એલોન મસ્કની મોટી જાહેરાત, હવે વિશિષ્ટ X યુઝર્સને ફ્રીમાં મળશે બ્લુ ટિક
HD ન્યૂઝ ડેસ્ક, 28 માર્ચ: એલોન મસ્કે X પ્લેટફોર્મને લઈને મોટી જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ ઘણા X વપરાશકર્તાઓને મફતમાં બ્લુ ટિક મેળવવાની તક મળશે. જો કે, આ એક પેઇડ સર્વિસ છે અને તેના માટે યુઝર્સે મહિને 650 જેટલા રુપિયા ખર્ચવા પડે છે. X પ્રીમિયમ પ્લાનની કિંમત માસિક રૂ. 650 છે અને વાર્ષિક પ્લાનની કિંમત રૂ. 6800 છે.
2,500 વેરિફાઈડ ફોલોઅર્સ હશે તો બ્લુ ટિક મફત
એલોન મસ્કે X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે જે X એકાઉન્ટ ધારકોની પાસે 2,500 વેરિફાઈડ સબ્સ્ક્રાઇબર ફોલોઅર્સ હશે તેઓને પ્રીમિયમ સુવિધાઓ મફતમાં મળશે. જ્યારે 5,000 જેટલા વેરિફાઈડ સબ્સ્ક્રાઇબર ફોલોઅર્સ હશે તેવા X યુઝર્સને પ્રીમિયમ+ ફ્રી મળશે. ચાલો આ વિશે વિગતે જાણીએ.
એલોન મસ્કે X પર પોસ્ટ કરીને આપી જાણકારી
Going forward, all 𝕏 accounts with over 2500 verified subscriber followers will get Premium features for free and accounts with over 5000 will get Premium+ for free
— Elon Musk (@elonmusk) March 28, 2024
X પ્રીમિયમ અને X પ્રીમિયમ પ્લસ પ્લાનની કિંમત
X પ્રીમિયમ અને X પ્રીમિયમ પ્લસ બે પેઇડ પ્લાન છે. X પ્રીમિયમની કિંમત માસિક રૂ. 650 છે અને વાર્ષિક પ્લાન રૂ. 6800 છે. જ્યારે X પ્રીમિયમ પ્લસની કિંમત માસિક રૂ. 1300 અને વાર્ષિક પ્લાનની કિમત રૂ. 13,600 છે. જો કે, તમે એલોન મસ્કની ઉપર જણાવેલી શરતોને પૂર્ણ કરીને આ પ્લાનનો મફતમાં ઉપયોગ કરી શકો છો.
X પ્રીમિયમની વિશેષતાઓ
X પ્રીમિયમના ફીચર્સ વિશે વાત કરીએ તો તેમાં 50% ઓછી જાહેરાતો જોવા મળશે. પોસ્ટને એડિટ કરી શકાશે તેમજ લાંબી પોસ્ટ પણ કરી શકાશે, Undo Post અને મોટી સાઈઝના વીડિયો સાથે પણ પોસ્ટ કરી શકાય છે. આમાં બ્લુ ટિક પણ મળશે. X પ્રીમિયમ પ્લસમાં વપરાશકર્તાઓને વધુ કિંમતના બદલામાં થોડી વધુ સુવિધાઓ મળે છે અને કોઈ જાહેરાતો દેખાતી નથી. તેમાં ઘણા કસ્ટમાઇઝેશન ફીચર્સ મળે છે.
એલોન મસ્કે ગયા વર્ષે ટ્વિટરનું નામ બદલીને X કર્યું હતું
એલોન મસ્કે ગયા વર્ષે ટ્વિટરનું નામ બદલીને X કરી દીધું હતું. પરિવર્તનની વાર્તા અહીંથી શરૂ થતી નથી, પરંતુ જ્યારથી એલોન મસ્કે ટ્વિટર પ્લેટફોર્મ મેળવ્યું છે, ત્યારથી તે તેમાં ફેરફાર કરી રહ્યા છે. અગાઉ બ્લુ ટિક મફતમાં ઉપલબ્ધ હતું, ત્યાર બાદ એલોન મસ્કે તેને સબસ્ક્રિપ્શન પ્લાનનો એક ભાગ બનાવ્યો. તેમાં ઘણી નવી સુવિધાઓ અને કમાણી સુવિધાઓ પણ ઉમેરવામાં આવી હતી.
આ પણ વાંચો: SBIએ ડેબિટ કાર્ડ યુઝર્સને આપ્યો ઝટકો, વાર્ષિક ચાર્જમાં કર્યો વધાર્યો, જાણો ક્યારથી થશે લાગુ