CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખોડલધામ કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન, PM મોદી વર્ચ્યુઅલી જોડાયા
- રાજકોટના પડધરી તાલુકાના અમરેલી ગામ ખાતે સર્વ સમાજના લાભાર્થે બનશે આધુનિક કેન્સર હોસ્પિટલ
- ખોડલધામ કેન્સર હોસ્પિટલ સેવા ભાવના અને સર્વ સમાજના કલ્યાણનું પ્રતીક બની રહેશે: પીએમ નરેન્દ્ર મોદી
રાજકોટ, 21 જાન્યુઆરી: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજકોટ જિલ્લાના કાગવડ ખાતેથી શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું ભૂમિપૂજન કર્યું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા તથા સંબોધન કર્યું હતું.
સાતમા પાટોત્સવના અવસરે ખોડલધામની પવિત્ર ભૂમિ પર ઉપસ્થિત ભક્તો સાથે જોડાવાનું સૌભાગ્ય મળવા બદલ આનંદ વ્યક્ત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુલ સંબોધનમાં જણાવ્યું હતું કે રાજકોટના પડધરી તાલુકાના અમરેલી ખાતે નિર્માણ પામનારી કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના ભૂમિ પૂજન સાથે ખોડલધામ ટ્રસ્ટે જનકલ્યાણ અને સેવાના ક્ષેત્રે વધુ એક સુંદર પહેલ કરી છે. આ હોસ્પિટલથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટા પ્રદેશને લાભ થશે. વધુમાં તેમણે કહ્યું કે આ કેન્સર હોસ્પિટલ સેવા ભાવના અને સર્વ સમાજના કલ્યાણનું પ્રતીક બની રહેશે.
ખોડલધામ કાગવડના સાતમા પાટોત્સવ તથા કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજન સમારોહમાં સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, આજે કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન થયું છે ત્યારે સમાજ સેવા માટે ધન અને દાનની સરવાણી માતાજીના આશીર્વાદ સ્વરૂપે મળી રહી છે. ઈશ્વરીય મદદ મળે ત્યારે જ આવું ભવ્ય આયોજન થતું હોય છે.
તેમણે કહ્યું કે, અયોધ્યામાં ભવ્ય રામમંદિરમાં આવતીકાલે ભગવાન રામલલા બિરાજમાન થવા જઈ રહ્યા છે, તેના પૂર્વ દિવસે આદ્યશક્તિ અને રાષ્ટ્રભક્તિના સંગમ એવા ખોડલધામમાં આ અનોખા અવસરના સાક્ષી બનવાની તક આપણને મળી છે. ખોડલધામએ ગુજરાતનું એકમાત્ર એવું મંદિર છે, જેના પ્રવેશદ્વાર પર રોજ રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે છે. ખોડલધામ દ્વારા કેન્સર હોસ્પિટલ શરૂ કરવાના વિચારને બિરદાવતા તેમણે કહ્યું હતું કે, નિરોગી, સમૃદ્ધ, સુખી સમાજનું નિર્માણ રામરાજ્ય તરફનું પ્રયાણ છે.
શિક્ષણ-સંસ્કૃતિ-સમાજ-આરોગ્ય વગેરેના વિકાસ માટે કાર્યરત ખોડલધામ સર્વસમાજ માટે આવા પ્રકલ્પો અમલમાં મૂકે છે અને સહુના સહકારથી કામ કરવાની સંસ્કૃતિને ઉજાગર કરે છે, જે સમગ્ર સમાજ માટે ઉપકારક સાબિત થશે એવો મંત્રી માંડવીયાએ આશાવાદ વ્યક્ત કર્યો હતો.
રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે ખોડલધામ સંસ્થાના સ્થાપક નરેશભાઈ પટેલને સમગ્ર પાટીદાર સમાજના સર્વાંગી વિકાસ બદલ અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે આજે શુભારંભ થયેલ અદ્યતન કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર સમાજની સર્વ પ્રકારે સેવા કરવાના સંસ્થાના આશયને પૂર્ણ કરશે. આ તકે મંત્રી રાઘવજીભાઈએ સમાજના વિકાસ માટે સદૈવ અગ્રેસર રહેવા ખોડલધામ સંસ્થાને શુભેચ્છા પાઠવી હતી.
ખોડલધામ ટ્રસ્ટના સ્થાપક નરેશભાઈ પટેલે તેમના પ્રાસંગિક પ્રવચનમાં સંસ્થાના સાત વર્ષ પુરા થવા નિમિત્તે ખોડલધામના સંકલ્પો રજૂ કર્યા હતા, જે પૈકી સર્વ સમાજ માટે ૪૨ એકરમાં નિર્માણ થનાર કેન્સરના નિદાન અને સારવાર માટેની કેન્સર હોસ્પિટલ અને રીસર્ચ સેન્ટર માટે સાથ-સહકાર આપનાર સૌ કોઈનો આભાર માન્યો હતો અને આ હોસ્પિટલને રાષ્ટ્રની સેવામાં અર્પણ કરવાનો સંકલ્પ દોહરાવ્યો હતો.
નોંધનીય છે કે, રાજકોટના પડધરી તાલુકાના અમરેલી ગામ ખાતે આશરે ૪૨.૫ એકર જેવી વિશાળ જગ્યામાં ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સર્વ સમાજ માટે શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના નિર્માણનું આયોજન કરવામાં આવ્યું છે. આશરે ૩૦ મહિનામાં આ હોસ્પિટલ શરૂ કરી દેવાનું આયોજન છે.
ખોડલધામના સાતમા પાટોત્સવ પ્રસંગે આજે ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું વિશેષ બહુમાન કરાયું હતું જયારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયાનું સમાજરત્ન એવોર્ડથી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: અમદાવાદમાં CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઇન્ટરસ્કૂલ સ્પોર્ટ્સ કોમ્પિટિશનનો પ્રારંભ