ડેપ્યુટી ડી.ડી.ઓ. નિવૃત થયા બાદ પ્રાકૃતિક ખેતી શરુ કરી, પર્યાવરણ સંરક્ષણ સાથે મેળવે છે લાખોની આવક
- પ્રાકૃતિક ખેતીથી વિઘા દીઠ આશરે લાખ રૂપિયાની આવક મેળવે છે શિહોરના કનાડ ગામના પ્રગતિશીલ ખેડૂત અને નિવૃત્ત અધિકારી રઘુભા ગોહિલ
- પ્રાકૃતિક પાકોના મૂલ્યવર્ધન સાથે માર્કેટિંગનો બેવડો સમન્વય સાધે છે રઘુભા ગોહિલ
- સરકારની ખેડુતોની આવક બમણી કરવાના પ્રયત્નોને ખરા અર્થમાં સાર્થક કરતાં કનાડ ગામના ખેડૂત
સામાન્ય રીતે સરકારી નોકરી કરતાં કર્મચારીઓ એવું વિચારતા હોઈ છે કે નિવૃતિ બાદ પેન્શન સાથે આરામથી જીવન ગાળવું પરંતુ ભાવનગરના શિહોર તાલુકાના રઘુભા ગોહિલ કે જેઓ ડેપ્યુટી ડી.ડી.ઓ. વર્ગ-૧ ની પોસ્ટમાં વર્ષ ૨૦૧૮ માં નિવૃત થયા બાદ તેઓએ પ્રાકૃતિક કૃષિ કરવા અંગેનો નિર્ણય કર્યો અને આજે પ્રાકૃતિક ખેતી થકી વર્ષે વિઘા દીઠ લાખ રૂપિયાની આસપાસ આવક મેળવતા થયા છે.
નિવૃત્ત અધિકારી રઘુભા ગોહિલે પ્રાકૃતિક ખેતી શરુ કરી
વાત છે….. શિહોર તાલુકાના કનાડ ગામમાં પ્રાકૃતિક ફાર્મ બનાવીને પ્રાકૃતિક ખેતી કરતાં રઘુભા સબળસિંહ ગોહિલની કે જેમને સરકારી સેવામાંથી નિવૃત થયા બાદ વારસાગત જમીનમાં પ્રાકૃતિક ખેતી કરવાનો સંકલ્પ કર્યો અને છેલ્લા ચાર વર્ષમાં પ્રાકૃતિક ખેતી તો કરી અને આજુબાજુના ગામના લોકોને પણ આ અંગે જાગૃત કર્યા છે.
વિઘા દીઠ આશરે લાખ રૂપિયાની આવક
આત્મા પ્રોજેક્ટના અને બાગાયતી સેમિનાર દ્વારા પ્રાકૃતિક ખેતી અંગેના ફાયદા તેઓ જાણતા હતા આથી તેઓએ પ્રાકૃતિક ખેતી શરૂ કરતાં આજે વિઘા દીઠ આશરે લાખ રૂપિયાની આવક મેળવે છે આ ઉપરાંત તેઓ પ્રાકૃતિક પાકોનું મૂલ્યવર્ધન કરી સારુ માર્કેટિંગ કરે છે તેમજ હળદરનો પાઉડર બનાવીને માર્કેટિંગ પણ કરે છે. આ ઉપરાંત મગફળીનું તેલ કાઢીને બજારમાં એ તેલની દોઢી આવક મેળવે છે.
યોગ્ય દિશામા મહેનત અને માર્ગદર્શન થકી પ્રાકૃતિક ખેતીમાંથી સારી ઉપજ મેળવતા થયા
આ તકે પ્રગતિશીલ ખેડૂત રઘુભા ગોહિલ જણાવે છે કે શરૂમાં એક વર્ષ પ્રાકૃતિક ખેતી શરૂ કરતાં તકલીફ પડી હતી પરંતુ યોગ્ય દિશામા મહેનત અને માર્ગદર્શન થકી બીજા જ વર્ષથી પ્રાકૃતિક ખેતીમાંથી સારી ઉપજ મેળવતા થયા છે. ખેતી પાકમાં રાસાયણિક દવાના છંટકાવથી ઝડપથી લાભ મળી શકે પણ લાંબા ગાળે તે જમીન અને લોકોના આરોગ્ય માટે પણ નુકશાનકારક બની શકે છે.
આ પણ વાંચો : હવે ડાકોર મંદિરમાં પણ થશે VIP દર્શન, નજીકથી દર્શન કરવા ચૂકવવા પડશે આટલા રુપિયા
પ્રાકૃતિક ફાર્મ બનાવીને 60 વિઘામાં પ્રાકૃતિક ખેતી કરી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી થકી તેઓ ૪૦૦ લીંબુડી, ૬૦૦ કેસર કેરીનાં આંબા, ૧૨ વિઘામાં સરગવો, ૮ વિઘામાં હળદર, ૨૦ વિઘામાં અળદ તેમજ કારેલા, મગફળી, ડુંગળી, ટામેટાંનું ઉત્પાદન મેળવે છે. આમ, તેઓ કનાડ ગામમાં ચામુંડા પ્રાકૃતિક ફાર્મ બનાવીને ૬૦ વિઘામાં પ્રાકૃતિક ખેતી છેલ્લા ચાર વર્ષ કરે છે. પ્રાકૃતિક ખેતીના પંચામૃત ગણાતા જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાફસા(ભેજ) અને જૈવ વૈવિધતા પાંચ સિદ્ધાંતો પોતાના ખેતરમાં જોવા મળે છે. આ ઉપરાંત નિમાસ્ત્ર, અગ્નિઅસ્ર, બ્રહ્માસ્ત્ર અને દશપર્ણી અર્ક પણ બનાવે છે.
ચાલુ વર્ષથી તેમણે મલ્ચિંગ ખેતીની પણ શરૂઆત કરી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ચાલુ વર્ષથી તેમણે મલ્ચિંગ ખેતીની પણ શરૂઆત કરી છે આમ, તેઓ દરેક વર્ષે અવનવા પ્રયોગો કરીને ખેત ઉત્પાદન વધારવાના પ્રયત્નો કરતાં રહે છે. તેઓએ ખેતી માટે ક્યારેય પણ કેમિકલ ખાતરનો ઉપયોગ કર્યો નથી. સરકારની ખેડુતોની આવક બમણી કરવાની વિચારસરણીને તેઓ ખરા અર્થમાં ચરિતાર્થ કરે છે.
રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતી અંગેની ખેડૂતોની સમસ્યાનું નિવારણ લાવે છે
તેમને જણાવ્યું હતું કે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ખૂબ જ આગવું પ્રદાન કરી રહી છે ત્યારે બાગાયત ખાતાના અધિકારીઓ, આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ અને ખેતીવાડી ખાતાના અધિકારીઓ પણ અવારનવાર ખેડૂતની મુલાકાત લઈને પ્રાકૃતિક ખેતી અંગેની ખેડૂતોની સમસ્યાનું નિવારણ લાવે છે.
આ પણ વાંચો : રાજકોટમાં ડેન્ગ્યૂ બન્યો જીવલેણ, 4 વર્ષની બાળકીનું ડેન્ગ્યુથી મોત