ભૂટાન ભારત સાથે રેલવે માર્ગથી જોડાવા તૈયાર, 69 કિમીની લાઈન માટે ખર્ચાશે રૂ.3500 કરોડ


ગુવાહાટી, 1 માર્ચ : ભૂટાન ટૂંક સમયમાં તેની પ્રથમ રેલ લિંક મેળવવા જઈ રહ્યું છે. ભારતીય રેલવેએ આસામના કોકરાઝારથી ભૂટાનના ગેલેફુ સુધી રેલ લાઇન નાખવા માટે વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) પૂર્ણ કરી લીધો છે. નોર્થઇસ્ટ ફ્રન્ટિયર રેલ્વે (NFR)ના પ્રવક્તાએ શનિવારે આ માહિતી આપી હતી. પ્રવક્તાએ કહ્યું કે સૂચિત રેલવે લાઇન માટે અંતિમ સ્થાન સર્વેક્ષણ પૂર્ણ થઈ ગયું છે, હવે ડીપીઆરની મંજૂરીની રાહ જોવાઈ રહી છે.
કોકરાઝારને ભુતાનના ગલેફુ સાથે જોડવાની યોજના
પ્રવક્તાએ કહ્યું કે પ્રસ્તાવિત 69.04 કિમીની રેલવે લાઇન આસામના કોકરાઝાર સ્ટેશનને ભુતાનના ગેલેફુ સાથે જોડશે અને તેની અંદાજિત કિંમત 3500 કરોડ રૂપિયા હશે. આ પ્રોજેક્ટમાં છ નવા સ્ટેશનોના બાલાજન, ગરુભાસા, રૂનીખાતા, શાંતિપુર, દાદગીરી અને ગેલેફુના વિકાસનો સમાવેશ થાય છે.
29 મોટા પુલ અને 65 નાના પુલ હશે
ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનમાં બે જટિલ પુલ, 29 મોટા પુલ, 65 નાના પુલ, એક ‘રોડ ઓવર-બ્રિજ’, 39 ‘રોડ અન્ડર-બ્રિજ’ અને 11 મીટર લંબાઈના બે પુલનો સમાવેશ થાય છે. અંતિમ સ્થાન સર્વેક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે અને વધુ મંજૂરી અને જરૂરી સૂચનાઓ માટે ડીપીઆર સબમિટ કરવામાં આવ્યો છે તેમ પ્રવક્તાએ જણાવ્યું હતું.
વેપાર અને પર્યટનને પ્રોત્સાહન મળશે
તેમણે કહ્યું, પ્રસ્તાવિત રેલવે લાઇન બંને દેશો વચ્ચે વેપાર, પર્યટન અને સાંસ્કૃતિક આદાનપ્રદાનને વધારીને ભારત-ભૂતાન સંબંધોને નોંધપાત્ર રીતે મજબૂત કરશે. આનાથી કનેક્ટિવિટીમાં પણ સુધારો થશે અને ભૂટાનને તેની પ્રથમ રેલ્વે લિંક મળશે અને સીમલેસ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મળશે. વધુમાં પ્રવક્તાએ જણાવ્યું હતું કે પ્રસ્તાવિત રેલ્વે લાઇન વડાપ્રધાનની ‘એક્ટ ઇસ્ટ પોલિસી’ અને ‘નેબરહુડ ફર્સ્ટ’ અભિગમને અનુરૂપ છે.
આ પણ વાંચો :- આરોગ્ય ક્ષેત્રે મહારાષ્ટ્ર સરકારનો મહત્વનો નિર્ણય, 14 વર્ષની દિકરીઓને આ રસી મફત આપશે