કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગધર્મવિશેષ

રાજ્યપાલના હસ્તે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, ઉના અને સહજાનંદ ધામનું ભૂમિપૂજન – શિલાન્યાસ

  • સાધુ-સંતો નૂતન ગુરૂકુળના નિર્માણ દ્વારા સમગ્ર સમાજને પ્રકાશિત કરવાનું કાર્ય કરી રહ્યા છેઃ રાજ્યપાલ
  • સત્યતા અને વ્યસનમુક્તિ સાથે મૂલ્યનિષ્ઠ શિક્ષણ આપવું એ રાષ્ટ્ર સેવાનું સૌથી મોટું કાર્ય: શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા
ઉના, 20 ઑક્ટોબર, 2024: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે રવિવારે ગીર-સોમનાથ જિલ્લાના ઉના ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાનની નવી શાખા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, ઉના તેમજ સહજાનંદ ધામનું ભૂમિપૂજન તેમજ શિલાન્યાસ કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું કે, ગુરૂકુળ દ્વારા સમાજને સંસ્કારી અને શિક્ષિત-દીક્ષિત બનાવવાનું કાર્ય કરવામાં આવે છે. જે પરંપરાનું હું નિર્વહન કરું છું તેવી ગુરુકુળ પરંપરાને આગળ ધપાવતાં આજે રાજ્યમાં 61મા ગુરૂકુળની સ્થાપના થઈ છે તેનો તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, આજના ભોગવાદના જમાનામાં લોકો ‘ખાધું, પીધું અને મોજ કર્યું’ માં માને છે ત્યારે સમાજ માટે જીવન સમર્પિત કરનાર સાધુ-સંતો ગુરૂકુળની સ્થાપના દ્વારા ભવ્ય ભારતના દિવ્ય બાળકોના નિર્માણ માટે કાર્ય કરી રહ્યા છે. ગુરૂકુળ એ બે-ચાર બાળકોનું ઘર નથી એ તો અનેક બાળકોના ઘડતરનું કેન્દ્ર છે. સૂર્ય અને પ્રકાશ જે રીતે તમામ લોકોને અજવાળે છે. તે જ રીતે સાધુ-સંતો નૂતન ગુરૂકુળના નિર્માણ દ્વારા સમગ્ર સમાજને પ્રકાશિત કરવાનું કાર્ય કરી રહ્યા છે.
ઉના ગુરુકુળ - HDNews
ઉના ગુરુકુળ – photo: information department
પ્રકૃતિની ગોદમાં ગુરૂકુળ સ્થાપિત એટલા માટે જ કરવામાં આવતા હતાં કારણ કે, ત્યાં પવિત્રતા  હોય છે. જ્યાં બાળકોને શિક્ષિત, દીક્ષિત, બળવાન અને વિદ્યાવાન બનાવવામાં આવતાં હતાં. એટલે જ, પ્રાચીન કાળમાં ગુરૂકુળનું વિશેષ મહત્વ રહેતું હતું, વિદ્યાના દાનને ભારતીય પરંપરામાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. જે જ્ઞાન મેળવે છે તે પોતાના નામની સાથે  સમગ્ર સમાજ, રાજ્ય સાથે દેશનું નામ પણ ઉજ્જવળ બનાવે છે. શાસ્ત્રી સ્વામીએ આઝાદીકાળમાં ગલીએ ગલીએ ઘૂમીને આ સંસ્કારોને સમાજમાં સ્થાપિત કર્યાં હતાં. રાજકોટ ગુરૂકુળની સ્થાપના કરી તેના બીજ રોપ્યાં હતાં અને વર્તમાનમાં દેવકૃષ્ણ સ્વામી, દેવપ્રસાદજી સ્વામી અને ધર્મજીવન સ્વામી તેને આગળ ધપાવતા આજે 61માં ગુરૂકુળની સ્થાપના થઈ છે તેનો આનંદ તેમણે વ્યક્ત કર્યો હતો.
રાજ્યપાલે આ અવસરે ઉપસ્થિત પ્રાકૃતિક કૃષિકારોને સંબોધતાં જણાવ્યું હતું કે, તેમણે સૌ પ્રથમવાર નિલકંઠધામમાં પ્રાકૃતિક કૃષિનો સેમિનાર કર્યો હતો. ત્યારથી સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા સંસ્થાનો સાથે અનુબંધ જોડાયો છે. કૃષિમાં એકદાણો નાખીએ તો તે અનેકગણા કરી પરત આપે છે. પ્રાકૃતિક કૃષિના અભિયાનથી રાજ્યમાં 9.75 લાખ લોકો પ્રાકૃતિક કૃષિના અભિયાન સાથે જોડાયા છે, તેમ પણ તેમણે જણાવ્યું હતું.
ઉના ગુરુકુળ - HDNews
ઉના ગુરુકુળ – photo: information department
શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગુરુકુળ પરંપરા અને ગુરુકુળ જ્ઞાન પરબ, જ્ઞાન યજ્ઞથી અનેક વિદ્યાર્થીઓના કલ્યાણનો માર્ગ બન્યો છે. ગુરુકુળ વિદ્યાનું સ્થાન બની સત્યતા અને વ્યસન મુક્તિ સાથે મૂલ્યનિષ્ઠ શિક્ષણ આપીને રાષ્ટ્ર સેવાનું મોટું કાર્ય કરી રહ્યા છે. શિક્ષણથી જીવનમાં નમ્રતા અને ગુણવત્તા આવે છે. જેને ધ્યાનમાં રાખીને ધોરણ છ થી અભ્યાસક્રમમાં ગીતાના પાઠનો સમાવેશ કરી ધર્મશિક્ષણને પણ સામેલ કર્યું છે. શાસ્ત્રીજી મહારાજે 61મા ગુરુકુળનું સ્થાપન કરીને પ્રેમ, સદભાવ અને કરુણાના ભાવ સાથે રાષ્ટ્રનિર્માણનો ભગીરથ યજ્ઞ આદર્યો છે. ભારતીય સંસ્કૃતિના મૂલ્યો સ્થાપિત કરવા ગુરૂકુળની વૈદિક પરંપરા આજના સમયમાં ખૂબ જ ઉપયોગી છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
દેવપ્રકાશ સ્વામીએ કર્મભક્તિ, નિષ્કામ કર્મ અને કર્મજ્ઞાનની વિભાવના રજૂ કરતા ઉના ખાતે સ્વામિનારાયણ ગુરૂકુળ જલ્દી જ કાર્યરત થાય એવી શુભેચ્છા વ્યક્ત કરી હતી
સ્વામિનારાયણ ગુરૂકુળના નિર્માણ માટે મહત્વપૂર્ણ યોગદાન આપનાર રાકેશભાઈ દૂધાતે આ અવસરે જણાવ્યું હતું કે, માતૃભૂમિ અને માતાનું સ્થાન સ્વર્ગથી પણ વધુ હોય છે. માતૃસ્થાન પર આવા સ્થાનના નિર્માણ માટે સહભાગી થવાનો આનંદ છે. તેમણે આ અંગે જણાવ્યું કે, સૃષ્ટિ પાસેથી જે મળ્યું છે, તેનો શેષભાગ વાપરવો જ જોઈએ. અન્ય ભગવાનનું છે એમ માની સમાજને સમર્પિત કરવું જોઈએ.
આ તકે, સહજાનંદધામ અને ગુરૂકુળના બાંધકામ-નિર્માણમાં સહયોગ આપનાર તમામ શ્રેષ્ઠીઓનું રાજ્યપાલશ્રી અને સંતો-મહંતોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે ગુજરાત વિધાનસભાના નાયબ દંડક કૌશિકભાઈ વેકરિયા, ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ, અગ્રણી મહેન્દ્રભાઈ પીઠિયા, સ્વામી સર્વ શ્રી માધવદાસજી, શ્રી જ્ઞાનસ્વરૂપદાસજી, શ્રી કૃષ્ણપ્રિયદાસજી, શ્રી દેવકૃષ્ણદાસજી,શ્રી ધર્મવલ્લભદાસજી, શ્રી ધર્મજીવનદાસજી સહિત સંતો-મહંતો અને હરિભક્તો તેમજ દાતા ઈશ્વરભાઈ ધોળકિયા સહિતના ઉદ્યોગપતિઓ અને મોટી સંખ્યામાં ઉનાના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
Back to top button