WTC ફાઈનલ પહેલા જ BCCIનું મોટુ એલાન, આ શખ્સને સોંપાઈ મોટી જવાબદારી
ભારતીય ક્રિકેટ ટીમ સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ (WTC ફાઈનલ 2023) રમવા માટે તૈયાર છે. ટીમ ઈન્ડિયા આ વખતે ચેમ્પિયન બનવામાં કોઈ કસર છોડવાની નથી. ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો 7મી જૂનથી ઓવલમાં ફાઇનલમાં ટકરાશે. આ રોમાંચક મેચ પહેલા ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ એક મોટી જાહેરાત કરી છે. ભારતે ટીમ ઈન્ડિયા માટે એક મેનેજરની નિમણૂક કરી છે જેનો સક્સેસ રેશિયો 100%નો છે.
કોણ છે અનિલ પટેલ?
BCCIએ WTC (વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ) ફાઈનલ 2023 માટે ટીમ ઈન્ડિયાના મેનેજર તરીકે અનિલ પટેલની નિમણૂક કરી છે. અનિલ પટેલ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી છે. તે આ પહેલા ટીમ ઈન્ડિયાના મેનેજર પણ રહી ચૂક્યા છે. પટેલ વર્ષ 2017, 2018 અને 2019માં ભારતીય ટીમના મેનેજર રહી ચૂક્યા છે. જ્યારે અનિલ પટેલ મેનેજરના પદ પર હતા ત્યારે ટીમ ઈન્ડિયા 9 સિરીઝ રમી હતી અને તમામમાં ટીમ ઈન્ડિયાનો વિજય થયો હતો. એટલે કહી શકાય કે અનિલ પટેલનો સક્સેસ રેટ 100 ટકા છે.
ભારતે 10 ટેસ્ટ જીતી
ટીમ ઈન્ડિયામાં સામેલ તમામ ખેલાડીઓ 29 મે સુધીમાં ઈંગ્લેન્ડ પહોંચી જશે. અત્યારે ભારતીય ખેલાડીઓ IPLમાં રમી રહ્યા છે. ભારતે 18 મેચ રમીને ફાઈનલ માટે ક્વોલિફાઈ કર્યું છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ 10 ટેસ્ટ જીતી છે. 5 મેચમાં ભારતનો પરાજય થયો હતો જ્યારે 3 ટેસ્ટ ડ્રો રહી હતી. ભારતીય ટીમ ગત વખતે ફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે હારી ગઈ હતી. આ વખતે ટીમ ઈન્ડિયા જૂની ભૂલોનું પુનરાવર્તન કરવાનું પસંદ કરશે નહીં.
WTC ફાઈનલ માટે ભારતીય ટીમ:
વિરાટ કોહલી, રોહિત શર્મા (કપ્તાન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, કે.એસ. ભરત (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ, મોહમ્મદ સિરાજ.
રિઝર્વ ખેલાડીઓઃ ઋતુરાજ ગાયકવાડ, મુકેશ કુમાર, સૂર્યકુમાર યાદવ.
આ પણ વાંચો: ભારતે કોવિડને હેન્ડલ કર્યું એ અવિશ્વસનીય અને અદભુત- જાણો કોણે કહી આ વાત