ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સ્વાતિ માલીવાલ કેસમાં બિભવ કુમારની મુશ્કેલીઓ વધી, કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડી વધારી

Text To Speech
  • બિભવ કુમારને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દિલ્હીની તીસ હજારી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા

નવી દિલ્હી, 6 જુલાઇ: સ્વાતિ માલીવાલ સાથે હુમલો અને મારપીટના આરોપોનો સામનો કરી રહેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના PA બિભવ કુમારને ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે તેમની ન્યાયિક કસ્ટડી 10 દિવસ માટે લંબાવી છે એટલે કે તેમણે હવે 16 જુલાઈ સુધી જેલમાં રહેવું પડશે. બિભવ કુમારને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દિલ્હીની તીસ હજારી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

 

હકીકતમાં સ્વાતિ માલીવાલે બિભવ કુમાર પર મુખ્યમંત્રી આવાસ પર મારપીટ કરવાનો આરોપ લગાવ્યો છે. તેણીએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે, આ ઘટના ત્યારે બની જ્યારે તેણી અરવિંદ કેજરીવાલને તેમના ઘરે મળવા ગઈ હતી. તેણીએ જણાવ્યું કે, તે સમયે બિભવ કુમારે તેણીની સાથે ગેરવર્તન જ નહી પરંતુ મારપીટ પણ કરી. આ કેસમાં બિભવ કુમારની 18 મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી.

દિલ્હી હાઈકોર્ટે પોલીસ પાસે માંગ્યો હતો જવાબ

અગાઉ, 1 જુલાઈના રોજ, દિલ્હી હાઈકોર્ટે મુખ્ય પ્રધાનના નિવાસસ્થાન પર આમ આદમી પાર્ટી (AAP) સાંસદ સ્વાતિ માલીવાલ પર કથિત હુમલાના સંબંધમાં તેમની ધરપકડને પડકારતી બિભવ કુમારની અરજી પર વિચારણા કરી હતી. કોર્ટે આ અરજી પર દિલ્હી પોલીસ પાસેથી જવાબ પણ માંગ્યો હતો. પોલીસ માટે હાજર રહેલા વરિષ્ઠ વકીલે ધરપકડને પડકારતી અરજી પર નોટિસ જારી કરવાનો એ આધાર પર વિરોધ કર્યો કે તે સુનાવણી યોગ્ય નથી.અરજીમાં બિભવ કુમારે તેમની ધરપકડને ગેરકાયદેસર જાહેર કરવા માટે નિર્દેશ આપવા વિનંતી કરી હતી.

બિભવ કુમારે દાવો કર્યો હતો કે, તેમને ખાનગી હેતુથી પકડવામાં આવ્યા છે, જ્યારે તેમની આગોતરા જામીન અરજી ટ્રાયલ કોર્ટમાં પેન્ડિંગ હતી. બિભવ કુમારે તેને તેમના મૂળભૂત અધિકારો તેમજ કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું છે.

આ પણ જુઓ: એનડીએ સાંસદના નિવેદન પર કેજરીવાલની ધરપકડ કરાઈ ? વીડિયો જારી કરી પત્ની સુનિતાએ કર્યો મોટો ખુલાસો

Back to top button