ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

પોલીસનું ડ્રોન આવતા જુગારીઓ પકડાઈ જવાની બીકે ઉભી પૂંછડીએ ખેતરમાં ભાગ્યા

ભાવનગર, 24 ડિસેમ્બર 2025: ભાવનગર એલસીબીએ બાતમીના આધારે મોતીતળાવ ગ્રાઉન્ડ વિસ્તારમાં જુગાર રમતા શખ્સોને પકડવા માટે ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. જુગારીઓએ ડ્રોનને જોયા બાદ ભાગવા લાગ્યા હતા.

વિગતવાર વાત કરીએ તો, જુગારીઓ ડ્રોનને જોઈ પાળા પર દોડવા લાગ્યા હતા, જ્યારે કેટલાય પકડાઈ જવાની બીકે સીધા પાણીમાં કૂદી પડ્યા હતા. પોલીસે આ હાઈટેક ઓપરેશનમાં ત્રણ શખ્સો પાસેથી 37,900ની રોકડ સાથે ઝડપી લીધા હતા. જ્યારે અન્ય પાંચ શખ્સો ફરાર થઈ ગયા હતા. હાલ પોલીસે તમામ વિરુદ્ધ ગુનો દાખલ કરી ફરાર આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે.

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, ​ગત તા. 22 ડિસેમ્બર, 2025ના રોજ ભાવનગર LCBનો સ્ટાફ શહેરના વિસ્તારોમાં નાઇટ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે, મોતીતળાવ ગ્રાઉન્ડની પાછળ આવેલી દીવાલ પાસેના ખાર વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી. અહીં કેટલાક ઇસમો ગંજીપત્તાના પાના-પૈસા વડે ‘હાર-જીત’નો હાથકાંપનો જુગાર રમી રહ્યા હતા. પોલીસે સીધી રેડ કરવાને બદલે નજર રાખવા માટે આકાશમાં ડ્રોન વહેતું કર્યું હતું. ​

જેવો આકાશી કેમેરો જુગારીયાઓ પર મંડાયો કે તરત જ ત્યાં નાસભાગ મચી ગઈ હતી. ફિલ્મી સીન જેવો નજારો ત્યારે જોવા મળ્યો જ્યારે ​કેટલાક જુગારીઓ ઉભી પૂંછડીએ પાળા પર દોડવા લાગ્યા, ​તો કેટલાકે પકડાઈ જવાની બીકે સીધા પાણીના પાળામાં કૂદીને ભાગવાનો પ્રયાસ કર્યો અને તેમ છતાં અંતે ત્રણ ઈસમો ઝડપાયા હતા. જ્યારે 5 નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.​

Back to top button