કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ભાવનગરમાં માલધારી સમાજની 75000 બહેનોએ એક સાથે હુડો રાસ રમીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, CM રહ્યા ઉપસ્થિત

ભાવનગર, તા. 20 માર્ચ, 2025: સમસ્ત માલધારી સમાજના આસ્થાના પ્રતીક સ્થાન એવા બાવળિયાળી ઠાકર ધામમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ધામધૂમથી ચાલી રહી છે. આ મહોત્સવના ભાગરૂપે ભાગવત જ્ઞાન ગંગાનું રસપાન પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા કરવામાં આવી રહ્યું છે, જે શ્રદ્ધાળુઓ માટે આધ્યાત્મિક આનંદનો અનુભવ બની રહ્યો છે. આજે બાવળિયાળી ઠાકર ધામ ખાતે એક અદ્ભુત અને ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માલધારી સમાજની 75000 બહેનોએ એક સાથે હુડો રાસ રમીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયાની ટીમ પણ ઉપસ્થિત રહી હતી. જેમાં ગુજરાત અને મહારાષ્ટ્રની 75,000 હજારથી વધારે મહિલાઓ એકસાથે ગોપી હુડા મહારાસ પ્રસ્તુત કરી રેકોર્ડ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો. વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા જીનિયસ ફાઉન્ડેશનના CEO પાવન સોલંકીના હસ્તે મહંત શ્રી રામબાપુને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું

કાર્યક્મમાં ઉપસ્થિત રહેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ભગવાન શ્રી કૃષ્ણના ઉપાસક ગોપાલક સમાજનું પશુપાલન ક્ષેત્રે પણ મોટું યોગદાન છે. તેમણે રચનાત્મક પ્રવૃતિઓમાં પણ સમાજની એકતાના દર્શન કરાવી સમાજમાં વિશ્વાસનું વાતાવરણ સર્જ્યું છે. ભરવાડ સમાજે આધુનિક પ્રગતિશીલ અભિગમ અપનાવીને શિક્ષણ અને તાલીમ દ્વારા પરિવર્તનશીલ સમાજનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશમાં ભારતીય સનાતન સંસ્કૃતિના પુનઃસ્થાપનનો યુગ શરૂ થયો છે. દેશભરના દેવસ્થાનો આધુનિક થવા સાથે ભવ્ય અને દિવ્ય બની રહ્યા છે. વિરાસતથી વિકાસની આ યાત્રામાં પ્રત્યેક નાગરિક પણ જોડાય તે માટે સરકાર પ્રયત્નશીલ છે.

ભરવાડ સમાજના આસ્થાકેન્દ્ર એવા નગાલાખા બાપાના ધામ – બાવળિયાળી ખાતે નિજમંદિરને પોણા ચારસો વર્ષ પૂર્ણ થવા નિમિત્તે મંદિરની પુન: પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અને ગોપ જ્ઞાન ગાથા સ્વરૂપે શ્રીમદ્‌ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ દિવ્ય પ્રસંગે પૂજ્ય સંતો-મહંતોની પાવન ઉપસ્થિતિમાં સહભાગી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. પૂજ્ય સંત  નગાલાખા બાપાએ પોતાના જીવનકાળ દરમિયાન ગૌ-સેવા અને માનવસેવાની ધૂણી ધખાવી હતી અને આજે ગાદિપતિ મહંત  રામબાપુની નિશ્રામાં સમાજના સામાજિક અને શૈક્ષણિક ઉત્કર્ષની અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે, જે સરાહનીય છે.

આ પણ વાંચોઃ એસીબીનો સપાટોઃ રાજ્યવેરા અધિકારી અને વી.સી.ઈને લીધા સાણસામાં

Back to top button