Big Bએ કરી વિદેશમંત્રી એસ.જયશંકરના નિવેદનની પ્રશંસા, જાણો શું કહ્યું?
મુંબઈ (મહારાષ્ટ્ર), 05 માર્ચ 2024: મિલેનિયમ બોલિવૂડ સ્ટાર અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. ક્યારેક બ્લોગ પર તો ક્યારે X પ્લેટફોર્મ પર બીગ બી પોતાના વિચારો વ્યક્ત કરે છે. હવે તેમણે માલદીવ વિવાદ પર વિદેશ મંત્રી એસ જયશંકરના ભરપૂર વખાણ કર્યા છે. માલદીવ અને ભારત વચ્ચે પ્રવાસનને લઈને છેલ્લા કેટલાક સમયથી વિવાદ વકર્યો છે. માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઇઝ્ઝુનું કહેવું છે કે, ભારત ઉપમહાદ્વીપ પર દાદાગીરી કરી રહ્યું છે.
WAH .. !!! well said Sir .. https://t.co/EE72lu0Ml5
— Amitabh Bachchan (@SrBachchan) March 4, 2024
બિગ બી જયશંકરના ફેન બની ગયા
એસ જયશંકરે તેમના પુસ્તક વાય ઈન્ડિયા મેટર્સના પ્રમોશનમાં આ આરોપોનો જડબાતોડ જવાબ આપ્યો હતો. વિદેશ મંત્રીના નિવેદનથી અમિતાભ બચ્ચન ખૂબ જ ઈમ્પ્રેસ થયા. એસ જયશંકરના શબ્દોથી પ્રભાવિત થઈને, બીગ બીએ X પર તેમનો વીડિયો પોસ્ટ કરીને તેમને વખાણ્યાં હતાં. બીગ બીએ લખ્યું કે, “વાહ..!!! તમે બિલકુલ સાચું કહ્યું સર….” જો કે, અમિતાભ બચ્ચની આ ટિપ્પણી પર ઘણા ફેન્સ તેમની પ્રશંસા કરી રહ્યા છે. કેટલાકે તો પૂછી પણ લીધું કે, શું તેઓ હવે રાજકારણમાં આવવાનું વિચારી રહ્યા છે?
શું છે સમગ્ર મામલો?
હકીકતમાં વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે, દાદાગીરી કરનારા દેશો પાડોશી દેશને સંકટના સમયે 4.5 બિલિયન ડૉલરની સહાય નથી આપતા. જયશંકરનું આ નિવેદન માલદીવના પ્રમુખ મુઇઝ્ઝુના નિવેદનના સંબંધમાં આવ્યું છે, જે તેમણે આ વર્ષે જાન્યુઆરીમાં આપ્યું હતું. મુઇઝ્ઝુએ કહ્યું હતું કે આપણો દેશ ભલે નાનો હોય, પરંતુ તે કોઈને આપણી સાથે દાદાગીરી કરવાનું લાયસન્સ આપતું નથી. મહત્ત્વનું છે કે, મોહમ્મદ મુઇઝ્ઝુ પ્રમુખ બન્યા છે ત્યારથી ભારત અને માલદીવ વચ્ચેના સંબંધોમાં ખાસ્સી કડવાશ આવી છે.
આ પણ વાંચો: દાદાગીરી કરનારા 4.5 અબજ ડૉલરની મદદ નથી આપતા: જયશંકરનો માલદીવ પર કટાક્ષ