ભુજઃ સાયન્સ સેન્ટર ખાતે ચિત્ર-નિબંધ સ્પર્ધામાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો
ભુજ: વર્લ્ડ સાયન્સ ડે ફોર પીસ એન્ડ ડેવલપમેન્ટ દર વર્ષે ૧૦ નવેમ્બરના ઉજવવામાં આવે છે. જેનો મુખ્ય હેતુ શાંતિ અને વિકાસ માટે સમાજમાં વિજ્ઞાનની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે લોકોને માહિતગાર કરવાનો છે. આજના દિવસે રિજનલ સાયન્સ સેન્ટર- ભુજ દ્વારા વર્લ્ડ સાયન્સ ડે ફોર પીસ એન્ડ ડેવલપમેન્ટ નિમિતે વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધા તથા નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
“વૈશ્વિક સુખાકારી માટે વૈશ્વિક વિજ્ઞાન અને વિજ્ઞાનમાં વિશ્વાસ કેળવવો વિષય પર ચિત્ર-નિબંધ સ્પર્ધાનું આયોજન
જેનો વિષય “વૈશ્વિક સુખાકારી માટે વૈશ્વિક વિજ્ઞાન (ગ્લોબલ સાયન્સ ફોર ગ્લોબલ વેલ બીઇંગ) અને વિજ્ઞાનમાં વિશ્વાસ કેળવવો (બિલ્ડિંગ ટ્રસ્ટ ઈન સાયન્સ)” રાખવામાં આવ્યો હતો. આ સ્પર્ધામાં કચ્છ જિલ્લાની ૧૧ શાળા-કોલેજના ૨૮ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં વિવિધ કેટેગરીના વિજેતાઓને પુસ્તક અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં ચિત્ર સ્પર્ધામાં પ્રાથમિક વિભાગમાં મિહિકાબા જાડેજા, માધ્યમિક વિભાગમાં રાજીબ દોલુઈ અને કોલેજ વિભાગમાં પરગડુ વિશાલ તથા નિબંધ લેખન સ્પર્ધામાં અવંતિકાબા જાડેજા વિજેતા થયા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિજ્ઞાન કેન્દ્રના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સાયન્સ કોમ્યુનિકેટર શૈલ વિરેન્દ્રભાઇ પલણ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં મેનેજર આરતી આર્ય, હિરેન રાઠોડ, પ્રમોદ રાયકવાર તથા સ્ટાફના આલાપ ભટ્ટ, ખુશાલી ચૌહાણ, પાર્થ ભટ્ટ અને જય પુરોહિત દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના માધ્યમથી વિદ્યાર્થીઓ દ્વારા રોજિંદા જીવનમાં વિજ્ઞાનના મહત્વને કળાના માધ્યમથી રેખાંકિત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: મુસાફરોને સુરત જવામાં તકલીફ નહીં પડે, અમદાવાદ-જામનગર વંદે ભારત ટ્રેન ઉધના સુધી લંબાવાઈ