આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, સુરતના 6 કોર્પોરેટર ભાજપમાં જોડાયા
- અગાઉ 4 જોડાઈ જતા કુલ સંખ્યા 10 થઈ
- પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે કેસરીયો ધારણ કર્યો
- કુલ 27 નગરસેવક ચૂંટાયા હતા
દક્ષિણ ગુજરાતમાં આમ આદમી પાર્ટી માટે મોટા ઝટકા સમાન સમાચાર સામે આવી રહ્યા છે. સુરત મહાપાલિકામાં વિરોધ પક્ષની ભૂમિકા ભજવતી આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા વધુ છ કોર્પોરેટરો એકસાથે બળવો કરી ભાજપમાં જોડાઇ ગયા હતા. આ સાથે જ ભાજપમાં જોડાયેલા કુલ કોર્પોરેટરોની સંખ્યા વધીને 10 થઇ હતી.
અગાઉ 4 કોર્પોરેટર ભાજપમાં ગયા હતા
વિધાનસભાની ચૂંટણીમાં કારમી કહો કે કરારી હાર થયા બાદ આમ આદમી પાર્ટી વેરવિખેર થઇ ચૂકી છે. પક્ષમાં ખેંચતાણ દિવસે દિવસે તેજ બની રહી છે. આંતરિકે જૂથવાદ વકરી રહ્યો છે. આને કારણે સુરતમાં આપના ચિન્હ ઉપર ચૂંટાઇ પાલિકાના સભ્ય બનેલા કોર્પોરેટરોએ આમ આદમી પાર્ટીને રામ રામ કરવાનું શરૂ કર્યું છે. ગત ફેબ્રુઆરી માસમાં એકસાથે 4 કોર્પોરેટરોએ બળવો કરી ભાજપનો ખેસ ધારણ કર્યા બાદ આજે શુક્રવારે વધુ છ કોર્પોરેટરોએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી નાખ્યો હતો.
કોણ કોણ કોર્પોરેટર ભાજપમાં ગયા ?
1.અશોક ધામી, વોર્ડ નંબર 5 ના નગરસેવક
2.નિરાલી પટેલ, વોર્ડ નંબર 5 ના મહિલા નગરસેવક
3. ધર્મેન્દ્ર વાવલિયા, વોર્ડ નંબર 4 ના કોર્પોરેટર
4.સ્વાતિ ક્યાદા, વોર્ડ નંબર 17 ના મહિલા નગરસેવક
5. કિરણ ખોખાણી, વોર્ડ નંબર 5 ના નગરસેવક
6. ઘનશ્યામ મકવાણા, વોર્ડ નંબર 4 ના નગરસેવક
7.ઋતા ખેની, વોર્ડ નંબર 3 ના મહિલા નગરસેવક
8.જ્યોતિ લાઠીયા, વોર્ડ નંબર 8 ના મહિલા નગરસેવક
9.ભાવના સોલંકી, વોર્ડ નંબર 2 ના મહિલા નગરસેવક
10.વિપુલ મોવલિયા, વોર્ડ નંબર 16ના નગરસેવક
કુલ 27 કોર્પોરેટર ચૂંટાયા હતા
સુરત મહાપાલિકાની અંતિમ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના કુલ 27 ઉમેદવારો ચૂંટાયા હતા. ઝાડુના ચિન્હ સાથે કોર્પોરેટર બનેલા કુલ 27 પૈકી ગત વર્ષે ફેબ્રુઆરી-2022માં આમ આદમી પાર્ટીના 5 કોર્પોરેટરો એકસાથે ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ વધુ એક કોર્પોરેટર ભાજપની પગંતમાં બેઠા હતા. જોકે, રાજકીય હુસાતુસી વચ્ચે બે કોર્પોરેટરોની આમ આદમી પાર્ટીમાં વાપસી થઇ હતી. ચાર કોર્પોરેટરો ભાજપ સાથે રહ્યાં હતા. 13 માસ અગાઉ ભાજપ સાથે જોડાયેલા ચાર અને નવા છ મળી કુલ 10 કોર્પોરેટરોએ આમ આદમી પાર્ટીમાં બળવો કરી ભાજપની કંઠી બાંધી છે.