ભાવનગરને એક જ દિવસમાં રૂ. 6626 કરોડના વિકાસકામોની ભેટ, પીએમએ ભાવેણાવાસીઓનું અભિવાદન જીલ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવ્યા છે. તેમનો આજે પહેલો દિવસ હતો. સવારે સુરત એરપોર્ટ ખાતે ઉતર્યા બાદ ત્યાં વિકાસકામોની સોગાદ આપી તેઓ બપોરે ભાવનગર પહોંચ્યા હતા. જ્યાં તેમણે એક રોડ શો કરી ભાવેણાવાસીઓનું અભિવાદન જીલ્યું હતું. પીએમ મોદીએ અહીંથી ભાવનગર, અમરેલી અને બોટાદને એક જ દિવસમાં રૂ.6626 કરોડના વિકાસકામોની ભેટ આપી હતી. જેમાં 817 કરોડના 10 લોકાર્પણ અને 5,810 કરોડના 13 ખાતમુહુર્ત કર્યા હતા.
ભાવનગરને આ સ્કીમનો સૌથી વધુ લાભ મળવાની કરાઈ જાહેરાત
વડાપ્રધાન મોદીએ રોડ શો કર્યા બાદ એક જંગી જાહેરસભા સંબોધી હતી જેમાં તેઓએ ગોહિલવાડના લોકોને નવરાત્રીની શુભેચ્છાઓ પાઠવી હતી. દરમ્યાન તેઓએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં વ્હીકલ સ્ક્રેપિંગ પોલિસીનો સૌથી પહેલો અને સૌથી વધુ લાભ ભાવનગરને થશે. અલંગને દુનિયાના સૌથી મોટા શિપ બ્રેકિંગ યાર્ડ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે કેન્દ્ર સરકારે જૂની સ્ક્રેપિંગ પોલિસી બનાવી છે, તે જ્યારે લાગુ થશે ત્યારે આખા દેશમાં આ વ્હીકલ સ્ક્રેપિંગ પોલિસીનો સૌથી પહેલા અને સૌથી વધુ લાભ તમને (ભાવનગર) મળવાનો છે. તેનું કારણ છે અલંગની પાર્ટ્સથી જોડાયેલી વિશેષજ્ઞતા છે, જાણકારી છે. તેવામાં જહાજોની સાથો સાથ બીજા નાના વાહનોની સ્ક્રેપિંગ માટે પણ દેશમાં મોટું યાર્ડ બનશે. એક સમયે વિદેશોથી પણ નાની-નાની ગાડીઓ લાવીને તેને સ્ક્રેપ કરવાની શરૂ કરી દેશે. જહાજોને તોડીને જે લોખંડ નિકળે છે, કન્ટેનરો માટે કોઈ એક જ દેશ પર નિર્ભરતા કેટલું મોટું સંકટ હોય છે, ભાવનગર માટે એ પણ મોટો અવસર છે. વૈશ્વિક વેપારમાં દેશની ભાગીદારીમાં ભાવનગરનું યોગદાન હશે. દુનિયા પણ કન્ટેનર્સમાં ભરોસાપાત્રની શોધમાં છે. આખી દુનિયાને લાખો કન્ટેનરની જરૂરિયાત છે. ભાવનગરમાં બનતા કન્ટેઇનર આત્મનિર્ભરને પણ ઉર્જા આપશે અને રોજગાર પણ આપશે. મનમાં સેવાનો ભાવ, પરિવર્તનની ઇચ્છાશક્તિ હોય તો માટામાં મોટું લક્ષ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ.
પ્રધાનમંત્રી મોદીએ ભાવનગરને શું ભેટ આપી ?
આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ભાવનગર ખાતેથી રૂ.૬.૫૦ હજાર કરોડના ઐતિહાસિક વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમૂહુર્ત, ભાવનગરમાં વિશ્વના પ્રથમ CNG ટર્મિનલ, બ્રાઉન ફિલ્ડ પોર્ટનો શિલાન્યાસ, તે ઉપરાંત ભાવનગરને આંગણે વિજ્ઞાનનગરીનું નવલું નજરાણું અર્પણ કરવા ભાવનગરની ભાગોળે ૨૦ એકરમાં અને રૂા. ૧૦૦ કરોડના ખર્ચે આકાર પામેલ અનોખું રિજિયોનલ સાયન્સ સેન્ટરનું લોકાર્પણ, ભાવનગર કન્ટેનર મેન્યુફેક્ચરિંગનું હબ બનવાની દિશામાં આગળ વધીને શ્રી મોદી APPL કન્ટેનરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જ્યારે તળાજા ખાતે રૂ. ૧૦ કરોડના ખર્ચે નવનિર્મિત મોડેલ સ્કૂલ અને ગર્લ્સ હોસ્ટેલનું લોકાર્પણ, મહુવા ખાતે રૂ. ૫.૮૬ કરોડના ખર્ચે નવનિર્મિત સરકારી કન્યા છાત્રાલય (વિકસતી જાતિ) લોકાર્પણ, રૂ. ૧૧.૧૦ કરોડના ખર્ચે નવનિર્મિત ભાવનગર એસ.ટી બસ સ્ટેશનનું લોકાર્પણ, રૂ. ૫.૩૧ કરોડનાં ખર્ચે ભાવનગરનું મોતીબાગ ટાઉનહોલ રીનોવેશન અને રી-ડેવલપમેન્ટ લોકાર્પણ, રૂ. ૧૭.૯૪ કરોડનાં ખર્ચે ભાવનગરનાં અકવાડા લેક ફ્રન્ટ ડેવલપમેન્ટ ફેઝ-૨નું ખાતમુહૂર્ત તેમજ રૂ.૨૦૦ કરોડનાં ખર્ચે તૈયાર થનાર માઢીયા જી.આઇ.ડી.સી.નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.