ગુજરાતટોપ ન્યૂઝબિઝનેસ

ભૂપેન્દ્ર પટેલ સરકારની મોટી ભેટ : ઉદ્યોગોને પાણી દરમાં હવે દર વર્ષે 10 ટકાને બદલે માત્ર 3 ટકા વધશે

  • વર્ષ 2009-10 થી પાણીના દરમાં 10 ટકા વધારાની નિતીમાં ફેરફાર
  • વિધિવત રીતે ટૂંક સમયમાં સરકારી પરિપત્ર જાહેર કરાશે
  • હાલ પ્રતિ 1000 લિટરે રૂ.31.38ના દરે ઉદ્યોગોને અપાઈ છે પાણી

ગુજરાતના ઔદ્યોગિક એકમો દ્વારા સરકારી નેટવર્કથી ઉપયોગમાં લેવાતા પાણીના વપરાશ દરમાં ચાલુ નાણાકીય વર્ષથી સરેરાશ 3 ટકાનો વધારો કરવાનો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારે કર્યો છે. આ અંગે વિધિવત રીતે ટૂંક સમયમાં સરકારી પરિપત્ર જાહેર કરાશે. લાંબા સમયથી ઉદ્યોગોએ દર વર્ષે 10 ટકા લેખે થતાં પાણીના દરના વધારા સામે રજૂઆતો કરી હતી. કોરોનાકાળ વખતે પાણીના દરમાં વધારાને રોકવાનો અગાઉની સરકારે નિર્ણય કર્યો હતો.

છેલ્લે 2018માં પાણીના દરો પુન: વિચાર કરીને નિયત કરાયા હતા

સૂત્રોના કહેવા પ્રમાણે, વર્ષ 2023- 24થી હવે પાણીના દર પ્રતિ વર્ષ 3 ટકા લેખે ઉદ્યોગો માટે વધારાશે એવા મતલબનો નિર્ણય સ2કા2 કક્ષાએ લેવાયો છે. હાલ પ્રતિ 1000 લિટરે રૂ.31.38ના દરે ઉદ્યોગોને પાણી આપવામાં આવે છે. 2009થી શરૂ થયેલી પાણી નીતિમાં છેલ્લે 2018માં ઔદ્યોગિક વપરાશ માટેના પાણીના દરો પુન: વિચાર કરીને નિયત કરાયા હતા એ વખતે 2018 -19માં સરદાર સરોવર નર્મદા નિગમ તથા જળસંપત્તિ વિભાગ દ્વારા આકારાતા રોવોટર રેટ વત્તા રૂ.10 પ્રતિ હજાર, 2019 – 20માં રોવોટર વત્તા રૂ.14 પ્રતિ હજાર તેમજ 2020 – 21માં રોવોટર વત્તા રૂ.15.40 લેખે વસૂલવાની નીતિ લાગુ કરવામાં આવી હતી. એ વખતે ઠરાવાયું હતું કે, દર વર્ષે 10 ટકા લેખેનો વધારો જ્યાં સુધી ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ કે ગુજરાત પાણી પુરવઠા બોર્ડનો વિતરણ ખર્ચ પૂરેપૂરો વસૂલ થઇ જાય ત્યાં સુધી કરવાનો રહેશે. પછી દર ત્રણ વર્ષે સરકાર દ્વારા સમીક્ષા કરાશે. 1 જુલાઇ, 2018થી સુધારેલા દર લાગુ થયા હતા.

CM સાથેની બેઠકમાં લેવાયો નિર્ણય

તાજેતરમાં સરદાર સરોવર નિગમ અને જળસંપત્તિ વિભાગે સંયુક્ત રીતે ઔદ્યોગિક વપરાશના પાણીના દરમાં ફેરફાર કરવાની દરખાસ્ત સરકાર સમક્ષ રજૂ કરી હતી. આ દરખાસ્તમાં વિસ્તૃત ચર્ચાના અંતે ઔદ્યોગિક સમુહો દ્વારા કરાયેલી રજૂઆતોને પણ ધ્યાને લઇ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળની બેઠકમાં કેટલાક સુધારાને મંજૂરી આપવામાં આવી છે એ મુજબ આ નાણાકીય વર્ષમાં વર્તમાન ઔદ્યોગિક વપરાશના દરમાં 3 ટકાનો વધારો કરાશે જ્યારે હવે પછીના દર વર્ષે 3-3 ટકા પાણીના દરમાં વધારો થશે. અહીં નોંધવું જરૂરી છે કે, સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાતના ભાગોમાં ટેક્સટાઇલ, બ્રોમાઇન, સોલ્ટ, ટીએમટી બાર જેવા એકમોમાં પાણીની આવશ્યક્તા વધારે રહેતી હોય છે.

Back to top button