ભાવનગર : વાવાઝોડાની તૈયારી અંગેની સમીક્ષા માટે જિલ્લા કલેકટરે યોજી બેઠક , અધિકારીઓને આપી ખાસ સૂચના
- બિપરજોય સાયકલોનની સંભવિત અસરને પહોંચી વળવા જિલ્લા વહીવટીતંત્ર સજ્જ
- સંભવિત વાવાઝોડા અંગેની તૈયારીની સમીક્ષા માટે જિલ્લા કલેકટર આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ
- ઝીરો કેઝ્યુઆલિટીનો ઉદ્દેશ રાખી કામગીરી સુનિશ્ચિત કરવા કલેક્ચરની સૂચના
સંભવિત વાવાઝોડા અંગેની તૈયારીની સમીક્ષા માટે જિલ્લા કલેકટર આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને આજ રોજ જિલ્લાના અધિકારીઓની કલેકટર કચેરી ખાતે બેઠક યોજવામાં આવી હતી. જેમાં ઝીરો કેઝ્યુઆલિટીનો ઉદ્દેશ રાખી કામગીરી સુનિશ્ચિત કરવા કલેક્ચર દ્વારા સૂચના આપવામાં આવી હતી.
સંભવિત વાવાઝોડાને પહોંચી વળવા આયોજન
સંભવિત વાવાઝોડા તથા ભારે વરસાદને કારણે ઉદભવી શકે તેવી વિષમ પરિસ્થિતિની શકયતાઓ ધ્યાનમાં રાખીને ભાવનગર જિલ્લામાં સાવચેતી માટેના જરુરી અને યોગ્ય પગલાં લેવા તથા તે માટે જરુરી પૂર્વ આયોજન જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. ભયજનક મકાનો, કાચા મકાનો, છાપરાં અને નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સમયસર ચેતવણી મળે તેની વ્યવસ્થા કરવામાં આવી છે.
આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો ઉપલબ્ધ રહેશે
સલામત આશ્રયસ્થાનોની ઓળખ કરવી તેમજ આશ્રયસ્થાનોમાં પાણી, વીજળી, સેનિટેશન વગેરે આનુષાંગિક વસ્તુઓ સહિત તમામ પ્રાથમિક સુવિધાઓ વ્યવસ્થા કરવી. જરુરિયાતનાં કિસ્સામાં લોકોને સલામત સ્થળે ખસેડવાની વ્યવસ્થા કરવી. તાલુકા તેમજ જિલ્લા કક્ષાએ આવેલ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ૨૪*૭ કાર્યરત રહેશે. અનાજ, પાણી, દવાઓ, ઇંધણ તેમજ અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો ઉપલબ્ધ રહેશે.
અધિકારીઓને આપી સૂચના
તાકીદની પરિસ્થિતિમાં વીજ પુરવઠો, પાણી પુરવઠો, રોડ વગેરે આવશ્યક સેવાઓ ઓછામાં ઓછી ખોરવાઈ તેમજ ઝડપથી મેઇનટેનન્સ તથા પુન: સ્થાપન માટે ટીમો તૈયાર રાખવામાં આવશે.પશુઓની સલામતી માટે નજીકની ગૌશાળા/પાંજરાપોળ વગેરે વ્યવસ્થા સુનિશ્ચિત કરવા. હોસ્પિટલમાં જરુરી દવાઓ, મેડીકલ/પેરા મેડીકલ સ્ટાફની ઉપલબ્ધિ અંગેનું આયોજન કરવું. સરકાર દ્વારા વખતોવખત આપવામાં આવતી સૂચનાઓનું ચુસ્તપણે પાલન થાય તે મહત્વની બાબત છે. અધિકારીઓને – કર્મચારીઓને હેડ કવાર્ટર ન છોડવા જિલ્લા કલેકટરએ આદેશ આપવામાં આવ્યા છે.
કલેક્ટરએ ઝીરો કેઝ્યુઆલીટીનો ઉદ્દેશ રાખી કામગીરી કરવા જણાવ્યું
જિલ્લામાં સાવચેતી અને સલામતીનાં પૂર્વ ઉપાયનાં પગલાં સુનિશ્ચિત કરવામાં આવ્યા છે. વાવાઝોડા પહેલા, વાવાઝોડા દરમિયાન તથા વાવાઝોડા બાદ શું કરવું અને શું ન કરવું તે અંગે નિયત માર્ગદર્શિકા છે તે અનુસરવાની રહે છે.બેઠકમાં કલેક્ટરએ ઝીરો કેઝ્યુઆલીટીનો ઉદ્દેશ રાખી કામગીરી કરવા જણાવાયું હતું. આ ઉપરાંત દરેક વિભાગના અધિકારીઓને ઇમરજન્સીના કિસ્સામાં ૨૪*૭ ઉપલબ્ધ રહેવા જણાવ્યું હતું.બેઠકમાં મ્યુનિસીપલ કમિશનર એન. વી. ઉપાધ્યાય, જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવીન્દ્ર પટેલ સહિત જિલ્લાના આપત્તિ વ્યવસ્થાપનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : હર્ષ સંઘવીની મોટી જાહેરાત: રાજ્યના પોલીસ જવાનો હવે લોકોનો જીવ બચાવશે, અપાશે ખાસ તાલીમ