વન પર્યાવરણ મંત્રીની મોટી જાહેરાત, અંબાજીના કોટેશ્વરમાં 12 જ્યોતિર્લિગની સ્થાપના થશે
તાજેતમાં જ ગુજરાત સરકારમાં મંત્રી બનેલા મુકેશ પટેલ યાત્રાધામ અંબાજીના દર્શને ગયા હતા. મંત્રી પદ મળ્યા બાદ મુકેશ પટેલે માં અંબાના ચરણોમાં શીશ નમાવીને પૂજા અર્ચના કરી હતી. આ દરમિયાન તેમણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતુ કે શક્તિપીઠ અંબાજી યાત્રાધામના કોટેશ્વરમાં 12 જ્યોતિર્લિગની સ્થાપના કરવામાં આવશે.
વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની જાહેરાત
ગુજરાત સરકારના વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે તેઓ માં અંબા ઉપર અતૂટ શ્રદ્ધા રાખે છે ને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અંબાજીના વિકાસને લઈ ગબ્બર ગઢમાં 51 શક્તિપીઠ મંદિરનું નિર્માણ કાર્ય કર્યું છે. તેજ રીતે આગામી સમયમાં અંબાજી કોટેશ્વર ખાતે 12 જ્યોતિર્લિગની સ્થાપના કરવામાં આવશે સાથે જ અંબાજી મંદિર ચાચરચોકનું વિસ્તૃતિકરણની કામગીરી પણ વહેલી તકે શરુ કરવામાં આવશે.
કોટેશ્વરમાં 12 જ્યોતિર્લિગની સ્થાપના
વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલેના જણાવ્યા અનુસાર પવિત્ર યાત્રાધામ અંબાજીના મંદિરે રોજ હજારો ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે અંબાજીના કોટેશ્વર ધામમાં પણ વધુ એક વ્યવસ્થા કરવામા આવશે. યાત્રાધામ અંબાજીમાં ગબ્બર ખાતે આવેલા 51 શક્તિપીઠના દર્શન એક જ જગ્યાએ થાય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ રીતે અંબાજી નજીક આવેલા કોટેશ્વર ધામમાં પણ 12 જ્યોતિર્લિંગના એક સાથે દર્શન થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. જેથી હજારો ભક્તોને હવે કોટેશ્વરમાં 12 જ્યોતિર્લિંગના એક સાથે દર્શન કરવાનો લ્હાવો મળશે. તેના માટેનું કામ પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો :અરવલ્લી જિલ્લાના માલપુરમાં દેશી દારુ રસ્તા પરથી મળી આવતા સ્થાનિક પોલીસ પર સવાલ