રાજ્યમાં ભુપેન્દ્ર પટેલ સરકારે 11 વર્ષ પછી એક જ ઝાટકે જંત્રીના દરમાં ફેરફાર કરી સીધો જ ડબલ દર કરી અમલમાં મુકી દેતા બિલ્ડરો તેમજ નાના અને મધ્યમ વર્ગના લોકો મુસીબતમાં મુકાઈ ગયા છે. ત્યારે સરકાર દ્વારા આ નિર્ણય ઉપર ફેર વિચારણા કરવામાં આવે તેવી માંગ સાથે છેલ્લા ત્રણેક દિવસથી રાજ્યના બિલ્ડર લોબી અગ્રણીઓ મુખ્યમંત્રી તેમજ મહેસુલ મંત્રી સહિતનાઓને મળી રજૂઆત કરી રહ્યા છે. તેવામાં હાલ એક અહેવાલ વહેતા થયા છે કે નવી જંત્રી અંગે સરકાર પોતાનું વલણ સ્પષ્ટ કરી શકે છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર હકીકત જાણવા મળી રહી નથી પરંતુ એકાદ દિવસ એટલે કે કાલ અથવા પરમદિવસ સુધીમાં આ અંગેનું નિવેદન બહાર આવી શકે છે.
જંત્રીના મુદ્દા પર સરકારે પ્રથમ પ્રતિક્રિયા શું આપી ?
રાજ્ય સરકારની કેબિનેટ બેઠક બાદ સૌથી વધુ ચર્ચા જે મુદ્દા પર થઈ રહી હતી તે જંત્રીના મુદ્દા પર સરકારે મહત્વની જાહેરાત કરી હતી. કેબિનેટ બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, મુખ્યમંત્રીએ બિલ્ડર્સ એસોસિએશન અને અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. જેના બાદ તમામ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી છે. તેમજ આ માટે તમામ જરૂરી મુદ્દાઓ પર વિચારણા પણ થઈ છે. ઋષિકેશ પટેલે જણાવ્યું કે, સરકારે નવી જંત્રીનો નિયમ લાગુ કર્યો છે. તેમાં 5 ફેબ્રુઆરી પહેલાની ખરીદી જુની જંત્રી પ્રમાણેની ગણાશે તેમાં આગામી સમયમાં જે પણ ફેરફાર હશે તેની જાહેરાત કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ ડેલિગેટ્સ સાથે ચર્ચા કરી છે. જંત્રી બાબતે કોઈ નિર્ણય થશે તો જાણ કરવામાં આવશે. જ્યારે જમીનનું સંપાદન થાય તે તારીખની અસરથી જંત્રી લાગું પડે છે. તેમજ સરકાર તરફથી નિવેદન આપતાં ઋષિકેશ પટેલે જણાવ્યું કે, 4 તારીખ સુધીમાં જેમણે દસ્તાવેજ લઈ લીધા હોય અને દસ્તાવેજ એક્ઝિક્યુટ થઈ ગયા હોય તે બધાને જૂની જંત્રી લાગુ પડશે. પરંતુ 4 તારીખ પછી સ્ટેમ્પ પેપર ખરીદવામાં આવશે તો તેના પર નવી જંત્રી લાગુ પડશે.
અમદાવાદ બિલ્ડર એસોસિએશને મુખ્યમંત્રીને કરી હતી રજુઆત
જંત્રી વધારાના મુદ્દે એક તરફ સરકાર નમતું જોખવા માટે તૈયાર નથી તો બીજી તરફ બિલ્ડરર્સ પણ પોતાની રજુઆત સરકાર સુધી કોઈને કોઇ માધ્યમે પહોંચાડી હતી. અમદાવાદ બિલ્ડર એસોસિએશનના આગેવાનો મુખ્યમંત્રીને રજુઆત કરવા માટે પહોંચ્યા હતા. જેમાં તેમને મુખ્યત્વે જંત્રી વધારવા માટે થોડી મુદ્દતનો સમય માંગ્યો હોવાની વાત કરી હતી. આ અંગે બિલ્ડર એસોસિએશનના આગેવાને જણાવ્યું કે, અમે સરકારના જંત્રી વધારવાના નિર્ણયની સાથે સહમત છે પરંતુ અમારી દરખાસ્ત એટલી જ છે કે જંત્રીનો વધારો 1 મે 2023 થી કરવામાં આવે. જેથી બિલ્ડર્સને થોડો સમય મળી શકે. આ ઉપરાંત જમીન અને બાંધકામમાં જંત્રીનો વધારી અલગ-અલગ હોવો જોઇએ.જમીનમાં હાલની જંત્રી કરતા 50% વધારો કરવો જોઇએ તથા બાંધકામની જત્રીમાં હાલ કરતા 20% વધારો કરવો જોઇએ.