ભાવનગર : EVM સ્ટ્રોંગ રૂમ પાસે નમો વાઈફાઈ ચાલુ થતાં હોબાળો, ક્લકેટરે સંભાળી પરિસ્થિતિ
વિધાનસભાની ચૂંટણીનું મતદાન થયા બાદ EVM સાથે ચેડાના આક્ષેપો થતા રહ્યા છે. શનિવારે મોડી સાંજે ભાવનગર ખાતે વિદ્યાનગર ખાતે સ્ટ્રોંગ રૂમ નજીક નમો નામનું વાઇફાઇ ઓપન થઈ જતાં રાજકીય પક્ષોના ઉમેદવારો સ્ટ્રોંગ રૂમે દોડી ગયા હતા. ગારીયાધારના કોંગ્રેસ ઉમેદવારે તંત્ર સામે ગંભીર આક્ષેપ કરતા કલેકટરે ખુલાસો કરવો પડ્યો.કોંગ્રેસ ઉમેદવારે તંત્ર સામે ગંભીર આક્ષેપ કરતા કલેકટરે ખુલાસો કરવો પડ્યો.
આ પણ વાંચો : તમે જેમાં વોટ કરો છો તે EVM વિશે જાણો અમુક રોચક તથ્યો
1 ડિસેમ્બરના પ્રથમ તબક્કામાં ભાવનગરની સાત બેઠક માટે મતદાન યોજાયું હતું. સાત વિધાનસભા બેઠકોના ઇવીએમ અને વીવીપેટને સીલ મારી શહેરના વિદ્યાનગર ખાતે એન્જીનિયર કોલેજ સામે બનાવેલા સ્ટ્રોંગરૂમમાં રાખી દેવામાં આવ્યા છે. પરંતુ ગઈ કાલે અચાનક સાંજે સ્ટ્રોંગ રૂમ નજીક નમો નામનું વાઇફાઇ ઓપન થઈ જતા રાજકીય પક્ષોના ઉમેદવારોએ શંકા સેવી હતી. તદુપરાંત સ્ટ્રોંગ રૂમના તાળાને સીલ નહીં માર્યુ હોવાથી લોક ખુલી જવાની પણ ઉમેદવારોએ શંકા ઉપજાવી હતી.
સ્ટ્રોંગરૂમ નજીક નમો નામનું વાઇફાઇ ઓપન થતા આપના ઉમેદવાર રાજુ સોલંકી, કોંગ્રેસના અનીભાઈ ગોહિલ, કનુ બારૈયા, દિવ્યેશ ચાવડા, કમલેશ ચંદાણી તેમજ અપક્ષ સહિતના ઉમેદવારો અને તેના પ્રતિનિધિઓ સ્ટ્રોંગ રૂમે પહોંચી ગયા હતા. અને વાઇફાઇ બંધ કરાવવાની તજવીજ હાથ ધરી હતી. ગારીયાધારના કોંગ્રેસ ઉમેદવારે તંત્ર સામે ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે ભાવનગર એન્જીનીયરીંગ કોલેજના સ્ટ્રોંગ રૂમમાં તાળા મારી અને જે સીલ મારવામાં આવ્યા છે તે સીલ એ રીતના છે કે તાળુ આસાનીથી ચાવીથી ખુલી જાય છે. જ્યારે ત્રીજા માળે ત્રણ નમો નામના વાઇફાઇ પકડાઈ થયા છે.
સમગ્ર મામલે જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટર ડી.કે.પારેખે જણાવ્યું હતું કે સ્ટ્રોંગરૂમની સિક્યુરિટીમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ રાખવામાં આવી નથી. સરકારી કોલેજ ખાતે રાખવામાં આવેલા ઇવીએમ સહી સલામત છે તેમજ દિવસ રાત 24 કલાક સશસ્ત્ર સુરક્ષા દળોનો પહેરો લગાવવામાં આવ્યો છે. ઉપરાંત 24 કલાક તેની વિડીયોગ્રાફી કરવામાં આવી રહી છે. સ્ટ્રોંગરૂમ 24 કલાક સીસીટીવી સર્વેલન્સ હેઠળ છે. આ સર્વેલન્સના ફૂટેજ ઉમેદવારો અને તેમના માન્ય પ્રતિનિધિ કંટ્રોલરૂમમાં બેસી જોઈ શકે તેવી પણ વ્યવસ્થા છે.