ભારતી એન્ટરપ્રાઈઝના ચેરપર્સન સુનીલ મિત્તલને યુકેનું નાઈટહૂડનું સન્માન મળ્યું


નવી દિલ્હી, 28 ફેબ્રુઆરી: ભારતી એન્ટરપ્રાઇઝીસના સ્થાપક અને ચેરપર્સન સુનિલ ભારતી મિત્તલને યુનાઇટેડ કિંગડમમાં ‘નાઈટહૂડ’ના માનદ પદવીથી સન્માનિત કરવામાં આવ્યા છે. કિંગ ચાર્લ્સે સુનીલ ભારતી મિત્તલને ભારત-યુકે વેપાર સંબંધોને આગળ વધારવા માટે આ સન્માન આપ્યું હતું. આ સાથે સુનીલ મિત્તલ ‘નાઈટ કમાન્ડર ઓફ ધ મોસ્ટ એક્સેલેન્ટ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર’ (KBE)થી સન્માનિત થનાર પ્રથમ ભારતીય નાગરિક બની ગયા છે. ભારતીય સાહિત્યમાં એકમાત્ર નોબેલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ નાથ ટાગોરને બ્રિટિશ સરકાર દ્વારા 1915માં નાઈટહૂડનો ખિતાબ આપવામાં આવ્યો હતો. પરંતુ ટાગોરે જલિયાવાલા બાગ હત્યાકાંડની સખત નિંદા કરીને તેમનું બિરુદ પરત કર્યું હતું.
સુનીલ ભારતી મિત્તલ ટેલિકોમ ઉદ્યોગપતિ તરીકે ઓળખાય છે. તેમની કંપની એરટેલ દેશની સૌથી મોટી મોબાઈલ ફોન ઓપરેટર્સમાં સામેલ છે. એરટેલના 474 મિલિયન ગ્રાહકો છે. સુનીલ ભારતી મિત્તલને 1988માં રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા. નાઈટહૂડનું માનદ ખિતાબ મેળવ્યા પછી, સુનીલ ભારતી મિત્તલે કહ્યું, “હું કિંગ ચાર્લ્સ તરફથી આ સન્માન માટે ખૂબ જ આભારી છું. બ્રિટન અને ભારતના ઐતિહાસિક સંબંધો છે. આ સંબંધો હવે વધતા સહકારના નવા યુગમાં પ્રવેશી રહ્યા છે. હું અમારા બે મહાન દેશો વચ્ચેના આર્થિક અને દ્વિપક્ષીય વેપાર સંબંધોને મજબૂત બનાવવા માટે કામ કરવા માટે પ્રતિબદ્ધ છું.”
સુનીલ ભારતી મિત્તલને 2007માં ભારતના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માન ‘પદ્મ ભૂષણ’થી નવાજવામાં આવ્યા હતા. ભારતી એન્ટરપ્રાઇઝ એ એક વિશાળ ભારતીય બિઝનેસ ગ્રુપ છે જેનું હેડક્વાર્ટર નવી દિલ્હી, ભારતમાં સ્થિત છે. તેમજ શ્રીલંકા, બાંગ્લાદેશ, જર્સી, ગ્યુર્નસી અને સેશેલ્સની સાથે આફ્રિકામાં બુર્કિના ફાસો, ચાડ, કોંગો બ્રાઝાવિલે અને કોંગોમાં પણ તેમની શાખાઓ છે.
આ પણ વાંચો: એપલે તેનો પ્રોજેક્ટ ટાઇટન કર્યો બંધ, સેંકડો કર્મચારીઓની નોકરી ખતરામાં