ગુજરાતટોપ ન્યૂઝબજેટ-2023

ભુપેન્દ્ર પટેલ સરકારના બજેટનું કદ અને ધારાસભ્‍યોની ગ્રાન્‍ટ વધશે : નવા MLA આવાસની યોજના

Text To Speech

પંદરમી ગુજરાત વિધાનસભાનું પ્રથમ સત્ર આગામી તા.23 ફેબ્રુઆરીના રોજ મળી રહ્યું છે. તેના બીજા દિવસે તા.24 ફેબ્રુઆરીના રોજ પંદરમી ગુજરાત વિધાનસભાનું પ્રથમ બજેટ નાણા મંત્રી કનુભાઇ દેસાઇ વિધાનસભા ગૃહમાં રજુ કરશે. આ તેમનું બીજી વખતનું બજેટ સત્ર ગણાશે. અગાઉના મંત્રી મંડળમાં તેઓએ નાણા મંત્રી તરીકે બજેટ રજૂ કરેલ હતું. રાજ્‍ય સરકારના તમામ વિભાગો દ્વારા પોતાના વિભાગની જરૂરીયાત મુજબ માંગણી કરવાની દરખાસ્‍ત નાણા વિભાગને મોકલી આપવામાં આવી છે. હવે નાણા વિભાગ દ્વારા આ દરખાસ્‍તની ચકાસણી કરી જરૂરીયાત મુજબ મંજુર કરવાની રહેશે. સરકારના તમામ વિભાગો દ્વારા જોગવાઇઓના આધારે દરખાસ્‍તો મુકવામાં આવી છે. હવે નાણા વિભાગ દ્વારા મંજુર કરવામાં આવે તે માન્‍ય ગણાશે.

હાલના ધારાસભ્યોને નવા કવાર્ટરમાં એકાદ વર્ષ રહેવા મળશે

રાજ્‍ય સરકાર દ્વારા આ વખતના બજેટમાં નવા ધારાસભ્‍યના કવાર્ટસ માટે મૂળ 1970થી જે જગ્‍યાએ કવાર્ટસ બનાવવામાં આવ્‍યા હતા તે જગ્‍યાએ પુનઃ બનાવવાનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ અંગે પૂરતી નાણાકીય જોગવાઇ કરવામાં આવી છે જે વિધિવત રીતે મંજુર કરવામાં આવી છે. ડિસેમ્‍બર-22માં યોજાયેલ ચૂંટણીમાં નવા ચૂંટાયેલ ધારાસભ્‍યોને કદાચ છેલ્લા એકાદ વર્ષ માટે આ નવા કવાર્ટસમાં રહેવાનો સમય મળે તેવી પૂરેપૂરી સંભાવના દેખાઇ રહી છે.

ભવિષ્યમાં 210 MLA બને તે રીતે આયોજન

અગત્‍યની વાત એ છે કે હવે આગામી વિધાનસભાની ચૂંટણીમાં 182 ધારાસભ્‍યોની જગ્‍યાએ 210 કરતા વધારે ધારાસભ્‍યો બનશે તે મુજબ આ કવાર્ટસની જોગવાઇ કરવામાં આવી રહી છે. આ વખતના બજેટમાં આરોગ્‍ય, શિક્ષણ, શહેરી વિકાસ, આદિજાતિ કલ્‍યાણ જેવા વિભાગોમાં નાણાકીય જોગવાઇમાં વધારો કરવામાં આવશે. આ વખતે એટલે કે વર્ષ 2023-24ના બજેટનું કદ બે લાખ પંચોતેર હજાર કરોડ ઉપરનું રહેવાની પુરી શકયતા છે. વર્ષ 2022-23માં 2,48,000 હજાર કરોડનું બજેટ હતું.

દરખાસ્‍તોની વિગતવાર ચકાસણી

રાજ્‍ય સરકાર દ્વારા તમામ વિભાગોમાંથી આવેલ નાણાકીય જોગવાઇ ઉપર પૂરતુ ધ્‍યાન રાખશે અને નાણા વિભાગ દ્વારા આવેલ દરખાસ્‍તોનું વિગતવાર ચકાસણી કરશે ત્‍યારબાદ બજેટને આખરી સ્‍વરૂપ આપવામાં આવશે. બીજી એક અગત્‍યની સંભાવના એવી છે કે ધારાસભ્‍યોને પોતાના વિસ્‍તાર માટે જે ગ્રાન્‍ટ આપવામાં આવે છે તેમાં પણ વધારો કરવામાં આવે તેવી શક્‍યતાઓ છે.

Back to top button