ભુજ: તંત્ર દ્વારા રાત્રિસભા યોજાઈ, 1418 લાભ સ્થળ ઉપર જ આપવામાં આવ્યા
- રાત્રિસભા પૂર્વે જ સમસ્યાનું નિવારણ આવે તે માટે ‘સંતૃપ્તિ પહેલ’ અંતર્ગત જિલ્લા કલેક્ટરનો નવતર અભિગમ
- જિલ્લા કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને ગાંધીધામના મીઠીરોહર ગામે ‘સંતૃપ્તિ પહેલ’ અંતર્ગત રાત્રિસભા યોજાઈ
- રાત્રિસભામાં જિલ્લા કલેક્ટર દ્વારા ગ્રામજનોની રજૂઆત સાંભળી, તેનો ઉકેલ લાવવામાં આવે છે.
ભુજ, 26 નવેમ્બર: ગાંધીધામ તાલુકાના મીઠીરોહર ગામે જિલ્લા કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને સંતૃપ્તિ પહેલ અન્વયે રાત્રિસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રિસભામાં જિલ્લા કલેક્ટર દ્વારા ગ્રામજનોની રજૂઆત સાંભળી, તેનો ઉકેલ લાવવામાં આવે છે. સંતૃપ્તિ પહેલ એ કચ્છ જિલ્લા કલેક્ટર અમિત અરોરાનો નવતર અભિગમ છે. જે અન્વયે રાત્રિસભા પૂર્વે જ ગ્રામજનોને સરકારી યોજનાઓનો લાભ આપવા માટે તમામ ડીપાર્ટમેન્ટ દ્વારા ગામમાં જઈને કામગીરી કરવામાં આવે છે. રાત્રિસભામાં પ્રશ્નો ઉપસ્થિત થાય તે પહેલા જ તેનું નિરાકરણ આવે તે દિશામાં કામગીરી સંતૃપ્તિ પહેલ અંતર્ગત કરવામાં આવે છે. જિલ્લા કલેક્ટરની સંતૃપ્તિ પહેલ કચ્છના ગ્રામજનો માટે આશીર્વાદરૂપ બની છે.
રાત્રિસભા કાર્યક્રમ અંતર્ગત ગામજનોને અનેક લાભ સ્થળ ઉપર જ આપવામાં આવ્યા
રાત્રિસભાના કાર્યક્રમ પૂર્વે જ સરકારની મહત્વની યોજનાઓ અંતર્ગત સમાજ સુરક્ષા અંતર્ગતની યોજનામાં કુલ ૩૧ પુરવઠા વિભાગની યોજનાઓ જેવી કે મા અન્નપૂર્ણા સહિતની વિવિધ યોજના અંતર્ગત કુલ ૮૩ને લાભ આપવામાં આવ્યો હતો. આરોગ્યને લગતી યોજનાઓ જેવી કે PMJAY કાર્ડના કુલ ૧૯ તથા આભાકાર્ડ અંતર્ગત ૭૩૬ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો હતો.
એસ.ટી.વિભાગ તરફથી વિવિધ યોજનાઓ અંતર્ગત કુલ ૧૧ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો હતો. જિલ્લા સમાજ કલ્યાણ(વિકસતી જાતિ) માટેની વિવિધ યોજનાઓ અંતર્ગત કુલ ૩૧ લાભાર્થીઓને તેમજ ૫શુપાલન યોજના અંતર્ગત કુલ ૫૩ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો હતો. ICDS ની વિવિધ યોજનાઓ અંતર્ગત કુલ ૭૦ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો હતો. આમ મીઠીરોહર ખાતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સંતૃપ્તિ પહેલ અંતર્ગત કુલ ૧૪૧૮ જેટલા વિવિધ યોજનાકીય લાભો આપવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ “સંતૃપ્તિ પહેલ” અંતર્ગત ગ્રામજનોને તેમના દ્વાર સુધી પહોંચી સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગામની મુલાકાત લઈ WHOLISTIC APPROACH સાથે ૪(ચાર) મુખ્ય સ્તંભમાં કામગીરી કરવામાં આવે છે. જેમાં વ્યક્તિગત લાભો, જાહેર મિલકતની જાળવણી, સામાજિક ઓડિટ અને વિવિધ પ્રશ્નોનું નિરાકરણનો સમાવેશ થાય છે. રાત્રિસભામાં જિલ્લા કલેક્ટર દ્વારા ગ્રામજનોની રજૂઆત સાંભળવામાં આવે છે અને તેનો ઉકેલ ત્વરિત રીતે આવે તે માટે સંબંધિત વિભાગને કાર્યવાહી અર્થે સૂચના આપવામાં આવે છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય, ગામના આગેવાન, સરપંચ, ઉપસરપંચ, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પી.આઈ. એમ.ડી. ચૌધરી સહિતના અધિકારીઓ તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં છેલ્લા 6 કલાકમાં 156 તાલુકાઓમાં વરસાદ નોંધાયો, વીજળી પડવાથી ચાર લોકોના મૃત્યુ