ગુજરાતટ્રેન્ડિંગ

ભાવનગર: શાળાઓમાં ધોરણ 3થી 8ના કેટલાક પુસ્તકો હજી વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યા જ નથી

Text To Speech
  • ભાવનગર જિલ્લાની શાળાઓમાં પુરતા પુસ્તકો જ પહોંચ્યા નહી.
  • વિદ્યાર્થીઓ પુસ્તકો વિના અભ્યાસ કરવા મજબુર.

HD ન્યૂઝ ડેસ્ક: રાજ્યામાં શિક્ષણ કાર્ય શરુ થયાને બે મહિના થયા હોવા છતાં ભાવનગર જિલ્લામાં ધોરણ 3થી 8ના કેટલાક પુસ્તકો અપાયા જ નથી. સરકાર શિક્ષણને આગળ લઈ જવા અનેક પ્રયત્નો કરી રહી છે, એવામાં ક્યાંક કચાસ રહી ગઈ હોય એવું ભાવનગર જિલ્લાની શાળાઓમાં દેખાઈ રહ્યું છે. શિક્ષણ તંત્રની બેદરકારીના કારણે જિલ્લાના અનેક બાળકોને પુસ્તકો વિના અભ્યાસ કરવા મજબુર બન્યા છે. તંત્ર દ્વારા એકમ કસોટી અને અન્ય સ્વાધ્યાયપોથીઓ પણ હજી આપવામાં આવી નથી. એટલું જ નહીં પહેલા અને બીજા ધોરણની ચિત્રપોથી તેમજ લેખનપોથી પણ તમામ બાળકોની મળી નથી. આ તમામ પુસ્તકો વિદ્યાર્થીઓને શાળા શરૂ થાય ત્યારે જ મળી જતા હોય છે, પરંતુ હજુ સુધી પુસ્તકો મળ્યા નથી.

પુસ્તકો ન આવતાં શિક્ષકોમાં પણ રોષ

ભાવનગર જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3થી 8ના શિક્ષકો વર્ગખંડમાં કલાસ લેવા જઇ રહયા છે, પરંતુ પુસ્તકોના અભાવે વિદ્યાર્થીઓને શું કરાવવું તેની ચિંતા જોવા મળી રહી છે, જો કે કેટલાક શિક્ષકો પાઠય પુસ્તક ન હોવાથી કલાસમાં એમજ બેસી રહેતા હોવાની પણ બૂમો ઉઠી રહી છે. જેના કારણે હાલ પ્રાથમિક શિક્ષણ કથળી રહયું છે.

છેલ્લા બે-ત્રણ વર્ષથી આ સમસ્યા

રાજય સરકાર દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી પાઠય પુસ્તકો વિદ્યાર્થીઓને મોડા પહોંચાડવામાં આવે છે, જેના કારણે વિદ્યાર્થીઓને અભ્યાસ કાર્યક્રમમાં મુશ્કેલી પડી રહી છે. રાજય સરકારે આ બાબતે ગંભીર નિર્ણય લેવો જોઇએ.

  • આ વખતે ધોરણ 3થી 8ના કેટલાક પુસ્તકો ગાંધીનગરથી શાળામાં હજુ આવ્યાં જ નથી-શાળા શિક્ષક

પાઠય પુસ્તકો કયારે આવશે તે નકકી નથી

ધોરણ 3થી 8ના કેટલાક પુસ્તકો કયારે આવશે તે હજુ નકકી નથી એવું શિક્ષણ વિભાગના સુત્રો જણાવી રહયા છે, જેથી વિદ્યાર્થીઓએ હજુ પણ પુસ્તકો માટે રાહ જોવી પડશે. પાઠય પુસ્તકો વિના વિદ્યાર્થીઓ શું અભ્યાસ કરશે તે સવાલો ચારે તરફ ઉઠી રહયા છે.

આ પણ વાંચો: જૂની પેન્શન યોજનાને લઈ સરકારી કર્મચારીઓ હવે લડી લેવાના મૂડમાં, આ તારીખે કરશે વિરોધ પ્રદર્શન

Back to top button