ભાવનગર : જૈનોના આસ્થાના પ્રતીક આદીનાથ દાદાના પગલાં તોડનારો આરોપી, જાણો કેમ આચર્યું હતું કૃત્ય
સમગ્ર વિશ્વમાં વસવાટ કરતા જૈનોના આસ્થાના પ્રતીક સમાન ભાવનગરના પાલીતાણાના રોહીશાળા ગામે આવેલ ભગવાન આદિનાથ દાદાના પગલાને ખંડિત કરી તેમની લાગણી દુભાવનાર આખરે ઝડપાઇ ગયો છે. લગભગ એક મહિને આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. ત્યારે તેની પ્રાથમિક પૂછપરછમાં તેણે આ કૃત્ય ચોરી કરવાના ઇરાદે ગયા બાદ ત્યાં કંઈ ન મળતા ઉશ્કેરાટમાં આવી આચર્યું હોવાનું જણાવ્યું હતું.
શું હતી આખી ઘટના ?
પાલીતાણા તાલુકાના રોહિશાળા ગામે જૈન ધર્મની આસ્થાનું કેન્દ્ર ભગવાન આદિનાથ દાદાની દેરીએ તા.26-11-2022ના 18-20 થી તા.27-11-2022 દરમિયાન દાદાના બન્ને પગલાને ટોચા મારી ખંડિત કરી જૈન ધર્મની લાગણી દુભાયા અંગેનું કાર્ય કોઈ શખસ દ્વારા કરવામાં આવ્યું હતું. આ અંગે અંગેની ફરિયાદ આ.ક. પેઢીના સિક્યોરીટી ઓફીસર જગદીશભાઈ આંબાલાલે નોંધાવી હતી. જેથી પાલીતાણા પોલીસે તપાસ શરૂ કરી હતી.
આરોપીને ઝડપી લેવા આવેદન આપવામાં આવ્યું હતું
દરમિયાન આ પ્રશ્ને અમદાવાદ જૈન સંઘ દ્વારા પાલીતાણામાં વિશાળ રેલી નીકળેલ અને ગુનેગારો પકડવા ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર પણ આપેલ હતું. આ બનાવથી ગુજરાતભરના જૈનોમાં રોષની લાગણી છવાયેલ હતી જેના પગલે રાજ્યના ગૃહ વિભાગમાંથી ગુનેગારોને તાત્કાલિક પકડવા હુકમો છૂટ્યા હતા. ગુનાને ડિટેક્ટ કરવા પાલીતાણા રૂરલ પોલીસ, એલસીબી, ડોગસ્કવોડ, ટેકનિકલ એનાલિસીસ ટીમ જોડાઈ હતી. અંગત બાતમીદારોને મળી હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી અનડીટેક્ટ ગુનાને ડીટેક્ટ કરવા પ્રયાસો હાથ ધરતાં બાતમી હકીકત મળેલ કે રોહીશાળા ગામના ગેમાભાઈ ઉર્ફે પિન્ટુભાઈ રાઘવભાઈ ગોહિલે ગુનાને અંજામ આપેલ હતો.
આરોપીને પોલીસે ઝડપી લઈ પૂછપરછ કરી
જેથી શંકાસ્પદ આરોપી ગેમાભાઈ ઉર્ફે પિન્ટુભાઈ રાઘવભાઈ ગોહિલને યુક્તિ-પ્રયુક્તિ ગુનાને લગત પૂછપરછ કરતાં આરોપીએ જૈન ધર્મના ભગવાન આદિનાથ દાદાના પગલાંની દેરી ખાતે ચોરી કરવા માટે ગયેલ અને કોઈ કિંમતી વસ્તુ મળી આવેલ ન હોય જેથી અકળાઈને પાસે રહેલ પથ્થરથી આદિનાથ દાદાના પગલાંને ટોચા મારી ખંડિત કરેલ હોવાનું પ્રાથમિક તપાસમાં જણાવતાં મજકૂર આરોપીને હસ્તગત કરી અટક કરી આગળની તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી ગેમાભાઈ ઉર્ફે પિન્ટુભાઈ રાઘવભાઈ ગોહિલ (ઉં.વ.27) (રે.હાલ ભુંડરખા, ગામ પ્લોટ વિસ્તાર તા.પાલીતાણા મુ.રોહિશાળા, તા.પાલીતાણા)ની પાલીતાણા રૂરલ પોલીસે ધરપકડ કરી હતી.