ભરતનાટ્યમ કલાકાર યામિની કૃષ્ણમૂર્તિનું નિધન, દેશના ત્રણ સર્વોચ્ચ નાગરિક સન્માનથી કરાયા હતા સન્માનિત
નવી દિલ્હી, 03 ઓગસ્ટ : પ્રખ્યાત ભરતનાટ્યમ કલાકાર યામિની કૃષ્ણમૂર્તિનું નિધન થયું છે. આજે 83 વર્ષની વયે તેમનું અવસાન થયું. તેમણે દિલ્હીની એપોલો હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. યામિની કૃષ્ણમૂર્તિ વય સંબંધિત બીમારીઓથી પીડિત હતા. ડૉ. સુનિલ મોદીના નેતૃત્વ હેઠળની ટીમની દેખરેખ હેઠળ તેમની સારવાર કરવામાં આવી રહી હતી. જોકે યામિની કૃષ્ણમૂર્તિને બચાવી શકાયા નહિ.
યામિની કૃષ્ણમૂર્તિના મેનેજરે આપી માહિતી
યામિની કૃષ્ણમૂર્તિના નિધનના સમાચાર તેમના મેનેજર અને સેક્રેટરી ગણેશ દ્વારા શેર કરવામાં આવ્યા છે. કૃષ્ણમૂર્તિના મેનેજર અને સેક્રેટરી ગણેશે પીટીઆઈને જણાવ્યું હતું કે, ‘તે વય સંબંધિત સમસ્યાઓથી પીડાતી હતી અને છેલ્લા સાત મહિનાથી ઈન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં હતી.’ યામિની કૃષ્ણમૂર્તિના પાર્થિવ દેહને હવે તેમની સંસ્થા ‘યામિની સ્કૂલ ઑફ ડાન્સ’માં દર્શન માટે રાખવામાં આવશે. તેમના પાર્થિવ દેહને આવતીકાલે રવિવારે સવારે 9 વાગ્યે તેમની સંસ્થામાં લાવવામાં આવશે. અહીં લોકો તેમના અંતિમ દર્શન કરી શકશે. જોકે, યામિની કૃષ્ણમૂર્તિના અંતિમ સંસ્કાર ક્યારે કરવામાં આવશે તે અંગે કોઈ માહિતી બહાર આવી નથી.
આ પણ વાંચો : PM મોદી ફરી સૌથી લોકપ્રિય વૈશ્વિક નેતા બન્યા, 69% રેટિંગ સાથે ટોચ પર
યામિનીનો જન્મ 1940માં થયો હતો
યામિનીનો જન્મ 20 ડિસેમ્બર 1940ના રોજ આંધ્ર પ્રદેશના ચિત્તૂર જિલ્લાના મદનપલ્લેમાં થયો હતો. જો કે યામિની તામિલનાડુના ચિદમ્બરમમાં મોટી થઈ હતી. જ્યારે તે માત્ર 17 વર્ષની હતી ત્યારે યામિનીએ ભરતનાટ્યમમાં ડેબ્યૂ કર્યું હતું. નોંધનીય છે કે તે ભારતની સૌથી લોકપ્રિય ભરતનાટ્યમ નૃત્યાંગના હતી. યામિની કૃષ્ણમૂર્તિની ડાન્સ એકેડમી ‘યામિની સ્કૂલ ઑફ ડાન્સ’ દિલ્હીમાં છે. આ અંતર્ગત તે લોકોને ભરતનાટ્યમની ટ્રેનિંગ આપતી હતી. તમને જણાવી દઈએ કે યામિનીના પરિવારમાં બે બહેનો છે.
દેશના ત્રણ સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજવામાં આવ્યા હતા
યામિની કૃષ્ણમૂર્તિને નૃત્યના ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ દેશના ત્રણ સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજવામાં આવ્યા હતા. તેમને 1968માં પદ્મશ્રી (દેશનું ચોથું સર્વોચ્ચ નાગરિક સન્માન), 2001માં પદ્મ ભૂષણ (દેશનું ત્રીજું સર્વોચ્ચ નાગરિક સન્માન) અને 2016માં દેશનું બીજું સર્વોચ્ચ નાગરિક સન્માન ‘પદ્મ વિભૂષણ’ એનાયત કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : મનુ ભાકર પર પૈસાનો વરસાદ, 40 બ્રાન્ડ્સે રસ દાખવ્યો, જુઓ જાહેરાતની કેટલી ફી આપવા તૈયાર?