્ય ચાર ધારાસભ્ય પણ ભાજપના સંપર્કમાં છે તેઓ પણ ગમે તે ઘડીએ પક્ષને અલવિદા કહીને કેસરિયો કરી શકે છે.
ભૂપેન્દ્ર પટેલ કાલે લેશે શપથ
ઉલ્લેખનીય છે કે, આવતીકાલે ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાયેલા ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર ખાતે ફરી એકવાર મુખ્યમંત્રી પદના શપથ લેવાના છે. આ તકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ સહિતના ભાજપના દિગજજો તથા ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નેતાઓ પણ ઉપસ્થિત રહેવાના છે.