કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગ

ભૂજ: બિપરજોય” વાવાઝોડાના પગલે પશુપાલન વિભાગે 51448 પશુઓને સુરક્ષિત સ્થળે ખસેડ્યા

ભૂજ, ગુરૂવાર: જિલ્લા કલેકટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ કચ્છમાં બિપરજોય વાવાઝોડાના પગલે પશુપાલન વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. કચ્છમાં પશુઓની સુરક્ષા અને સલામતી માટે ખાસ આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. જે અંતર્ગત જિલ્લાના તમામ તાલુકામથકો ખાતે તાલુકા પશુચિકિત્સા અધિકારી તથા લાયઝન અધિકારી સહિતની ટીમોને લેવાના થતા સુચિત પગલાઓની યાદી આપી કામગીરીની સોંપણી કરવામાં આવી છે.

વાવાઝોડાથી પશુઓને થતા નુકસાનથી બચાવવા માટે પશુઓને ચરિયાણમાં ન મોકલવા, સાંકળ-દોરીથી ખીલે ન બાંધી રાખવા તેમજ ઘાસચારા-પાણીનો પુરતો સ્ટોક કરી રાખવા સમજણ આપવા ઉપરાંત પશુપાલકોને વર્તમાનપત્રો તેમજ ઇલેક્ટ્રોનિક મિડીઆ મારફતે સતત જાણકારી આપવામાં આવી રહી છે.

પશુઓને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે લખપત તથા અબડાસા તાલુકામાં કુલ ૬ પશુચિકિત્સા અધિકારીઓ, ૭ પશુધન નિરીક્ષકો તેમજ સ્થાનિક સહકારી ડેરીના સ્ટાફ સાથેની કુલ ૮ ટીમો બનાવેલી છે અને બન્ને તાલુકામાં ૧-૧ મદદનીશ પશુપાલન નિયામકની લાયઝન ઓફીસર તરીકે નિમણુંક કરવામા આવી છે.

ટીમો દ્વારા વધુ જોખમ વાળા તમામ કાંઠાળ ગામોની મુલાકાત લઇ સ્થાનિક પંચાયત તેમજ આગેવાનોનો સંપર્ક કરી, ગામનાં નિચાણ વાળા કે અસલામત જણાતા સ્થળ પર રખાયેલ પશુઓને ત્યાંથી ખસેડી નજીકમાં ગૌશાળા/પાંજરાપોળ/ ગૌરક્ષણ સમિતીનાં વાડા/ઊંચાણ વાળા વિસ્તારનાં સ્થળે આવેલા વાડાઓમાં મોકલવામાં આવી રહ્યા છે.

અબડાસા અને લખપત તાલુકાનાં સૌથી વધુ જોખમવાળા વિસ્તારનાં ગામોનાં ૨૨૦૫૬ જેટલા પશુઓને સ્થાનિક ગ્રામ પંચાયત અને દુધ મંડળીઓ વગેરેનાં સહયોગથી સલામત સ્થળ ખાતે ખસેડેલ છે.

સમગ્ર જિલ્લામાં આ રીતે કુલ ૭ તાલુકાનાં ૫૧૪૪૮ પશુઓને સુરક્ષિત સ્થળે પહોંચતા કરાયા છે. પશુઓને વાવાઝોડાની સંભવિત અસરોથી બચાવવાની કામગીરી આજે પણ રાત્રિ સમય સુધી ચાલુ રહેશે. વાવાઝોડા પછીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સારવાર, રસીકરણ અને સર્વેક્ષણની કામગીરી સમયસર થઈ શકે માટે ૨૫ GVK-૧૯૬૨ મોબાઇલ પશુ દવાખાના તેમજ ૪૦ પશુ ચિકિત્સકોની ટીમની માંગણી કરાઈ છે.

દરેક પશુ-દવાખાના, શાખા પશુદવાખાના, પ્રાથમિક પશુ દવાખાના, તથા ગ્રામ્ય પશુ સારવાર કેન્દ્રો ખાતે જીવન રક્ષક દવાઓ અને વેક્સીનનો પુરતો જથ્થો સુનિશ્ચિત કરવામાં આવેલ છે. તાકીદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય કક્ષાએથી લાયઝન અધિકારી તરીકે ડૉ. એસ. બી ભગોરા, સંયુક્ત પશુપાલન નિયામક, ગાંધીનગર -૯૭૧૨૬૬૮૩૯૯ ની નિમણુંક કરવામાં આવેલ છે. આ વિસ્તારમાં કોઈ મુશ્કેલી હોય તો ઉપરોક્ત નંબર ઉપર કોન્ટેક્ટ કરીને મદદ પણ માંગી શકો છો.

આ પણ વાંચો : ગુજરાતના આ દરિયાકાંઠાના ગામમાં બિપોરજોય વાવાઝોડાથી બચવા અનોખો ઉપાય કર્યો

Back to top button