ગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાત

ભરૂચ ચૂંટણી જંગ: જાણો ભરૂચ લોકસભા બેઠકની પરિસ્થિતિ, કેવો રહ્યો છે ભૂતકાળ?

5 મે 2024 ભરુચ: 2024 લોકસભા ચૂંટણીમાં ભરૂચ લોકસભા બેઠક પર કુલ 13 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાવા જઈ રહ્યો છે. જેમાંથી બે મુખ્ય પક્ષો ભાજપમાંથી મનસુખ વસાવા અને ઇન્ડિયા ગઠબંધનમાંથી આપ ઉમેદવાર ચૈતર વસાવા વચ્ચે સીધી ટક્કર થશે. ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણી આ વખતે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગઈ છે કેમ કે છેલ્લા અનેક દાયકાથી આ બેઠક કોંગ્રેસનો ગઢ રહી છે અને સ્વર્ગસ્થ અહેમદ પટેલ આ બેઠકનું પ્રતિનિધિત્વ કરતા હતા. જોકે, 2024ની ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે ઈન્ડી ગઠબંધન થયું ત્યારે કોંગ્રેસે અહેમદ પટેલના પુત્ર અને પુત્રીની ઉપેક્ષા કરીને આ બેઠક આમ આદમી પાર્ટીને આપી દીધી. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા મજબૂત ઉમેદવાર હોવા છતાં કોંગ્રેસના કાર્યકરો અને ટેકેદારો તેમને સમર્થન આપે છે કે નહીં? અહેમદ પટેલનો પરિવાર પૂરા તન-મનથી આમ આદમી પાર્ટીના ઉમેદવારને સમર્થન આપે છે? આ પ્રશ્નો આખા ગુજરાત ઉપરાંત રાષ્ટ્રના નાગરિકોને પણ થઈ રહ્યો છે. એ સંજોગોમાં હમ દેખેંગે ન્યૂઝની ટીમે ગયા અઠવાડિયે ભરૂચ લોકસભા બેઠકની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં અમને શું જાણવા મળ્યું? મતદારોનો મૂડ કેવો છે? શું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે મળીને ભાજપને હરાવવા પ્રયાસ કરી રહ્યા છે? ચાલો જાણીએ આ પ્રશ્નોના જવાબ.

ભાજપ અને ઇન્ડીના પ્રતિનિધિઓ સાથે ખાસ વાત
ભરૂચ લોકસભા ચૂંટણીને લઈને ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરીયાએ અમારી ટીમ સાથે વાત કરતા જણાવ્યું હતું કે ભાજપ સરકારના શાસનમાં સરકારની યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચ્યો છે. કોંગ્રેસના શાસનમાં ભરૂચ કરફ્યુગ્રસ્ત રહેતો, ટ્રાફિકની સમસ્યા રહેતી, વિકાસના નામે શુન્ય હતું. તેવામાં ભરૂચની સુરત બદલાઈ છે કોંગ્રેસને કોઈ ઉમેદવાર નથી મળતા ત્યારે ના છૂટકે ગઠબંધન કરીને આમ આદમી પાર્ટીનાં નવા ચહેરાની ટિકિટ આપવી પડી ત્યારે ભરૂચ લોકસભા ઉપર 5 લાખથી વધુ લીડથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ સાથે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા સાથે અમારી ટીમે વાત તેઓએ જણાવ્યું હતું કે ભરૂચ લોકસભા ઉપર હંમેશાથી કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ સ્વર્ગસ્થ નેતા અહેમદ પટેલ પ્રતિનિધિત્વ કરતા હતા તેવામાં મે અહીંયાથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરતા કોઈપણ અવરોધ વિના કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ મારી વાત સ્વીકારી મને તક આપી જેનો હું આભારી રહીશ સાથે તેમણે જણાવ્યું કે મેં છેલ્લા બે મહિનાની અંદર “સ્વાભિમાન યાત્રા” હોય કે “તમારો દીકરો તમારે દ્વાર” ના કેમ્પેનિંગ થકી લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે ભરૂચના લોકો આ વખતે ખૂબ મોટી માત્રામાં મત આપી મને લોકસભામાં મોકલશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

 

ભરૂચ લોકસભામાં 7 વિધાનસભાનો સમાવેશ

ભરૂચ લોકસભામાં કેટલી વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે અને 2022 વિધાનસભામાં કયા પક્ષે કઈ બેઠક જીતી હતી. તેમજ 2019 માં બંને મુખ્ય પક્ષોના ઉમેદવાર કોણ હતા અને કેટલી લીડથી કોણ જીત્યું હતું. દક્ષિણ ગુજરાતમાં આવેલી ભરૂચ લોકસભા બેઠકમાં કુલ સાત વિધાનસભા બેઠકોનો – ભરૂચ, કરજણ, ડેડીયાપાડા, જંબુસર, વાગરા, ઝગડીયા, અંકલેશ્વર સમાવેશ થાય છે. 2022 માં આ લોકસભા ક્ષેત્રમાં આવતી સાત વિધાનસભા બેઠકો પૈકી છ બેઠકો પર ભાજપે વિજય મેળવ્યો હતો. જ્યારે એકમાત્ર બેઠક ડેડીયાપાડા પર આપના ઉમેદવાર ચૈતર વસાવાનો વિજય થયો હતો. 2019 લોકસભામાં ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાને રીપીટ કરવામાં આવ્યા હતા અને સામે કોંગ્રેસમાંથી શેરખાન પઠાણ મેદાનમાં હતા જેઓ હાર્યા હતા.

2019 માં મનસુખ વસાવા 3,34,214 લીડથી જીત્યા
2019 લોકસભા ચૂંટણીમાં ભરૂચ બેઠકમાં હાર-જીતની લીડનાં અંતરની વાત કરીએ તો મનસુખ વસાવાને 6,37,795 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસ ઉમેદવાર શેરખાન પઠાણને 3,03,581 મત મળ્યા હતા. એટલે કે કુલ વોટના 55% મત ભાજપને મળ્યા અને 26.38% વોટ કોંગ્રેસને મળ્યા હતા. ત્યારે ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા 3,34,214 મતોની લીડથી જીત્યા હતા.

3,80,944 નવા યુવા મતદારો મત આપશે
2024 લોકસભામાં ભાજપમાંથી મનસુખ વસાવાને રીપીટ કર્યા છે અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાને પાર્ટીએ નવા ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. આ અગાઉ ભાજપના મનસુખ વસાવા સતત 6 ટર્મ સુધી ભરૂચ લોકસભા પર સાંસદ રહ્યા હતા. ભરૂચ લોકસભા બેઠક પર કુલ મતદારોની વાત કરીએ તો 2024માં 19,45,149 કુલ મતદારો નોંધાયા છે. જ્યારે 2019 માં કુલ મતદારોની સંખ્યા 15,64,205 હતી. આ વખતે 3,80,944 કુલ નવા યુવા મતદારો મત આપશે

ભાજપમાંથી મનસુખ વસાવાને સાતમી વખત રીપીટ કરાયા
તો આ રીતે 2014 લોકસભા ચૂંટણીમાં બે મુખ્ય પક્ષો કોંગ્રેસમાંથી જયેશ પટેલ અને ભાજપના મનસુખ વસાવા મેદાને હતા જેમાં ભાજપના મનસુખ વસાવાની જીત થઈ હતી. તેમજ 2019 લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણ અને ભાજપમાં ઉમેદવાર મનસુખ વસાવા મેદાન હતા. જેમાં ભાજપના રીપીટ કરાયેલા ઉમેદવાર મનસુખ વસાવાની જીત થઈ હતી. તેવી જ રીતે આ વખતે 2024 લોકસભા ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનમાંથી નવા ઉમેદવાર તરીકે ચૈતર વસાવા અને ભાજપમાંથી મનસુખ વસાવાને રીપીટ કરાયા છે. જ્યારે આ વખતે ભરૂચ લોકસભા બેઠક પર કોણ બાજી મારશે એ જોવાનું રહ્યું?

Back to top button